Tue Aug 18 2026

Logo

એનસીબીનું ઘાટકોપર-વડોદરામાં ઑપરેશન: આંતરરાજ્ય ડ્રગ સિન્ડિકેટના બે સભ્ય પકડાયા

2026-08-13 18:40:24
Author: Yogesh C. Patel
Article Image

ગુજરાત-મુંબઈથી કફ સિરપ અને ટ્રામાડોલ ટેબ્લેટ્સ તેમ જ ઘાટકોપરથી ચરસ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
નાર્કોટિક્સ ક્ધટ્રોલ બ્યૂરો (એનસીબી)એ ગુજરાતના વડોદરા અને ઘાટકોપર વિસ્તારમાં બે ઑપરેશન હાથ ધરી આંતરરાજ્ય ડ્રગ સિન્ડિકેટ સાથે સંકળાયેલી મહિલા સહિત બેની ધરપકડ કરી હતી. આ ઑપરેશન દરમિયાન કફ સિરપનો સ્ટૉક, ટ્રામાડોલ ટેબ્લેટ્સ અને ચરસ જપ્ત કરવામાં આવ્યું હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

એનસીબીના જણાવ્યા મુજબ ગયા શનિવારે ગુજરાતથી મુંબઈ આવેલી બસમાંથી એન. શેખની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી કોડીન આધારિત કફ સિરપની 1,080 બૉટલ્સ જપ્ત કરવામાં આવી હતી. ધરપકડથી બચવા આ સિરપ બૉટલનો સ્ટૉક પેસેન્જર બસમાં ગુજરાતથી મુંબઈ લવાઈ રહ્યો હતો. મુંબઈ પહોંચ્યા પછી કફ સિરપની બૉટલ્સ મુંબઈ, ભિવંડી અને આસપાસના વિસ્તારોમાં છૂટક વેચાણ માટે મોકલવાની યોજના આરોપીની હતી.

પકડાયેલા આરોપીની પૂછપરછમાં ગુજરાતનું કનેક્શન સામે આવ્યું હતું. વડોદરાના ડિસ્ટ્રિબ્યુટર દ્વારા કફ સિરપનો સ્ટૉક મુંબઈ મોકલવામાં આવ્યો હોવાનું જણાતાં અધિકારીઓની એક ટીમ વડોદરા રવાના થઈ હતી. એનસીબીની ટીમે વડોદરામાં વિતરક અને તેના ગોદામને શોધી કાઢ્યું હતું. ગોદામમાંથી વધુ 13,938 બૉટલ્સ અને 12,240 ટ્રામાડોલ ટેબ્લેટ્સ જપ્ત કરવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.



આરોપીઓએ આ બૉટલ્સની ગેરકાયદે હેરફેર માટે તેના બૅચ નંબર્સ સાથે ચેડાં કર્યાં હતાં. નાર્કોટિક્સ આધારિત દવાઓને અન્યત્ર વાળવા માટે ઉપયોગમાં લેવાતા નકલી ઈન્વોઈસ અને અન્ય વાંધાજનક દસ્તાવેજો પણ એનસીબીએ જપ્ત કર્યા હતા.
તપાસમાં જણાયું હતું કે એન. શેખ ભિવંડી વિસ્તારમાંથી ડ્રગ્સનું નેટવર્ક ચલાવતો હતો અને અગાઉ એનડીપીએસના કેસમાં તેની ધરપકડ કરાઈ હતી, જ્યારે વડોદરાનો વિતરક પોલીસે નોંધેલા એનડીપીએસ ઍક્ટ હેઠળના કેસમાં ફરાર હતો. ટ્રામાડોલ અને સિરપ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના વેચવામાં આવતી નથી.

બીજા ઑપરેશનમાં એનસીબીની ટીમે ઘાટકોપરના એક ઘરમાં રેઇડ કરી એક કિલોથી વધુ ચરસ જપ્ત કર્યું હતું. આ કેસમાં એ. જે. શેખ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. મહિલાએ ઘરના સામાનમાં ચાલાકીથી ચરસ સંતાડી રાખ્યું હતું. મુંબઈ અને આસપાસના પરિસરોમાં વેચાણ માટે આ ચરસ લાવવામાં આવ્યું હતું, એવું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.

મહિલા અને તેના સાથીઓએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ચરસ ઊંચા ભાવે વેચવાની યોજના બનાવી હતી. મહિલાના સાથીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે અને તેમની શોધ ચાલી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.