(અમારા પ્રતિનિધિ તરફથી)
ભાવનગરઃ શહેર લોકલ ક્રાઇમ બ્રાન્ચેએ શહેરના ઘોઘા રોડ વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાંથી વિદેશી દારૂની કુલ ૪૩૨ બોટલો તથા હેરફેર માટે ઉપયોગમાં લેવાતી ઇકો કાર સહિત કુલ રૂ. ૨,૪૧,૬૮૦/- નો મુદ્દામાલ ઝડપી લીધો છે. પોલીસ રેઇડ દરમિયાન આરોપી બુટલેગર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
ભાવનગર એલ.સી.બી.ના પી.આઈ. મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની આગેવાનીમાં પોલીસ સ્ટાફ આજે પેટ્રોલીંગમાં હતો. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ઘોઘા રોડ પર રાજારામના અવેડાવાળા ખાંચામાં રહેતો અર્જુન રણજીતભાઇ મકવાણા પોતાના રહેણાંક મકાનની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવીને રાખે છે અને ગ્રે કલરની કાર મારફતે તેની હેરફેર કરે છે.
બાતમીવાળા સ્થળે એલ.સી.બી. ની ટીમે તાત્કાલિક દરોડો પાડતાં ત્યાંથી પંજાબ અને રાજસ્થાન રાજ્યમાં જ વેચાણ માટે મંજૂરી ધરાવતી સીલપેક કાચ તથા પ્લાસ્ટિકની નાની-મોટી ૪૩૨ બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી રૂ.૩૨,૯૨૮ની કિંમતની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની ૪૮ બોટલ, રૂ.૪૭,૨૩૨ની કિંમતની રોયલ સ્ટેગ વ્હીસ્કીની ૨૮૮ બોટલ, રૂ.૧૧,૫૨૦ની કિંમતની ગ્રીન લેબલ વ્હીસ્કીની ૯૬ બોટલ (કુલ દારૂની કિંમત રૂ.૯૧,૬૮૦/-) તેમજ રૂ.૧,૫૦,૦૦૦ની કિંમતની ઇકો કાર મળીને કુલ રૂ.૨,૪૧,૬૮૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી અર્જુન મકવાણા પોલીસના હાથમાં આવ્યો ન હોવાથી તેને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે. આ અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.