Sat Jun 06 2026

Logo

પિકચર અભી બાકી હૈં! પ્રીમોન્સૂન શાવરમાં જ અંધેરી સબ-વે પાણી-પાણી

2026-06-04 08:34:00
Author: Sapna Desai
Article Image



(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:  મુંબઈમાં બુધવારે વહેલી સવારના ભારે વરસાદ પડ્યા બાદ પશ્ર્ચિમ ઉપનગરનો મહત્ત્વનો કનેકટર ગણાતા અંધેરી સબ-વેમાં પાણી ભરાઈ ગયા હતા અને તે વાહનવ્યહાર માટે ઠપ્પ થઈ ગયો હતો. ચોમાસાનું હજી આગમન થયું નથી અને પ્રીમોન્સૂન શાવરમાં  સબવે બંધ થઈ જતા પાલિકાની ચોમાસાની તૈયારી પર સવાલ થઈ રહ્યા છે.
મુંબઈમાં ચોમાસાનું હજી સુધી આગમન થયું નથી પણ મુંબઈમાં બે-ત્રણ દિવસથી હળવો પ્રી-મોન્સૂન શાવર થઈ રહ્યો છે, જેમાં બુધવારે વહેલી સવારના પશ્ર્ચિમ ઉપનગરમાં ભારે વરસાદ પડતા અંધેરી સબવે સવારના ૭.૪૦ વાગે વાહનવ્યવહાર માટે બંધ કરવાની નોબત આવી હતી. પાલિકાના જણાવ્યા અનુસાર એક કલાકની અંદર પશ્ર્ચિમી ઉપનગરમાં ભારે વરસાદને કારણે સબવેમાં પાણી ભરાઈ ગયા હતા.

પાલિકાના આંકડા મુજબ બુધવારે સવારના ૭ થી ૮ વાગ્યાની વચ્ચે અંધેરીમાં ૪૮ મિલીમીટર એટલે કે લગભગ બે ઈંચ જેટલો વરસાદ પડયો હતો, જ્યારે વર્સોવામાં ૬૯ મિ.મી. (અઢી ઈંચ) વરસાદ નોંધાયો હતો.

પાલિકાના અધિકારીના દાવા મુજબ વહેલી સવારના  અંધેરી સબવેમાં  પાણી ભરાઈ જતા તાત્કાલિક વરસાદી પાણીનો નિકાલ કરવા માટે ડીવોટરિંગ પંપને સક્રિય કરવામાં આવ્યા બાદ ૧૦ મિનિટમાં પાણીનો નિકાલ કર્યો હતો. ૮.૨૪ વાગ્યા સુધીમાં તો વાહનોની અવરજવર ચાલુ કરી દેવામાં આવી હતી.
ગયા વર્ષે ચોમાસા દરમ્યાન જૂનથી ઑક્ટોબર ઓછામાં ઓછા ૨૭ વખત અંધેરી સબવેમાં પાણી ભરાયા હતા.  આ વર્ષે હજી ચોમાસાનું આગમન થયું નથી અને ફકત વરસાદના ઝાપટામાં જ સબવે બંધ થઈ ગયો ત્યારે આગામી ચાર મહિના મુંબઈગરાના કેવા જશે તેની ચિંતા મુંબઈગરાને સતાવી રહી છે.

ત્રણ ડીવોટરિંગ પંપ કરશે પાણીનો નિકાલ
પહેલા જ વરસાદમાં નામોશીનો સામનો કરનારી પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ અંધેરી સબવે પર ત્રણ પંપ ગોઠવવામાં આવ્યા છે, જેની કુલ ક્ષમતા પ્રતિ કલાકની ૨,૫૦૦ ઘન મીટર પાણીનો નિકાલ કરવાની છે. ત્રણ પંપમાંથી બે પંપ પ્રતિ કલાક ૧,૦૦૦ ઘનમીટર પાણીનો નિકાલ કરવાની ક્ષમતા ધરાવે છે, જ્યારે ત્રીજા પંપની ક્ષમતા ૫૦૦ ઘનમીટરની છે.


કૉંગ્રેસની સોશિયલ મિડિયા પર ટીકા
મુંબઈ કૉંગ્રેસ અધ્યક્ષ અને લોકસભા સાંસદ વર્ષા ગાયકવાડે સોશિયલ મિડિયા પર પાલિકાની ટીકા કરતા કહ્યું હતું કે ચોમાસાનું હજી સુધી મુંબઈમાં આગમન થયું નથી અને થોડા વરસાદમાં જ અંધેરી સબવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. શું આ છે પાલિકાની નાળાસફાઈ? નાળાસફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચવાનો દાવો કરનારી પાલિકા પહેલા જ વરસાદમાં નિષ્ફળ સાબિત થઈ છે.

કેમ અંધેરી સબવેમાં પાણી ભરાય છે?
અંધેરી રેલવે સ્ટેશનથી એક કિલોમીટર દૂર આવેલું અંધેરી સબવે એક નીચાણવાળો વિસ્તાર છે. નજીકનો હાઈવે, રસ્તા તથા સબવેનો પ્રવેશદ્વાર  અને બહાર નીકળવાના માર્ગ ઊંચા છે. સબવે પોતે નીચા ઢાળ પર આવેલો છે, જે તેને રકાબી આકારનું બનાવે છે. સબવે નજીકના વિસ્તાર કરતા આશરે ૧૦ મીટર નીચો છે, તેથી જયારે વરસાદ પડે છે ત્યારે આજુબાજુનું પાણી ઊંચાઈથી નીચે તરફ વહે છે અને સબવેમાં પાણી ભરાઈ જાય છે.

ઉપાય અમલમાં કયારે આવશે?
પાલિકા દ્વારા હાલમાં બે સંભવિત વિકલ્પોની તપાસ કરવામાં આવી રહી છે, જેમાં હોલ્ડિંગ પોન્ડનું બાંધકામ તેમ જ  હાલના ડ્રેનેજ નેટવર્કનું ડાયવર્ઝન કરવાની યોજના છે. પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે આઈઆઈટી બોમ્બેની મદદ લેવામાં આવવાની છે. જોકે પાલિકાએ હજુ સુધી યોજનાને અંતિમ સ્વરૂપ આપ્યું નથી અને વર્ક ઓર્ડર પણ બહાર પાડ્યો નથી. તેથી આ ચોમાસા દરમ્યાન આ બંને યોજના  અમલમાં મૂકાવવાની શક્યતા ઓછી છે. ઓક્ટોબર બાદ કામ ચાલુ થાય એવી શકયતા છે .