Sun Jun 28 2026

Logo

સેશલ્સ કેવી રીતે બન્યો આફ્રિકાનો સૌથી અમીર દેશ? જાણો તેનું જોરદાર રેવન્યૂ મોડલ

Victoria   2026-06-28 17:27:57
Author: Mumbai Samachar Team
Article Image

વિક્ટોરિયાઃ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વિદેશ યાત્રામાં આ વખતે સેશેલ્સ પહોંચ્યા છે. ત્રિ દિવસીય આ વિદેશ યાત્રામાં અનેક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા વૈશ્વિક સ્તરે થશે. સેશલ્સમાં 50માં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં તેઓ મુખ્ય મહેમાન બન્યા છે. 29 જુનના રોજ યોજાનારા એક ખાસ કાર્યક્રમમાં પણ તેઓ હાજરી આપશે.

વડા પ્રધાન મોદીની આ વિદેશ યાત્રાથી ભારત અને સેશલ્સના સંબંધ વધારે મજૂબત થશે અને ભારત-સેશલ્સના સંબંધોનો એક નવો અધ્યાય શરૂ થશે. સેશલ્સને આફ્રિકાનો સૌથી ધનવાન દેશ માનવામાં આવે છે, જ્યારે વડા પ્રધાન મોદી સેશલ્સની ધરતી પર ઊતર્યા એ સમયે રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીએ એમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. 

કુદરતી સૌદર્ય મંત્રમુગ્ધ કરનારું

જ્યારે પણ આફ્રિકાના કોઈ દેશની વાત થાય છે ત્યારે એના પ્રાકૃતિક સૌદર્યની વાત પહેલા કરવામાં આવે છે. હકીકતમાં સેશલ્સ નાનકડો અને ટાપુનો દેશ છે, જે હિન્દ મહાસાગરમાં આવેલો છે. આફ્રિકાના સૌથી પૈસાદાર દેશની જ્યારે વાત કરવામાં આવે ત્યારે સેશલ્સનું નામ પહેલાક્રમે આવે છે. સેશલ્સની આવી સમૃદ્ધિ પાછળ અનેક એવા કારણો જવાબદાર છે, જેમાં પર્યટન એક મુખ્ય સ્તંભ સમાન છે. દર છ મહિને આ દેશના જુદા જુદા શહેરમાં પ્રવાસીઓ આવે છે. બીચ, ટાપુ, પ્રાકૃતિક સૌદર્ય, ખાન-પાન અને સંસ્કૃતિની ઝલક મેળવીને પ્રવાસીઓ આનંદિત થઈ જાય છે. 

આ પાછળ એક રેવન્યૂ મોડલ કામ કરે છે જે સેશલ્સને વધારે આર્થિક રીતે મજબૂત બનાવી દે છે. આ સિવાય સમુદ્રી રિસર્ચ, રોકાણ (હોટેલ-રેસ્ટોરાંમાં સૌથી વધુ), પોલિસી અને બેસ્ટ વહીવટી તંત્રનું યોગદાન પણ મહત્ત્વનું છે. પર્યાવરણ સંરક્ષણ સાથે માનવ-વિકાસને પ્રાથમિકતા મળતા એક મોટી સ્થિરતા અહીંયા જોવા મળે છે. 

રેવન્યૂ મોડલ સમજવા જેવું

નાનકડી વસ્તીમાં દરેક વ્યક્તિની આવક વધે એ પ્રકારાના પ્રયાસ થઈ રહ્યા છે. આ માટે કેટલાક મોડલ અને પાસાઓ પર સેશલ્સ દેશ કામ કરી રહ્યો છે. સેશલ્સ દેશને સૌથી વધારે કમાણી પર્યટનમાંથી થાય છે. અહીંના સમુદ્ર, બીચ, નેચરલ રિસોર્સ, હોટેલ-રિસોર્ટ, રેસ્ટોરાં, સમુદ્રી રિસર્ચ પ્રવાસીઓને આકર્ષે છે. ખાસ કરીને અહીં તૈયાર કરવામાં આવેલા લક્ઝરી રીસોર્ટને કારણે વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી જાય છે. 

વિદેશી પ્રવાસીઓ આ માટે મસમોટી કિંમત ચૂકવે છે. હોટેલ, યાત્રા, ફૂડ અને કેટલાક પોલિસી પિલ્લર્સ સરકારને રેવન્યૂ આપી જાય છે. કેટલાક ખાનગી રોકાણકારોએ પણ અહીંયા પોતાના પૈસા રોક્યા છે. ટુરિઝમને કારણે અહીંયા હોસ્પિટાલિટી બિઝનેસ વિકસ્યો છે. નોકરીઓનું સર્જન થયું છે. લોકલ સર્વિસ અને આસપાસના દેશમાંથી લોકો અહીંયા કામ માટે આવીને વસ્યા છે. આ કારણે અહીંયાના સ્થાનિકોને મોટો ફાયદો થયો છે. 

સ્થાનિકો કરતા ટુરિસ્ટ વધુ

એટલું જ નહીં સર્વિસ સાથે જોડાયેલા બીજા કેટલાક કલાકારોને પણ ફાયદો થયો છે. સેશલ્સમાં દર વર્ષે 3.5થી 4 લાખ વિદેશી ટુરિસ્ટ ફરવા માટે આવે છે. આનો સીધો અર્થ એ થયો કે દેશની કુલ વસતી કરતા પ્રવાસીઓ વધારે આવે છે. એક જાણકારી ખાતર, સેશલ્સ દેશની વસ્તી આશરે 1.35 લાખ છે. 115 ટાપુઓનો સમુહ છે, જમીન ઓછી અને સમુદ્રી વિસ્તાર વધારે છે.

મોરેશિયસ અને અલ્જીરિયા કરતા પણ આ દેશ આગળ છે. સૌથી વધારે યુરોપમાંથી પ્રવાસીઓ અહીંયા ફરવા માટે આવે છે. એ પછી એશિયાના રાષ્ટ્રનો ક્રમ આવે છે. ભારતીયોની વાત કરવામાં આવે તો ઘણી સામાન્ય કહી શકાય એટલી સંખ્યા અહીંયા ફરવા આવતા ભારતીયોની છે. ડીપ સી રીસર્ચ માટે સેશલ્સ સૌથી બેસ્ટ માનવામાં આવે છે. આ માટે કેટલીક પોલિસીનું અહીંયા પાલન કરવાનું રહે છે. આ માટે જરૂરી એવા ડ્રેસકોડ અને સીશુટ આઉટફિટ માટે પૈસા ચૂકવવા પડે છે. 

આવકનો મુખ્ય સ્ત્રોત 

માછીમારી અને સમુદ્રી જીવન જોવા માટે પ્રવાસીઓ આવે છે. આ સેશલ્સની પ્રાઈમ રેવન્યૂનો મુખ્ય સ્ત્રોત છે. વિશાળ સમુદ્ર હોવાને કારણે મોટી સંખ્યામાં માછીમારી થાય છે. એકથી એક ચડિયાતી માછલીઓ મળી રહે છે. મત્સ્યપાલન અને નિકાસ માટે એક અલગ કેન્દ્ર કામ કરે છે. આ નિકાસથી વિદેશી મુદ્રા સેશલ્સને મળે છે. સમુદ્રી પર્યટનની વાત કરવામાં આવે તો ડાઈવિંગ માટેની આ બેસ્ટ સાઈટ છે આ માટેનું ભાડું અને કેટલાક ચાર્જિક ચૂકવવાના હોય છે. 

નિષ્ણાંતોના સતત મોનિટરિંગમાં ડાઈવિંગ કરાવવામાં આવે છે.સમુદ્રી સંરક્ષણ અને રિસોર્સને મજબૂત કરી સેશલ્સ સરકારે રેવન્યૂ મોડલ તૈયાર કર્યું છે. આ રીતે દર વર્ષે સેશલ્સને 30થી 50 કરોડ અમેરિકી ડૉલરની કમાણી થાય છે. વાત જ્યાં ડૉમેસ્ટિક નિકાસની કરવામાં આવે તો માછલી પહેલા ક્રમે આવે છે.90 ટકા માછલીના નિકાસથી ટાપુઓ પર રેવન્યૂ આવે છે. સેશલ્સ સરકારે વિદેશીઓને આકર્ષવા અને રોકાણ ઊભું કરવા માટે કેટલાક પોલિસી પિલ્લર્સ બનાવ્યા છે. 

દરેક ટાપુને થાય છે ફાયદો

રોકાણકારો માટે સરળ નિયમ અને પ્રોત્સાહક પોલિસીથી સેશલ્સના દરેક ટાપૂને ફાયદો થાય છે. ખાસ કરીને બેંકિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસ ઊભી કરાતા મોટી સરળતા થઈ છે. અનેક એવી જાણીતી વિદેશની કંપનીઓએ અહીં બ્રાંચ શરૂ કરી દીધી છે. આ કારણે અહીંના સ્થાનિક વેપારીઓ, રોકાણકારો અને વ્યવસાયિકોને મોટી રાહત થઈ છે.

સર્વિસ સેક્ટર માટે અહીંયા પૂરતું ધ્યાન આપવામાં આવે છે. ખાસ કરીને ટુરિઝમ સંબંધિત સર્વિસને પ્રાયોરિટી આપવામાં આવે છે. યુએઈ, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા, ચીન અને ભારત જેવા દેશનું અહીંયા સારૂ એવું રોકાણ છે. રિયલ એસ્ટેટ, ટુરિઝમ, એનર્જી, મત્સ્ય ઉદ્યોગ વગેરેમાં આ રોકાણ ખૂબ જુના છે. સૌથી મોટી અને ખાસ વાત એ છે સેશલ્સ કેટલીક સર્વિસ પર ટેક્સ ઓછો રાખ્યો છે. જે રોકાણકારોને સીધી રીતે આકર્ષિત કરે છે. આ કારણે અહીંયા પ્રાઈવેટ બેકિંગ અને રોકાણ સંબંધિત સર્વિસ મજબૂત થઈ ગઈ છે. 

ભારત માટે અતિ મહત્ત્વનો

સરકારે સાર્વજનિક ખર્ચાઓમાં એક મોટી સમજદારી દાખવી છે. ઈન્કમ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ અને વેલ્યુ એડેડ ટેક્સ અહીં લાગુ છે. આ વ્યવસ્થા દેશી-વિદેશી દરેક રોકાણકારો માટે એકસમાન છે. કદમાં નાનો અને સિમિત સ્ત્રોત હોવાને કારણે અહીંયા પડાકરો પણ મોટા છે. સમુદ્રી વિસ્તારો હોવાને કારણે ક્લાઈમેટ ચેન્જનું જોખમ તોળાય રહ્યું છે. હવામાન અચાનક બદલતા તોફાન પણ આવી શકે છે. આર્થિક નિર્ભરતા પ્રવાસન પર છે. પણ મોંઘવારી તથા આવકની અસમાનતા અહીંયાની મુખ્ય સમસ્યા છે. તેમ છતા સેશલ્સ સરકારની કેટલીક યોજનાથી સુધારો આવી રહ્યો છે. 

સેશલ્સ ભલે નાનકડો દેશ રહ્યો પણ ભારત માટે ખૂબ જ મહત્ત્વનો દેશ છે. વર્ષ 1770માં પહેલીવાર અહીંયા કૉલોનિયલ પ્લાનિંગ શરૂ થયું અને સ્થાનિકોને કાયમી રહેણાંક મળ્યા. પહેલી ખેપમાં અહીંયા 27 નાગરિકો જ પહોંચ્યા હતા, જે મોટા ભાગે આફ્રિકાના આસપાસના દેશના જ હતા. એમાંથી પાંચ ભારતીય હતા. એ પછી તમિલનાડુ, બિહાર, ગુજરાત અને અન્ય રાજ્યમાંથી પણ લોકો સેશલ્સ આવ્યા. 

ફ્રાન્સ અને બ્રિટનનું રાજ હતુ

આજે સેશલ્સનો દર આઠમો વ્યક્તિ ભારતીય છે. 29 જૂનના સેશલ્સને બ્રિટનથી આઝાદી મળી હતી. આ દિવસને એટલા માટે જ એક નેશનલ ડે તરીકે મનાવવામાં આવે છે. એ પછી તે એક સ્વતંત્ર દેશ તરીકે દુનિયાના નક્શા પર આકાર પામ્યો હતો. આ નાનકડા દેશ પર પહેલા ફ્રાંસ અને પછી બ્રિટને રાજ કર્યું હતું. સેશલ્સે સૌથી વધારે ભાર પ્રકૃતિના સંરક્ષણ પર મૂક્યો છે. બાયોડાઇવર્સિટી સંરક્ષણને પ્રવાસન સાથે જોડીને એક સરસ અભિગમ અમલમાં મૂક્યો છે. સમુદ્રી રિઝર્વ બનાવીને એક ઉત્તમ કામ કર્યું છે. આ પોલિસી લાંબા ગાળાનો ફાયદો કરાવે છે અને નાણાકીય રીતે મજબૂતાઈ પણ આપે છે