Sun Jul 26 2026

Logo

રામનવમી પહેલા બિહારમાં સત્તા પલટાના સંકેત, બે પદને લઈ ભાજપ માટે 'ગોલ્ડન ચાન્સ'...

2026-03-07 17:26:26
Author: Viral Rathore
Article Image

પટણાઃ બિહારના મુખ્યમંત્રી પદે સતત દસમી વખત શપથ લેનારા નીતીશકુમારે રાજ્યસભા માટે ડગ ભર્યા છે. સમગ્ર બિહાર સહિત દેશમાં ચર્ચા એ વિષયની છે કે, બિહારના નવા મુખ્યમંત્રી કોણ? બિહારના મુખ્યમંત્રી પદેથી નીતીશકુમાર રાજીનામું આપશે. એ પછી બિહારને નવા મુખ્યમંત્રી મળશે. આવા રાજકીય માહોલ વચ્ચે જનતા દળ કે ભારતીય જનતા પાર્ટી કોઈ પ્રકારની ઉતાવળે નિર્ણય લેવાના મૂડમાં નથી. 

રામ નવમી પહેલા બિહારમાં નવા-જૂની
દિલ્હી અને બિહાર સરકારમાં રહેલા સુત્રોનું માનીએ તો 16 માર્ચ સુધી રાજ્યસભાની ચૂંટણીની પ્રક્રિયા ચાલશે. 9 એપ્રિલ બાદ રાજ્યસભાના નવા સભ્યો શપથ લેશે. એક મહિનાના સમયમાં કોઈ રાજકીય ઉથલપાથલને બિહારના દ્રષ્ટિકોણથી અપેક્ષિત માનવામાં આવે છે. આવનારા સમયગાળામાં જનતા દળ અને ભારતીય જનતા પાર્ટી બન્ને પક્ષ પોતાના ધારાસભ્યોની એક મોટી બેઠક યોજશે, જેમાંથી મુખ્યમંત્રી માટે ઉમેદવાર નક્કી થશે. નીતીશકુમાર આ બેઠકમાં કોઈ નિર્ણય લેશે એની અસર બિહારના રાજકારણ પર થશે. એવું પણ માનવામાં આવે છે કે, આ મહત્ત્વની બેઠક બાદ નીતીશકુમાર રાજીનામું આપશે. નવા નેતાના નેતૃત્વમાં ચાલનારી સરકાર અંગેની ચર્ચા કરતા નવા નેતા કોણ હશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. રામનવમી પહેલા બિહારના રાજકારણમાં મોટા ફેરફાર થશે. 

આવું પહેલી વખત બનશે
બિહારના રાજકારણ પર નજર કરીએ તો અત્યાર સુધી બિહારના રાજકીય પક્ષના મુખ્યમંત્રીએ રાજ્ય પર નેતૃત્વ કર્યું હતું. હવે પહેલીવાર એવું બનશે કે, ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ ચહેરો મુખ્યમંત્રી પદે બિરાજશે. જેડીયુમાંથી બે વ્યક્તિને ડે. સીએમ તરીકેની જવાબદારી મળી શકે. બિહારના રાજકીય સમીકરણને ધ્યાને લેતા ભારતીય જનતા પાર્ટીને હાલ મજબૂત માનવામાં આવે છે. નીતીશકુમારે 26 મંત્રીઓ સાથે શપથ લઈને સરકાર બનાવી હતી. હવે નવી સરકારમાં 32 મંત્રી સાથે ફૂલ ફ્લેજ સરકાર બની શકે છે, જેમાં 14 મંત્રી ભાજપના, 14 મંત્રી જેડીયુના, 2 LJPના હોઈ શકે. 

નવા ચહેરાને મોટું સ્થાન
બિહારમાં આગામી સમયમાં નવી સરકાર બનશે તો એમાં નવા ચહેરાને મોટું પદ મળી શકે છે. ભાજપ અને જેડીયુ બન્ને પક્ષમાંથી કોઈ નવા ચહેરાને મોટી જવાબદારી સોંપાઈ શકે, જોકે બન્ને પક્ષમાંથી કોઈ મોટાનેતાએ આ અંગે કોઈ જ પ્રકારનો ઈશારો પણ કર્યો નથી. દાવેદારીને લઈને માત્ર ચર્ચા છે પણ પાર્ટીના કોઈ જવાબદાર નેતા સ્પષ્ટતા કરવા કે દાવા સાથે વાત કરવા માટે તૈયાર નથી. સ્થાનિક નેતાના જણાવ્યા અનુસાર સ્પીકર પદ અને ગૃહ વિભાગ માટે જેડીયુ દાવેદારી કરી શકે. ભાજપ અને જેડયુ બન્ને પક્ષમાં મુખ્યમંત્રી તરીકેના ચહેરાની ચર્ચા અંદરોઅંદર તો થશે પણ ભાજપની મજબૂતી અને અસરને પણ ધ્યાને લેવાશે. 

મહત્ત્વના પદ પર ભાજપ
બિહારના રાજકીય સમીકરણ પર નજર કરતા ભાજપ કોઈ મોટા અને મહત્ત્વના પદ પોતાના વ્યક્તિઓ પાસે રાખે એવા એંધાણ છે. 2005 બાદ પહેલવાર ભાજપ પાસે ગૃહ વિભાગની જવાબદારી આવી હતી. બીજી તરફ સરકારને સ્થિર રાખવા અને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે સ્પીકરના પદ પર સ્થિરતા અનિવાર્ય છે. હવે ભાજપમાંથી જ સ્પીકર અને ગૃહ વિભાગના મંત્રી તરીકે કોઈ આવે તો ભાજપનું કદ સત્તાની દ્રષ્ટિએ પણ વધી જાય. જેડીયુના કોઈ ચહેરાને અન્ય મંત્રાલય મળે તો સહયોગ મુદ્દે ફરીવાર એક નવો મુદ્દો પણ ઊઠી શકે. હાલમાં સમ્રાટ ચૌધરીનું નામ મુખ્યમંત્રીની રેસમાં સૌથી આગળ છે. હવે આ પછી કોઈ નવો ચહેરો આવે તો એ સૌના માટે એક સરપ્રાઈઝ ફેક્ટર ગણાશે.