Wed Sep 02 2026

Logo

ગાંધીનગરમાં ઈ-બસ સેવાનો પ્રારંભ, માત્ર  ન્યૂનતમ રૂ. ૫ થી મહત્તમ રૂ. ૩૦ ભાડું નિર્ધારિત

2026-06-28 19:57:00
Author: Pooja Shah
ગાંધીનગરમાં ઈ-બસ સેવાનો પ્રારંભ, માત્ર  ન્યૂનતમ રૂ. ૫ થી મહત્તમ રૂ. ૩૦ ભાડું નિર્ધારિત

અમદાવાદઃ પીએમ-ઈ-બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આધુનિક, સ્વચ્છ અને ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવાઓની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ગાંધીનગર શહેરને કુલ ૧૦૦ ઇલેક્ટ્રિક મિડી બસોની ફાળવણી કરવામાં આવી છે. જેના પ્રથમ તબક્કા તરીકે ૪૦ આધુનિક એ.સી. ઇ-બસોને લીલી ઝંડી આપીને નિયમિત રૂટો પર કાર્યરત કરવામાં આવી છે.

ઇ-બસ સેવાના નિર્વિઘ્ન અને અવિરત સંચાલન માટે સરગાસણ ખાતે અંદાજે રૂ. ૧૭ કરોડના ખર્ચે અત્યાધુનિક ડેપો અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવ્યું છે, જ્યાં આધુનિક ચાર્જિંગ સ્ટેશન, મેન્ટેનન્સ વ્યવસ્થા અને ઓપરેશનલ કંટ્રોલ સિસ્ટમ જેવી ટેકનિકલ સુવિધાઓ ઊભી કરાઈ છે.

નાગરિકોની સુવિધા માટે ગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોને સાંકળતા ૧૮ વૈજ્ઞાનિક ધોરણે આયોજનબદ્ધ રૂટો નક્કી કરાયા છે. આ નેટવર્ક અંતર્ગત સરગાસણ, પાથિકાશ્રમ, સચિવાલય, ગાંધીનગર રેલવે સ્ટેશન, મહાત્મા મંદિર, ગિફ્ટ સિટી , ચિલોડા, દહેગામ, કડી, કલોલ, ચાંદખેડા, ધમાસણ, નારદિપુર, સોનિપુર, કોથા, આદરજ મોટી, ટીંટોડા, આઈઆઈટી ગાંધીનગર, ડભોડા અને માણસા સહિતના વિસ્તારોને આવરી લેવાયા છે. સામાન્ય નાગરિકોને પોષાય તેવા હેતુથી મુસાફરીનું ભાડું અંતરના આધારે ન્યૂનતમ રૂ. ૫ થી મહત્તમ રૂ. ૩૦ નિર્ધારિત કરવામાં આવ્યું છે.

જેમાં ૩ કિમીથી ઓછા અંતર માટે રૂ. ૫, ૩ થી ૫ કિમી માટે રૂ. ૧૦, ૫ થી ૮ કિમી માટે રૂ. ૧૫, ૮ થી ૧૪ કિમી માટે રૂ. ૨૦, ૧૪ થી ૨૦ કિમી માટે રૂ. ૨૫ અને ૨૦ કિમીથી વધુ અંતર માટે રૂ. ૩૦ ભાડું રહેશે. ગાંધીનગરના નાગરિકો આ નવી સેવાનો ઉત્સાહભેર અનુભવ કરી શકે તે માટે સેવાના પ્રારંભથી પ્રથમ ૧૫ દિવસ સુધી સમગ્ર મુસાફરી સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવી છે અને ત્યારપછી પણ ૫ વર્ષથી ઓછી વયના બાળકો માટે મુસાફરી સર્વદા નિઃશુલ્ક રહેશે, તેમ રાજ્ય સરકારે જણાવ્યું હતું.