Fri Sep 11 2026

Logo

ખાડા પૂરવાના ખર્ચમા ઘટાડો: સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનને કારણે રસ્તા પર ખાડા પડવાનું પ્રમાણ ઘટ્યું હોવાનો દાવો

2026-03-20 09:36:00
Author: Sapna Desai
ખાડા પૂરવાના ખર્ચમા ઘટાડો: સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનને કારણે રસ્તા પર ખાડા પડવાનું પ્રમાણ ઘટ્યું હોવાનો દાવો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દર વર્ષે ચોમાસા પહેલા રસ્તા પર પડનારા ખાડાઓને પૂરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે. મુંબઈમાં જોકે રસ્તાઓનું સિમેન્ટ-કૉંક્રીટાઈઝેશનનું કામ મોટા પ્રમાણમાં ચાલી રહ્યું હોવાથી છેલ્લા ત્રણેક વર્ષમાં રસ્તા પર ખાડા પડવાનું પ્રમાણ ઘટી ગયું હોવાનો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે. તેથી જ ખાડા પૂરવા માટે ફાળવવામાં આવતા ભંડોળમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ખાડા પૂરવા માટે બહુ જલદી ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે.

મુંબઈમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને મુંબઈના રસ્તાઓના કૉંક્રીટાઈઝેશન કરવાની જાહેરાત કરી હતી, તે મુજબ મુંબઈમાં રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશન કરવાનું કામ ચાલી રહ્યુંં છે. મુંબઈમાં ૨,૦૫૦ કિલોમીટરના રસ્તા હોઈ તેમાંથી ૬૪ ટકા રસ્તાનું કૉંક્રીટાઈઝેશનનું કામ પૂર્ણ થયું છે.  છતાં રસ્તા પર ખાડા પડવાના પ્રમાણમાં કઈ ઘટાડો નોંધાયો નથી. ગયા વર્ષે ચોમાસા દરમ્યાન અને ત્યારબાદ ૨૨,૮૬૯ ખાડા પડ્યા હોવાની ફરિયાદ પાલિકા પાસે આવી હતી. આ વર્ષે હજી તો માર્ચ ચાલી રહ્યો છે અને રસ્તા પર ૪૫૦ ખાડા હોવાની ફરિયાદ પણ આવી ગઈ છે.

મુંબઈમાં સામાન્ય રીતે ડામરના રસ્તા પર ખાડા પડવાનું પ્રમાણ વધુ હોય છે. જોકે છેલ્લા અનેક વર્ષોમાં વેસ્ટર્ન અને ઈસ્ટર્ન એક્સપ્રેસ ખાડા પડવાનું પ્રમાણ વધી ગયું છે. તેથી પ્રશાસને ખાડા પૂરવાના કામ માટે ટેન્ડર બહાર પાડવાની છે. જોકે બે વર્ષથી મુંબઈના અનેક રસ્તાઓનું કૉંક્રીટાઈઝેશન થઈ ગયું હોવાથી ખાડા પૂરવાના ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ૨૦૨૪માં સાધારણ રીતે ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને પાલિકાના સાતેય ઝોનમાં આ ખર્ચ ૧૬૧ કરોડ રૂપિયા સુધી લાવવામાં આવ્યો હતો. ૨૦૨૫માં આ ઘટાડો ૫૧ ટકા સુધી ઓછો કરવામાં આવ્યો હતો અને તે ૭૯ કરોડ સુધી લાવવામાં આવ્યો હતો. હવે આ વર્ષે તેમાં હજી ઘટાડો કરવામાં આવવાનો હોવાનું કહેવાય છે.