Fri Sep 04 2026

Logo

ગુજરાતમાં ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાંથી કોમર્સ-ટેકનિકલ સહિત 9 વિષયો નાબૂદ કરાશે

2026-06-28 20:19:57
Author: Devayat Khatana
ગુજરાતમાં ધોરણ 9 અને 10ના અભ્યાસક્રમમાંથી કોમર્સ-ટેકનિકલ સહિત 9 વિષયો નાબૂદ કરાશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુસરીને ધોરણ 9 અને 10 ના અભ્યાસક્રમમાંથી 9 વિષયો નાબૂદ કરવાની  જાહેરાત કરવામાં આવી છે. આ અંગે એક સત્તાવાર આદેશ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ પરથી પરંપરાગત વિષયોનો બોજ ઓછો કરવાનો છે. સરકારના આ આદેશ અનુસાર આ ફેરફારો બે તબક્કામાં લાગુ કરવામાં આવશે.

શૈક્ષણિક વર્ષ 2027-28 થી ધોરણ 9માંથી અને શૈક્ષણિક વર્ષ 2028-29થી ધોરણ 10માંથી આ વિષયો પાછા ખેંચવામાં આવશે. આ સમયગાળા બાદ નાબૂદ કરાયેલા 9 વિષયો એસએસસી બોર્ડની પરીક્ષાનો ભાગ રહેશે નહીં. બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ નિર્ણયની જાણ તેમની હેઠળની તમામ સરકારી, ગ્રાન્ટ-ઈન-એઇડ અને ખાનગી માધ્યમિક શાળાઓને કરવા અને સુધારેલા અભ્યાસક્રમનું ચુસ્તપણે પાલન સુનિશ્ચિત કરવા સૂચના આપી દેવામાં આવી છે.

સરકાર દ્વારા જે 9 વિષયોને હટાવવાનો નિર્ણય લેવાયો છે તેમાં કોમર્સ પ્રવાહના ૩ વિષયો- એલિમેન્ટ્સ ઓફ કોમર્સ, કોમર્શિયલ કરસ્પોન્ડન્સ એન્ડ સેક્રેટરિયલ પ્રેક્ટિસ અને ઇન્ટ્રોડક્શન ટુ કોમર્સનો સમાવેશ થાય છે. જ્યારે ટેકનિકલ શિક્ષણ અંતર્ગત એલિમેન્ટ્સ ઓફ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર-એઇડેડ એન્જિનિયરિંગ ડ્રોઇંગ અને બેઝિક્સ ઓફ એન્જિનિયરિંગ પ્રોસેસ, મેઇન્ટેનન્સ એન્ડ સેફ્ટી નાબૂદ કરાશે.

બાકીના ત્રણ વિષયોમાં હોમ સાયન્સ, ડેરી વિજ્ઞાન અને પશુપાલન તેમજ અને સીવણ અને ભરતકામ  સામેલ છે. 'સીવણ અને ભરતકામ' વિષય રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાંથી કાયમી ધોરણે હટાવી દેવાશે, જ્યારે 'હોમ સાયન્સ' અને 'ડેરી વિજ્ઞાન અને પશુપાલન' વિષયો ગ્રામીણ અને કૌશલ્ય આધારિત શિક્ષણ આપતી બુનિયાદી શાળાઓમાં ચાલુ રહેશે.