(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: છેલ્લા કેટલાક દિવસોથી મોરબી જિલ્લાના જેટપરમાં ખાનગી વીજ કંપની દ્વારા વીજપોલ નાખવાની કામગીરીના વિરોધમાં ખેડૂતો કેટલાયે દિવસોથી આંદોલન કરી રહ્યા છે. આ મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ સરકારને ઘેરી રહી છે. ત્યારે હવે ખેડૂતોની મહેનત રંગ લાવી છે અને આ આંદોલન આગામી બે થી ત્રણ દિવસમાં ઉકેલાય તેવા સંકેતો મળી રહ્યા છે.
આ વિવાદના સુખદ અંત માટે તાજેતરમાં સિદસર ઉમિયાધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સાથે મુલાકાત કરીને ખેડૂતોની માંગણીઓ રજૂ કરી હતી. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં રાજ્ય સરકાર તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
મળતી વિગતો અનુસાર, સિદસર મંદિર ટ્રસ્ટના સભ્યએ જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાનના નિવાસસ્થાને મુખ્ય પ્રધાન અને ગૃહ રાજ્ય પ્રધાન સાથે ટ્રસ્ટીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન ખેડૂતોને યોગ્ય વળતર આપવા, ખેતીની જમીનને થતું નુકસાન અટકાવવા અને સૂચિત વીજપોલનું સ્થળાંતર કરવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. સરકાર તરફથી મળેલા હકારાત્મક વલણને જોતા આગામી બે-ત્રણ દિવસમાં આ આંદોલનનો સુખદ ઉકેલ આવી જશે તેવી આશા તેમણે વ્યક્ત કરી હતી.
ઉલ્લેખનીય છે કે મોરબીના જેતપર ગામના ખેડૂતો પોતાની પડતર માંગણીઓને લઈને ગત 18 જૂનથી અચોક્કસ મુદતના ઉપવાસ પર બેઠા છે અને આંદોલનને દસ દિવસ કરતાં પણ વધુ સમય થઈ ચૂક્યો છે. ખેડૂતોની માંગ છે કે તેમની જમીનમાં ખાનગી કંપની દ્વારા નંખાનારા વીજપોલ સામે યોગ્ય વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત, પાક અને ખેતીકામને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે આ વીજપોલ ખેતરની વચ્ચે નાખવાને બદલે ખેતરના શેઢા પર નાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ખેડૂતોના આ આંદોલનને સ્થાનિક વેપારીઓનો પણ ટેકો મળી રહ્યો છે. મોરબી સિરામિક ટ્રેડર્સ એસોસિએશન દ્વારા ખેડૂતોના સમર્થનમાં એક વિશાળ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 2 હજાર કરતાં વધુ સિરામિક વેપારીઓનું પ્રતિનિધિત્વ કરતા આ એસોસિએશને મહેન્દ્રનગર ચોકડીથી લઈને જેતપર ગામના આંદોલન સ્થળ સુધી કાર રેલી યોજી હતી.