અયોધ્યાઃ રામ મંદિરમાં દાનચોરીના કેસમાં દરરોજ નવા નવા વળાંક આવી રહ્યા છે. કેસની જવાબદારી ઉત્તર પ્રદેશ પોલીસને સોંપાયા બાદ અનેક મોરચા પર તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ખાસ કરીને જે આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમના ઘરે પણ દરોડા પાડીને તપાસ કરવામાં આવી રહી છે. તપાસના ધમધમાટ વચ્ચે તપાસ એજન્સી SITને હજુ પણ કેટલાક પદાધિકારીઓ પર આશંકા છે.
એ પણ અમુક કડીઓ શોધી રહી છે. પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે, આખરે કેટલી રકમની ચોરી થઈ છે. બીજી તરફ ટીનું યાદવની હોસ્ટેલમાંથી મળી આવેલી કેશને લઈને હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. શનિવારે મોડી રાત્રે તપાસ વધુ આગળ વધી હતી.
પોલીસે દરોડા પાડ્યા

ધરપકડ કરાયેલા આઠેય આરોપીઓને ત્યાં પોલીસે દરોડા પાડ્યા છે, એક ટીમ તૈયાર કરીને આ દરોડા પાડવામાં આવ્યા હતા. ટીનુ યાદવના ઘરેથી કેટલાક આભુષણ અને દાગીના મળી આવ્યા હતા. આ સિવાય કેટલાક દસ્તાવેજ પણ મળી આવ્યા છે, જોકે આ ચોરીને સંબંધીત છે કે નહીં અને દસ્તાવેજ ક્યા વિષય પરના છે એ અંગે પોલીસ કોઈ ફોડ પાડ્યો નથી.
સૂત્રોમાંથી વિગત મળી છે કે, આ દસ્તાવેજ પ્રોપર્ટી સંબંધીત છે. આ દસ્તાવેજનું દાનચોરી કેસ સાથે કોઈ ક્નેક્શન હોઈ શકે છે. પોલીસે આને અલગથી સુરક્ષિત કરાવ્યા છે.જે સમયે દરોડા પાડવામાં આવ્યા એ સમયે આરોપીના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. દરોડામાંથી મળી આવેલી વસ્તુઓ તથા કેશની યાદી તૈયાર કરવામાં આવશે. સરેરાશ લગાવીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ પછી પોલીસના ઉચ્ચ અધિકારીઓ એ નક્કી કરશે કે,કોર્ટમાંથી કેટલા દિવસના રીમાન્ડ માગવાના છે.
ટ્રસ્ટે ભાવિકોને ખાતરી આપી
રામ મંદિર ટ્રસ્ટને શ્રદ્ધાળુઓને ખાતરી અપાવતા કહ્યું હતું કે, નિષ્પક્ષ અને પારદર્શી તપાસ માટે ટ્રસ્ટ તૈયાર છે અને સહયોગ પણ આપશે. છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટના સામે આવી છે એ ઘટના જોઈને સૌ કોઈ સ્તબ્ધ છે. દરેક શ્રદ્ધાળુઓને ટ્રસ્ટ ખાતરી આપે છે કે, ભવિષ્યમાં આવી કોઈ ઘટના બીજીવાર ન બને એ માટે ટ્રસ્ટ જરૂરી પગલાં લઈ રહ્યું છે. પકડાયેલા આરોપીઓ અને પદાધિકારીઓ વચ્ચેના સંબંધ પણ શંકાના દાયરામાં છે.
દાનચોરીના વિવાદમાં 7 જુનના રોજ મામલો સામે આવ્યો, જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા તેજ નારાયણ પવન પાંડેએ દાવો કર્યો હતો કે, મંદિરમાં આવેલા દાનમાંથી 5 કરોડ રૂપિયાથી લઈને 7.5 કરોડ રૂપિયા સુધીની રકમ ગાયબ છે. આ પછી મંદિર ટ્રસ્ટની અપીલ બાદ ઉત્તર પ્રદેશ સરકારે 13 જુનના દિવસે એક વિશેષ તપાસ કમિટી SITની રચના કરીને તપાસના આદેશ આપ્યા હતા. 15થી 20 જુન સુધી તપાસ એજન્સીએ પ્રાથમિક તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હતો.કેટલીક અનિયમિતતા અને બેદરકારી સામે આવી જેનો સ્પષ્ટ ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.
ક્યા વિષય સંબંધિત દસ્તાવેજ મળ્યા?

મિલ્કીપુર ગ્રામ્ય વિસ્તારમાં આરોપી અનુકલ્પ મિશ્રા તથા લવકુશ મિશ્રાના ઘરે જ્યારે પોલીસ પહોંચી એ સમયે કેટલીક પૂછપરછ કરવામાં આવી હતી. રમાશંકર મિશ્રાના ઘરે એમના પરિવારજનોના પણ નિવેદન લેવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, એના ઘરેથી પોલીસને કેટલાક દસ્તાવેજ મળ્યા છે. આ દસ્તાવેજ ખૂબ જ મહત્ત્વના માનવામાં આવે છે. પોલીસે આ અંતે કહ્યું કે, હજુ તપાસ ચાલું છે પણ દસ્તાવેજ શેના છે અંગે સ્પષ્ટતા કરી નથી.
રામ મંદિર દાનચોરી કેસમાં આ પહેલા પણ SITને અમુક અધિકારીઓ પર અને કર્મચારીઓ પર આશંકા હતી. પહેલા SITની રચના કરવામાં આવી અને પછી સમગ્ર તપાસની જવાબદારી પોલીસને સોંપવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજની તપાસ કર્યા બાદ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પણ ચોંકાવનારી વાત એ છે કે, જે ચોરી થઈ અને જે દાનમાંથી ચોરી થઈ એ દિવસના તથા એ ઘટનાના સીસીટીવી ફૂટેજ ગાયબ છે.
હવે પોલીસના રડારમાં કોણ?
પોલીસનું એવું કહેવું છે કે, જે કેશ મળતી આવતી મંદિરમાં દાન રૂપે એને ગણવાનું આમ આ તમામ વ્યક્તિઓની જવાબદારીમાં આવતું હતું. હવે પોલીસના રડારમાં કેટલાક બેંક અધિકારીઓ છે જે મંદિરનું એકાઉન્ટ સંભાળી રહ્યા હતા. બીજી તરફ એજન્સી એ અંગે પણ તપાસ કરી રહી છે કે, દસ કરોડ રૂપિયા સિક્યોરિટીમાં નાખ્યા બાદ આખરે ક્યા પ્રકારની આ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
હવે આઠેય આરોપીએ કોઈ જમીન,મકાનમાં કે સોનામાં રોકાણ કર્યું છે કે, નહીં એ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. જે દસ્તાવેજ મળ્યા એ દાનચોરી સંબંધીત છે કે નહીં એ અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.સૂત્રોમાંથી વિગત એવી મળી છે કે, ટીનુ અને મનીષના પરિવારજનો તપાસમાં સહકાર આપતા નથી. આ પછી પોલીસે એમના પાડોશીઓના ગુપ્તરાહે નિવેદન લેવાના શરૂ કરી દીધા છે. ખાસ કરીને એમની આર્થિક પ્રવૃતિ અને ગતિવિધિઓ અંગે પૂછપરછ કરવામાં આવી છે.