નાળાસફાઈના કામનું ઓડિટ કરી જવાબદાર અધિકારી લેવાની માગણી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બુધવારે પહેલા ભારે વરસાદે પાલિકા પ્રશાસન તથા સત્તાધારી ભાજપની ચોમાસા પહેલાની તૈયારીઓના દાવા પર પાણી ફરી વળ્યુ હોવાની ટીકા પાલિકાના વિરોધપક્ષે કરી હતી. નાળાસફાઈના કામનું ઓડિટ કરી જવાબદાર અધિકારી સામે પગલા લેવાની માગણી પણ વિરોધપક્ષે કરી છે.
મુંબઈમાં હજી ચોમાસાનું આગમન થયું નથી પણ બુધવારે વહેલી સવારે પ્રી-મોન્સૂન શાવરના જોરદાર ઝાપટાં પડ્યા હતા, જેમાં પશ્ર્ચિમ ઉપનગરમાં વરસાદનું જોર વધુ હોવાથી અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા હતા અને સત્તાધારી ભાજપ અને પાલિકા પ્રશાસનની ચોમાસા પહેલી પૂર્વ તૈયારી અને નાળાસફાઈના દાવા પહેલા વરસાદમાં જ પોકળ સાબિત થયા હતા.
મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા કિશોરી પેડણેકરે ગુરુવારે કહ્યું હતું કે નાળા સફાઈ અને ડ્રેનેજ સિસ્ટમમાં સુધારા પાછળ કરોડો રૂપિયા ખર્ચનારા શાસકોના દાવા પહેલા વરસાદમાં જ નિષ્ફળ ગયા છે. પશ્ર્ચિમ ઉપનગરોમાં ટ્રાફિક માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવતો અંધેરી સબવે પહેલા વરસાદમાં જ પાણી ભરાઈ ગયો હતો, તેના કારણે ટ્રાફિક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને હજારો નાગરિકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા ફક્ત અંધેરી પૂરતી મર્યાદિત નથી. મુંબઈના ઘણા ભાગોમાં રસ્તાઓ પાણી ભરાઈ ગયા હતા, ટ્રાફિક જામ થયો હતો અને નાગરિકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. ચોમાસા પહેલા તૈયાર હોવાના મોટા દાવા કરતી શાસક પક્ષ ભાજપની પોલ ખુલી ગઈ છે.
વિરોધ પક્ષના નેતાએ વધુમાં કહ્યું હતું કે પહેલા વરસાદમાં મુંબઈગરાઓની દુર્દશા વહીવટીતંત્રની બેદરકારી અને શાસકોની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ છે. પ્રશાસન અને સત્તાધારી ભાજપ મુંબઈમાં ૧૦૦ ટકાથી વધુ નાના-મોટા નાળા અને ગટર સાફ થઈ ગયા હોવાનો દાવો કરી રહ્યા છે પણ બુધવારના પહેલા વરસાદે સાબિત કર્યું છે કે આ આંકડા બોગસ છે. ગટર અને નાળાઓ હજુ પણ કાંપથી ભરેલા છે. નાળાઓ ફકત કાગળ પર સાફ થયા છે. નાળાની સફાઈના કામનું ઓડિટ કરીને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ વિરોધપક્ષ નેતાએ માગણી કરી હતી.