Sat Jun 06 2026

Logo

૩૦ મિનિટને બદલે હવે ફક્ત પાંચ મિનિટ: ગોરેગામનો મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવર શનિવારે ખુલ્લો મૂકાશે

2026-06-04 08:36:00
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લાંબા સમયથી ગોરેગામમાં મૃણાલતાઈ ગોર ફ્લાયઓવરના વિસ્તારીત હિસ્સાનું કામ પૂર્ણ થઈને તેને ખુલ્લો મૂકવામાં આવે તેની રાહ જોવામાં આવી હતી. આખરે પાલિકાએ  ૭૫૦ મીટરના ચાર લેનનો ફ્લાયઓવરને છ જૂન, શનિવારના વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો હોવાની જાહેરાત કરી છે.

ગોરેગામથી રામ મંદિર માર્ગ પર મૃણાલતાઈ ગોરે ફ્લાયઓવરના વિસ્તારીત હિસ્સાનું કામ તેના અંતિમ તબક્કામાં હતું અને હવે લગભગ તે પૂરું થઈ ગયું છે. છેલ્લા આઠ વર્ષથી મુસાફરોને થતી અગવડતાને દૂર થવાની છે. મૃણાલગોરે ફ્લાયઓવરના વિસ્તારીત હિસ્સાને ખુલ્લો મૂકવાની સાથે જ રામ મંદિર અને ગોરેગામ વિસ્તાર સીધા જોડાઈ જશે. 

મૃણાલતાઈ ગોર ફ્લાયઓવરના વિસ્તરણનું  લગભગ  કામ પૂર્ણ થઈ ગયું છે. ફિનિશિંગ કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે. રોડ રિસરફેસિંગ, સાઇનેજ બોર્ડ, વીજળીના થાંભલા, સ્પીડ બ્રેકર અને પેઇન્ટિંગનું કામ હાલમાં ચાલી રહ્યું છે. ફ્લાયઓવરની પાસે જ રહેણાંક ઇમારતો છે . એટલે ફ્લાયઓવરની બંને બાજુએ નોઈઝ બેરિયર્સ પણ બેસાડવામાં આવી રહ્યા છે. લગભગ નાના-મોટા કામ બે-ત્રણ દિવસમાં પૂરા થઈ જશે.


મૃણાલગોરે ફ્લાયઓવર ૨૦૧૬માં ખુલ્લો  મૂકવામાં આવ્યો અને તેના વિસ્તરણનું કામ ૨૦૧૯ માં શરૂ થયું હતું. ૨૪ મહિનામાં ફ્લાયઓવરનું કામ પૂર્ણ કરવાનું નક્કી થયેલ હતું છતાં પ્રોજેક્ટમાં અનેક અવરોધ આવ્યા હતા, કોવિડને કારણે અમલમાં આવેલા લોકડાઉનને કારણે કામમાં ખાસ્સો એવો વિલંબ આવ્યો હતો. 

રામ મંદિર રોડથી એસ.વી. રોડ પર આવેલા રિલીફ રોડ સુધીના ૭૫૦ મીટરના વિસ્તરણ માટે શરૂઆતમાં ૨૦૯.૬૪ કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી હતી, જે હવે વધીને ૨૪૭.૯૭ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ ફ્લાયઓવર પૂર્ણરૂપે ખુલ્યા પછી તે જોગેશ્વરી-વિક્રોલી લિંક રોડને બાયપાસ કરીને ત્રણ મુખ્ય સિગ્નલને સિગ્નલ-મુક્ત કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મુસાફરીનો સમય ૩૦ મિનિટથી ઘટાડીને પાંચ મિનિટ કરશે તેવી અપેક્ષા છે.