(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસ પર હોઈ તેમના હસ્તે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર માટે પ્રાયોગિક ધોરણે એક વિશેષ સંકલિત ડિજિટલ પ્લેટફોર્મ 'પીએમ - ફેમિલી કેર ટ્રેકર' પાયલોટ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ કોમન આઈડેન્ટિટી સિસ્ટમથી શાસનની કામગીરી વધુ સુદ્રઢ બનશે અને કોઈ પણ પાત્રતા ધરાવતા લાભાર્થી લાભથી વંચિત નહીં રહે.
આ પ્રસંગે અમિત શાહના હસ્તે પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકર’ યોજનાના પ્રથમ ત્રણ લાભાર્થીઓને સત્તાવાર ડિજિટલ પત્રક એનાયત કરીને પ્રોજેક્ટની સફળ શરૂઆત કરાવવામાં આવી હતી. તેમણે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાનના હસ્તે બાળકો, ધાત્રી માતાઓ અને સગર્ભા મહિલાઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું તેમજ 'હેલ્થ પાસપોર્ટ' પણ જારી કરવામાં આવ્યા હતા. તે ઉપરાંત પીએમ ઇ-બસ સેવાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
અમિત શાહે આ જટિલ સિસ્ટમ અને સોફ્ટવેર તૈયાર કરવા બદલ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને સમગ્ર વહીવટી તંત્રની પ્રશંસા કરી અભિનંદન પાઠવ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, આ ટ્રેકરના માધ્યમથી જન્મ-મૃત્યુ, સ્વાસ્થ્ય, પોષણ, શિક્ષણ અને સમાજ કલ્યાણ જેવા તમામ વિભાગોના ડેટાબેઝને એક કોમ્પ્યુટર પ્રણાલીમાં સાંકળી લેવાયા છે.
કોઈ બાળક રસીકરણથી વંચિત રહી જશે કે કોઈ બાળકી શાળાએ જવાનું બંધ કરશે, તો તુરંત જ સિસ્ટમમાં એલર્ટ થશે. સ્થાનિક અધિકારીઓથી લઈને ધારાસભ્ય અને સાંસદ સુધી નામ ફ્લેશ થતાં જ સ્વયંસેવકો અને તંત્ર બાળકના ઘરે પહોંચી તેની સુવિધા સુનિશ્ચિત કરશે. આ ઉપરાંત માતાના ગર્ભથી લઈને 16 વર્ષના બાળક સુધીના સ્વાસ્થ્ય અને પોષણનું આઈટી માધ્યમથી સચોટ ટ્રેકિંગ થશે તેમ અમિત શાહે જણાવ્યું હતું.