Wed Jun 17 2026

Logo

પાકિસ્તાનની એરસ્ટ્રાઈકમાં 80 આતંકીઓ ઠેર: અફઘાનિસ્તાને આપી બદલો લેવાની ધમકી

Pakistan-Afghanistan   2026-02-23 12:24:00
Author: Tejas Rajpara
Article Image

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલો ગજગ્રાહ હવે લોહિયાળ સંઘર્ષમાં ફેરવાયો છે. પાકિસ્તાની વાયુસેનાએ અફઘાનિસ્તાનની સરહદમાં ઘૂસીને ભયાનક એરસ્ટ્રાઈક કરી હોવાના અહેવાલ છે. આ હુમલા બાદ બંને પાડોશી દેશો વચ્ચે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. પાકિસ્તાને આ કાર્યવાહીને આતંકવાદ સામેનો પ્રહાર ગણાવ્યો છે, જ્યારે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે તેને પોતાની સંપ્રભુતા પર હુમલો ગણાવીને જવાબી કાર્યવાહીની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર, ગુપ્ત માહિતીના આધારે કરવામાં આવેલી આ એરસ્ટ્રાઈકમાં આતંકી સંગઠન 'તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન' (TTP) ના સાત મુખ્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. નાંગરહાર, પક્તિકા અને ખોસ્ત પ્રાંતોમાં થયેલા આ હુમલામાં 80 થી વધુ લડાયક આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ ઓપરેશનમાં અનેક આતંકી અડ્ડાઓ જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે અને મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા સેવાઈ રહી છે.

બીજી તરફ, અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે આ હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. તાલિબાન સરકારે પાકિસ્તાનને ચેતવણી આપી છે કે આ હુમલાના પરિણામો ગંભીર આવશે અને તેઓ તેનો બદલો લેશે. અફઘાનિસ્તાનનો દાવો છે કે પાકિસ્તાની સેનાએ સામાન્ય નાગરિકો અને ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવ્યા છે. તાલિબાને સ્પષ્ટ કર્યું છે કે તેઓ પોતાની જમીન પર થતા કોઈ પણ બાહ્ય હુમલાને સહન કરશે નહીં અને તેનો કરારો જવાબ આપવામાં આવશે.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે વિવાદનું મુખ્ય કેન્દ્ર TTP સંગઠન છે. પાકિસ્તાનનો આરોપ છે કે 2021 માં અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તા પર આવ્યા બાદ પાકિસ્તાનમાં આતંકી હુમલાઓમાં 70% નો વધારો થયો છે અને TTP ના આતંકીઓને ત્યાં રક્ષણ મળી રહ્યું છે. જોકે, તાલિબાન સરકાર આ આરોપોને નકારતા કહે છે કે પાકિસ્તાનની સુરક્ષામાં રહેલી ખામીઓ તેમની આંતરિક સમસ્યા છે અને અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ અન્ય કોઈ દેશ વિરુદ્ધ થવા દેવામાં આવતો નથી.