નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટમાં મોટા ફેરફારની અટકળો તેજ થઇ છે. તેમજ આ ફેરફાર આગામી બે દિવસમાં થઇ શકે છે. જેમાં મળતી માહિતી મુજબ કેન્દ્રીય રોડ, ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીના મંત્રાલયમાં પણ બદલાવ થઇ શકે છે. આ ઉપરાંત નીતિશ કુમારને મંત્રીમંડળમાં સમાવવા આવી શકે છે. તેમજ વિવાદોમાં રહેલા કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હકાલપટ્ટી પણ થઇ શકે છે.
સોશિયલ એન્જિનિયરીંગના મોડેલને અનુસરશે
આ ઉપરાંત રાજકીય વર્તુળોના મંત્રીમંડળ ફેરફાર અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપ આગામી લોકસભા અને રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્વે એનડીએના સાથીઓ સાથે પ્રતિનિધીત્વ સંતુલન બનાવી રાખવા માંગે છે . તેમજ મંત્રીમંડળમાં સોશિયલ એન્જિનિયરીંગના મોડેલને અનુસરવા માંગે છે.
મહત્વપૂર્ણ મંત્રાલયો ધરાવતા મંત્રીઓના વિભાગોમાં ફેરફાર
આ મંત્રીમંડળમાં બદલાવ પૂર્વે અનેક રાજ્યોમાં સંગઠનાત્મક બદલાવ પણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક સૌથી મહત્વપૂર્ણ મંત્રાલયો ધરાવતા મંત્રીઓના વિભાગોમાં ફેરફાર કરવામાં આવી શકે છે. આ સંદર્ભમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ, માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને ઉર્જા મંત્રી મનોહર લાલ ખટ્ટર જેવા નામોની ચર્ચા થઈ રહી છે.
પંજાબ પર ખાસ ધ્યાન આપવામાં આવી શકે છે
જ્યારે મંત્રીમંડળ વિસ્તરણમાં પંજાબ પર ખાસ ધ્યાન આપવામાં આવી શકે છે. પંજાબના અન્ય એક શીખ વ્યક્તિ અથવા અગ્રણી નેતા વર્તમાન પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીનું સ્થાન લઈ શકે છે. આ રેસમાં રાઘવ ચઢ્ઢાનું નામ દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે. આ ઉપરાંત પીએમ મોદીના વર્તમાન મુખ્ય સચિવ શક્તિકાંત દાસને મંત્રી તરીકે સીધા મંત્રી તરીકે સામેલ કરવા અંગે તીવ્ર અટકળો ચાલી રહી છે. તેમને દેશના નવા નાણાં મંત્રી બનાવવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રમાંથી શ્રીકાંત શિંદેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે
આ ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. શિવસેના (UBT)માંથી છ સાંસદોને તોડીને એનડીએમાં લાવવામાં શ્રીકાંત શિંદેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જ્યારે ટીએમસી છોડનારા નેતા સુખેન્દુ શેખર રોયને પણનો સમાવેશ થઇ શકે છે.