Tue Jul 14 2026

Logo

રસ્તાના કૉંક્રીટીકરણમાં નાણાકીય કૌભાંડ: કૉંગ્રેસ

2026-07-14 08:45:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈના રસ્તાઓના સિમેન્ટ-કૉંક્રીટીંગ પ્રોજેક્ટમાં મોટા પાયે નાણાકીય કૌભાંડ થયું હોવાનું તથા ટેન્ડર પ્રક્રિયાનું ઉલ્લંઘન અને નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનો આક્ષેપ  મુંબઈ મહાનગરપાલિકામાં વિરોધપક્ષ કૉંગ્રેસે કર્યો છે.

પાલિકાના કૉંગ્રેસના જૂથના નેતા અશરફ આઝમીએ માગણી કરી છે કે સમગ્ર મામલાની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) દ્વારા કરવામાં આવે અને દોષિત કૉન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસે એવી પણ ચેતવણી આપી છે કે જો આ મામલે અપેક્ષિત કાર્યવાહી નહીં થાય તો મુંબઈ હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવશે.

મુંબઈ મહાનગરપાલિકાએ ખાડામુક્ત મુંબઈ માટે રોડ કૉંક્રીટીંગ પ્રોજેક્ટ હાથ ધર્યો છે,  જેમાં મુંબઈ શહેર તેમજ પૂર્વ અને પશ્ર્ચિમ ઉપનગરમાં લગભગ ૬૮૫ કિલોમીટરના રસ્તા કૉંક્રીટીંગ કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. કૉંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો છે કે કૉંક્રીટીંગના કૉન્ટ્રાક્ટ ફક્ત મોટા કૉન્ટ્રાક્ટરોને જ આપવામાં આવ્યા છે અને વાસ્તવમાં મોટાભાગનું કામ સ્થાનિક પેટા કૉન્ટ્રાક્ટરો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે. તેમણે આ સંદર્ભમાં પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેને એક વિગતવાર પત્ર મોકલ્યો છે.

નિવેદનમાં છ મોટા કૉન્ટ્રાક્ટરોના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રસ્તાના કામમાં ગેરરીતિઓ મહાનગરપાલિકા પર વધારાનો નાણાકીય બોજ મૂકી રહી છે. મુંબઈમાં ઘણા રસ્તાઓનું કૉંક્રીટીંગ થોડા મહિના પહેલા પૂર્ણ થયું હતું. જોકે ઘણા વિસ્તારોમાં વિવિધ કારણોસર વારંવાર ખોદકામને કારણે રસ્તાઓ ખરાબ સ્થિતિમાં આવી ગયા છે. ઉપરાંત ઘણી જગ્યાએ રસ્તાઓ પર તિરાડો દેખાવા, સપાટીનું ધોવાણ અને અયોગ્ય ક્યોરિંગ જેવી સમસ્યાઓ જોવા મળી રહી છે. કૉંગ્રેસે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ કામમાં નબળી ગુણવત્તાવાળી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરમ્યાન પ્રોજેક્ટનો અમલ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યો હોવાથી ટ્રાફિક જૅમ અને ધૂળનું પ્રદૂષણ વધી રહ્યું છે. 

કૉંગ્રેસે માગણી કરી છે કે પ્રોજેક્ટની ટૅકનિકલ અને નાણાકીય તપાસ કરવા માટે આઈઆઈટી બોમ્બેના નિષ્ણાતો સહિત એક સ્વતંત્ર એસઆઈટીની રચના કરવામાં આવે, તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સંબંધિત કૉન્ટ્રેક્ટરોને ચૂકવણી સ્થગિત કરવામાં આવે, દોષિત ઠરેલા કૉન્ટ્રેક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને તેમની સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવે અને સંબંધિત પાલિકા અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે. જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો કૉંગ્રેસે બોમ્બે હાઈ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવાની ચેતવણી પણ આપી છે.