Fri Sep 04 2026

Logo

શિંદે ‘રામ’ અને ફડણવીસ ‘લક્ષ્મણ’: શિવસેના સાંસદ જ્યોતિ વાઘમારેનું મોટું નિવેદન

2026-06-28 21:18:25
Author: Mumbai Samachar Team
શિંદે ‘રામ’ અને ફડણવીસ ‘લક્ષ્મણ’: શિવસેના સાંસદ જ્યોતિ વાઘમારેનું મોટું નિવેદન

મુંબઈઃ મુંબઈમાં શિવસેનાના રાજ્યસભા સાંસદ જ્યોતિ વાઘમારેના એક નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વિવાદ છેડાયો છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ જ્યોતિ વાઘમારેએ એકનાથ શિંદેની તુલના ભગવાન શ્રીરામ સાથે કરી છે અને સાથે.મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સરખામણી લક્ષ્મણ સાથે કરીને સંકેત આપ્યો છે કે શિવસેના રાજ્યમાં 'મોટો ભાઈ' છે.

છ સાંસદોના શિવસેનામાં પ્રવેશ બાદ, રાજ્યમાં કયો પક્ષ સૌથી મોટો? તે અંગે ચર્ચા શરૂ થઈ છે.સાંસદ જ્યોતિ વાઘમારેના નિવેદનથી ફરી એકવાર શિવસેના અને ભાજપ વચ્ચે કોણ મોટું, તેનો વિવાદ વકરે તેવા એંધાણ છે. ભાજપ આ ટિપ્પણીનો કેવો પ્રતિભાવ આપશે તે જોવાનું બાકી છે.

દરમિયાન, જ્યોતિ વાઘમારેએ ઉદ્ધવ ઠાકરેને રાવણ અને સંજય રાઉતને કૈકેયી સાથે સરખાવ્યા છે. ધારાશિવ જિલ્લામાં સ્થિત ઉમરગામાં એક કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતી વખતે તેમણે આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

ઉદ્ધવ ઠાકરેનો પ્રવાસ ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળું મારવા જેવી વાત છે. શિવસેનાના સાંસદ જ્યોતિ વાઘમારેએ આ પ્રવાસની ટીકા કરતા કહ્યું છે કે તેનો કોઈ હેતુ નથી; જો આ યોગ્ય સમયે કરવામાં આવ્યું હોત, તો તે અસરકારક હોત.

હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે હિન્દુત્વના 'કલ્પવૃક્ષ' હતા, જ્યારે તેમના બાળકો ફક્ત તેના પરના પરોપજીવી છે. સંજય રાઉતની વાત કરીએ તો તેઓ એક એવા અળસિયા જેવા છે, જે જમીનને ફળદ્રુપ બનાવવાને બદલે ઠાકરે જૂથને ઉજ્જડ બનાવી રહ્યા છે, એવો હુમલો પત્રકારો સાથે વાત કરતી વખતે સાંસદ જ્યોતિ વાઘમારેએ કર્યો હતો.