(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નિયમ અને લાઈસન્સની શરતોનું ઉલ્લંઘન કરનારા મુંબઈના 11 જેટલા ઑર્કેસ્ટ્રા બાર પર પોલીસે કડક કાર્યવાહી કરી હતી. આ બાર્સમાં સાથે અશ્ર્લીલ હાવભાવ કરવાની સાથે બારબાળા ગ્રાહકોને રિઝવવાના પ્રયાસ કરતી હોવાનું જણાતાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવ્યા હતા. બાદમાં જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરી આ 11 બારના લાઈસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ડેપ્યુટી પોલીસ કમિશનર (ડીસીપી) રાજતિલક રોશને જણાવ્યું હતું કે દક્ષિણ મુંબઈમાં આવેલા પાંચ, અંધેરીના ત્રણ તેમ જ જોગેશ્ર્વરી, મલાડ અને દહિસરના એક-એક બારનાં લાઈસન્સ 30 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. હવે પછી મુંબઈના કોઈ પણ બારમાં આ રીતે નિયમ અને લાઈસન્સની શરતોનું ભંગ થતું નજરે પડશે તો તેનાં લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે.
અધિકારીના જણાવ્યા મુજબ લાઈસન્સ સસ્પેન્ડ કરાયા હોય એવા બારમાં દક્ષિણ મુંબઈના ગ્રાન્ટ રોડ પરિસરમાં આવેલા પાંચ બાર સેનોરિટા, સફાયર, સનશાઈન પંજાબ, રાજ પેલેસ, બ્લ્યુ ડાયમંડનો સમાવેશ થાય છે. એ સિવાય અંધેરીના કમાન્ડો, ઉર્વશી, સાઈપ્રસાદ, જોગેશ્ર્વરીના વિલાસ લંચ હોમ, દહિસરના ચિરંજીવી અને મલાડના સ્વાગતમ બારનાં પણ લાઈસન્સ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
ઑર્કેસ્ટ્રા બાર ચલાવવા માટે કેટલાક નિયમો અને શરતો પર લાઈન્સ આપવામાં આવે છે, પરંતુ મોટા ભાગના બારમાં આ શરતોનું પાલન કરવામાં આવતું નથી. હાલમાં જ ‘મુંબઈ સમાચારે’ સ્ટિંગ ઑપરેશન કરીને એક સ્પેશિયલ રિપોર્ટ યુ-ટ્યૂબ ચૅનલ પર અપલૉડ કર્યો હતો, જેમાં બારમાં અસલી ચલણી નોટોને બદલે કૂપન બારબાળાઓ પર ઉડાવવાનો ખુલાસો કર્યો હતો. આ કૂપન ભારતીય ચલણી નોટની આબેહૂબ નકલ જેવી હોવાનું દર્શાવ્યું હતું.
મુંબઈ પોલીસે નિયમો-શરતોનું ઉલ્લંઘન કરનારા બાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. તાજેતરમાં મુંબઈનાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ 11 બાર વિરુદ્ધ શરતોનું ઉલ્લંઘન કરવા બદલ એફઆઈઆર નોંધાયા હતા, જેને પગલે પોલીસે લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી હોવાનું ડીસીપીએ શનિવારે જણાવ્યું હતું.