(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: મહેસાણા રેલવે સ્ટેશન પર ફરજ બજાવતી એક મહિલા ટિકિટ ચેકર (ટીટીઇ) દ્વારા કાયદેસરની ટિકિટ ધરાવતા એક મુસાફર પરિવાર પાસે નાણાંની ઉઘરાણી કરી અભદ્ર વર્તન તેમજ મારપીટ કરવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ થયો હતો. વડોદરાના કલાલી વિસ્તારના રહીશ કાજલબેન રાયે આ મામલે મહેસાણા રેલવે પોલીસ મથકે મહિલા ટીટીઇ વિરૂદ્ધ કાયદાકીય પગલાં લેવા લેખિત અરજી કરી હતી. સ્ટેશનના ઓવરબ્રિજ પર બન્ને પક્ષો વચ્ચે થયેલી ઉગ્ર ઝપાઝપીનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
મળતી વિગતો અનુસાર, ફરિયાદી મહિલા તેમના પતિ અને બે બાળકો સાથે વડોદરાથી ટ્રેન મારફતે મહેસાણા પ્લેટફોર્મ નંબર 4 પર ઉતર્યા હતા. તેમની પાસે એસી, સ્લીપર અને બાળકની જનરલ ટિકિટ સહિતના તમામ ઓનલાઇન દસ્તાવેજો ઉપલબ્ધ હતા. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે ઓવરબ્રિજ પરથી બહાર નીકળતી વખતે મહિલા ટીટીઇએ તપાસના બહાને બાળકની ટિકિટ આંચકી લીધી હતી અને ખોટી રીતે પૈસાની માંગણી કરી હતી. પરિવારે વધારાના નાણાં આપવાનો ઇનકાર કરતાં ઉશ્કેરાયેલી મહિલા ટીટીઇએ પાંચ વર્ષના બાળકને જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધો હતો. આ અંગે મહિલાએ સવાલ પૂછતાં ટીટીઇએ તેમને બિભત્સ ગાળો આપી ગાલ પર લાફો મારી દીધો હતો અને ગળાના ભાગે નખ મારી ઈજાઓ પહોંચાડી હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો હતો.
આ હોબાળા દરમિયાન પત્ની અને બાળકોનો બચાવ કરવા આવેલા પતિને મહિલા ટીટીઇએ છેડતીના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ થયો હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ટીટીઇએ ફોન કરીને સ્ટેશન પર અન્ય ચાર-પાંચ અજાણ્યા માણસોને બોલાવી લીધા હતા, જેમણે આવીને મુસાફર પરિવાર સાથે વર્તન કરીને ડરનો માહોલ ઊભો કર્યો હતો. રેલવે સ્ટેશન પર મામલો વધુ બિચકતાં આખરે રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી ભોગ બનનાર પીડિત પરિવારને રેલવે પોલીસ સ્ટેશન લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ મામલે તંત્રનો કોઈ સીધો સંપર્ક સાધી શકાયો નહોતો.