Sun Jun 28 2026

Logo

ગૌતમ ગંભીરને હટાવાશે? શ્રેયસની સાથે કદાચ આ દિગ્ગજને કોચ બનાવાશે

2026-06-28 19:16:44
Author: Ajay Motiwala
Article Image

BCCI


નવી દિલ્હીઃ કોઈ ખેલાડીના નેતૃત્વમાં ટી-20નો વર્લ્ડ કપ જીત્યા હોય, પરંતુ એ જ કૅપ્ટનને ગણતરીના મહિના બાદ કૅપ્ટનપદેથી તો શું, ટી-20 ટીમમાંથી જ કાઢી નાખવામાં આવે એવું વારંવાર ન બને, પણ ભારતીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવ સાથે એવું બન્યું જેમાં તેના સ્થાને શ્રેયસ ઐયર (Shreyas Iyer)ને સુકાન સોંપવામાં આવ્યું છે અને એ સંબંધમાં ઇંગ્લૅન્ડના જાણીતા ક્રિકેટર માઇકલ વૉને પ્રતિક્રિયા આપી છે.

માઇકલ વૉને કહ્યું છે, `ભારતમાં ટૅલન્ટની કોઈ અછત નથી, પણ જ્યારે મને શ્રેયસને ટી-20 ટીમનો નવો કૅપ્ટન બનાવવામાં આવ્યો હોવાની જાણકારી મળી ત્યારે મને થયું કે હવે રિકી પૉન્ટિંગ (Ponting) ભારતીય ટીમનો કોચ બનશે.'

અજિંક્ય રહાણેની યુટ્યૂબ ચૅનલ પર માઇકલ વૉને કહ્યું, `મેં શ્રેયસ વિશે સાંભળ્યું ત્યારે મને થયું કે હવે રિકી પૉન્ટિંગને ટીમ ઇન્ડિયાનો કોચ બનાવવામાં આવશે, કારણકે આ બન્ને વચ્ચે બહુ સારો તાલમેલ છે. તેમની જોડી ગજબની છે. શ્રેયસ બહુ સારો કૅપ્ટન છે અને બૅટ્સમૅન તરીકે પણ તે ઘણો સારો છે. આ જ બતાવે છે કે ભારતીય ક્રિકેટ (ખાસ કરીને ટી-20માં) કેટલી બધી મજબૂત છે. કોઈ કૅપ્ટને ટી-20 વર્લ્ડ કપ જિતાડી આપ્યો હોય તેને થોડા જ મહિનાઓમાં પડતો મૂકવામાં આવે એવું બીજા દેશોમાં કદાચ જ બન્યું હશે.'

શ્રેયસ-પૉન્ટિંગની જોડી કમાલ કરી ચૂકી છે. 2020માં શ્રેયસ દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન હતો ત્યારે પૉન્ટિંગ એ ટીમનો કોચ હતો. એ સીઝનમાં દિલ્હીની ટીમ ફાઇનલમાં પહોંચી હતી. ત્યાર પછી 2025માં શ્રેયસ-પૉન્ટિંગ ફરી ભેગા થયા હતા. આ વખતે તેઓ પંજાબ કિંગ્સ સાથે જોડાયેલા હતા. શ્રેયસ કૅપ્ટન અને પૉન્ટિંગ કોચ. પંજાબ 2025માં ફાઇનલમાં પહોંચ્યું હતું અને 2026માં પ્લે-ઑફમાં પહોંચ્યું હતું.

આયરલૅન્ડમાં શુક્રવારે શ્રેયસના નેતૃત્વમાં વર્લ્ડ ચૅમ્પિયન ભારતે પરાજય સાથે શરૂઆત ખરાબ કરી, પણ ક્રિકેટની દુનિયામાં ચર્ચા છે કે ટૂંક સમયમાં કોચના સ્થાનેથી ગૌતમ ગંભીરને હટાવીને રિકી પૉન્ટિંગને એ જવાબદારી સોંપવામાં આવશે. ટેસ્ટ અને વન-ડેમાં શુભમન ગિલ કૅપ્ટન છે એ વાત અલગ છે, પણ શ્રેયસ સાથે હવે પૉન્ટિંગનું નામ જરૂર બોલાવા લાગ્યું છે.