Thu Sep 03 2026

Logo

જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સુરક્ષા દળની બસને અકસ્માત, આઠ જવાન ઘાયલ

2026-06-28 20:32:00
Author: Chandrakant Kanoja
જમ્મુ કાશ્મીરના રિયાસીમાં સુરક્ષા દળની બસને અકસ્માત, આઠ જવાન ઘાયલ

તારાકોટ : જમ્મુ અને કાશ્મીરના રિયાસી જિલ્લામાં તારાકોટ નજીક સુરક્ષાદળની બસને અકસ્માત નડ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ સુરક્ષા જવાનો સાથે જઇ રહેલી બસ અચાનક રસ્તા પર સ્લીપ થઇ હતી. જેમાં સીઆઇએસએફના આઠ જવાનો એક નાગરિક ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

ત્રણ ઘાયલ  જવાનોને જમ્મુની નારાયણ હોસ્પિટલમાં ખસેડાયા 

આ અંગે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે ત્રણ ગંભીર રીતે  ઘાયલ સીઆઇએસએફ  જવાનોને જમ્મુની નારાયણ હોસ્પિટલમાં અદ્યતન સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે બાકીના ઘાયલ અને  ડ્રાઇવર નજીકની હોસ્પિટલમાં  સારવાર હેઠળ છે.

ગ્રેનેડ વિસ્ફોટમાં એક JCO સહિત ચાર સૈનિકો ઘાયલ થયા હતા

આ પૂર્વે  રાજૌરીમાં ગ્રેનેડ વિસ્ફોટમાં એક JCO સહિત ચાર સૈનિકો ઘાયલ થયા હતા. 16  જૂને આ ઘટના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં બની હતી. જેમાં નિયંત્રણ રેખા પર તૈનાત કુમાઉ રેજિમેન્ટની ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ગ્રેનેડ વિસ્ફોટ થયો હતો. 

ગ્રેનેડ વિસ્ફોટમાં બે સૈનિકો શહીદ થયા હતા

તેમજ આ પૂર્વે  બારામુલા જિલ્લાના ઉરી સેક્ટરમાં એક ઘટના બની હતી. જ્યાં ગ્રેનેડ વિસ્ફોટમાં બે સૈનિકો શહીદ થયા હતા. આ ઘટના શસ્ત્રોના નિયમિત ટ્રાન્સફર દરમિયાન બની હતી. જેમાં બે સૈનિકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરવામાં આવ્યા હતા.