Sun Jun 28 2026

Logo

મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે જિલ્લા કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત

2026-06-28 20:25:56
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: છેલ્લા કેટલાક દિવસોથી મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેતીની જમીનમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરીના વિરોધમાં ખેડૂતો કેટલાયે દિવસોથી આંદોલન કરી રહ્યા છે. જો કે સિદસર ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી કર્યા બાદ આ આંદોલન  બે થી ત્રણ દિવસમાં ઉકેલાય તેવા સંકેતો મળ્યા હતાં. જો કે આ મુદ્દે સરકાર ખેડૂતો સાથે વાત કરવા માટે તૈયાર હોઇ જિલ્લા કલેકટરે ખેડૂતોને ચર્ચા માટેનું આમંત્રણ આપ્યું હતું 

મળતી વિગતો અનુસાર, જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લા ખેડૂત સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય પ્રધાનને તેમની માંગો અંગે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે ખેડૂત આગેવાનો અને રાજ્ય સરકાર વચ્ચે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. જો કે ઉકેલ માટે ખેડૂતોને રૂબરૂ સંવાદ માટે આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. તેમણે આગળ જણાવ્યું હતું કે સરકારે ખેડૂતોના મુદ્દાઓ પર ખુલા મને નિર્ણય લેવાની તૈયારી દાખવી છે અને આગામી દિવસોમાં ખેડૂતો અને સરકારની અનુકૂળતા મુજબ મોરબી અથવા ગાંધીનગર ખાતે આ અંગે રૂબરૂ બેઠક યોજાશે.

જો કે ખેડૂતોએ સરકારના આ આમંત્રણનો અસ્વીકાર કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લા કલેકટર દ્વારા ખેડૂતો સાથે આ અંગે ચર્ચા કરવા માટે મોકલવામાં આવેલા આમંત્રણનો અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે આમંત્રણ પત્રમાં તેમની મુખ્ય 6 માંગણીઓ સ્વીકારવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી કરાયો. જ્યાં સુધી અમારી માંગણીનો લેખિતમાં સ્વીકાર નહિ કરવામાં આવે ત્યાં સુધી અમે કોઈ ચર્ચા માટે તૈયાર નથી તેમ જણાવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે સિદસર ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી અને બાદમાં તેમણે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન સાથે ટ્રસ્ટીઓની એક  બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ખેડૂતોને યોગ્ય વળતર આપવા, ખેતીની જમીનને થતું નુકસાન અટકાવવા અને સૂચિત વીજપોલનું સ્થળાંતર કરવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી મળેલા હકારાત્મક વલણને જોતા આગામી બે-ત્રણ દિવસમાં આ આંદોલનનો સુખદ ઉકેલ આવી જશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.

મોરબીના જેતપર ગામના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને ગત 18 જૂનથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છે અને આંદોલનને દસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો છે. ખેડૂતોની માંગ છે કે તેમની જમીનમાં ખાનગી કંપની દ્વારા નંખાનારા વીજપોલ સામે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, પાક અને ખેતીકામને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આ વીજપોલ ખેતરની વચ્ચે નાખવાને બદલે ખેતરના શેઢા પર નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.