Mon Jun 08 2026

Logo

ચોમાસું ભાજપ-શિંદેસેના મુંબઈ મહાનગરપાલિકાના કારભારની કસોટી કરશે

2026-03-21 08:54:00
Author: Sapna Desai
Article Image

વરસાદી પાણીનો નિકાલ કરવા ૫૪૭ પંપ બેસાડશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં સતત ૨૫ વર્ષ શાસન કરનારી ઠાકરેની શિવસેના(સંયુક્ત)ને હરાવીને  સત્તા મેળવવામાં સફળ થયેલી ભાજપ-શિંદેસેનાની આ વખતે ચોમાસામાં જબરી કસોટી થવાની શક્યતા છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં નાળાસફાઈનું કામ શરૂ થઈ જતુ હોય છે પણ પખવાડિયા બાદ પણ મીઠી નદી સહિત મોટા નાળાની સફાઈ માટે કૉન્ટ્રેક્ટર મળ્યો નથી. નાળાસફાઈના અભાવે ચોમાસામાં પાણી ભરાવાનું સંકટ માથા પર તોળાઈ રહ્યું છે ત્યારે અગમચેતીના પગલા તરીકે ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ કરવા માટે  પંપની સંખ્યા ૫૪૭ કરી નાખવામાં આવી છે.

ચોમાસા દરમ્યાન દર વર્ષે વરસાદી પાણીનો નિકાલ કરવા માટે પાલિકાના સ્ટોર્મ વોટર ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ દ્વારા પંપ બેસાડવામાં આવતા હોય છે. શુક્રવારે તે માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. જોકે ગયા વર્ષ કરતા આ વર્ષે પંપની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ગયા વર્ષે જ આ સંખ્યા ૪૨૨ની હતી. આ વર્ષે ૫૪૭ પંપ બેસાડવામાં આવવાના છે. પાલિકાએ ૨૪ વોર્ડ માટે બે વર્ષ માટે પંપની સેવા કૉન્ટ્રેક્ટ પર લેવાની છે, તે માટે ટેન્ડર બહાર પાડ્યા હતા. ગયા વર્ષે પાલિકાએ ૪૨૨ ઠેકાણે પંપ બેસાડયા હતા. ગયા વર્ષે જોકે ૨૬ મે, ૨૦૨૫ના પડેલા કમોસમી વરસાદ દરમ્યાન અનેક જગ્યાએ પાણી ભરાઈ જતા વોર્ડ દ્વારા વધારાના પંપની પણ માગણી કરવામાં આવી છે.

ચોમાસામાં વરસાદની પાણીનો નિકાલ કરવા તાત્પૂરતા સમય માટે પંપ બેસાડવામાં આવતા હોય છે. જોકે મુંબઈમાં નીચાણવાળા વિસ્તાર કે જયાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જતા હોય છે તેવા ક્રોનિક પોઈન્ટની સંખ્યામાં ઘટાડો કરવા માટે અનેક પ્રયાસ બાદ પણ છેલ્લા એક વર્ષમાં પાણી ભરાવવાના (ક્રોનિક ફ્લડિંગ પોઈન્ટ) સ્થળોમાં ૧૦ ટકાનો વધારો થયો હોવાનું પાલિકાના આંકડા પરથી જણાઈ આવ્યું છે. હાલ મુંબઈમાં ૪૯૮ ફ્લડિંગ પોઈન્ટ છે, જયારે ગયા વર્ષે આ સંખ્યા ૪૫૩ હતી.

ચોમાસામાં પાણી ભરાવવાના સ્થળોની સંખ્યામાં કાયમી ઘટાડો કરવા બ્રિમસ્ટોર્વડ પ્રોજેક્ટ અમલમાં મૂકવા સહિત અનેક ઉપાયયોજના અમલમાં મૂકી હતી, તેને કારણે ક્રોનિક પોઈન્ટની સંખ્યામાં ઘટાડો થવો જોઈતો હતો પણ તેને બદલે ગયા વર્ષ કરતા આ વર્ષે પાણી ભરાવવાના સ્થળોની સંખ્યામાં ૧૦ ટકાથી વધારો થયો હોવાનું જણાઈ આવ્યું હતું. 

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ૪૯૮ ફ્લડ પોઈન્ટમાંથી ૩૯૧ જગ્યાએ ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે.  બાવન જગ્યાએ આગામી દિવસોમાં ઉપાયયોજના અમલમાં મૂકાશે. પંચાવન જગ્યાએ પાણી ન ભરાય તે માટેની યોજના પાઈપલાઈનમાં છે. તો બાકીની ૨૬ જગ્યા માટે રેલવે, મેટ્રો, ટ્રાફિક અને એમએમઆરડીએ સાથે સકંલન કરીને ઉકેલવામાં આવશે.

જુદી જુદી ઓથોરિટી સાથે સંકલન કરાશે
પાલિકાના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ હાલ મુંબઈમાં આવા ક્રોનિક પોઈન્ટની સંખ્યા ૪૯૮ થઈ ગઈ છે. ગયા વર્ષે ૪૫૩ એવા ક્રોનિક પોઈન્ટ હતા જ્યાં મધ્યમ વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પાલિકાએ આ વિસ્તારોમાં પાણી ભરાય નહીં તે માટે રેલવે, મેટ્રો, ટ્રાફિક પોલીસ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ સાથે સંકલન કરીને તેના પર ઉપાયયોજના અમલમાં મૂકવાની હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

નવા ક્રોનિક પોઈન્ટ
આ વર્ષે જે નવા ક્રોનિક પોઈન્ટ એટલે કે જયાં પાણી ભરાવાની શક્યતા છે તે શોધી કાઢવામાં આવ્યા છે, તેમાં વિક્રોલી, પરેલ, અંધેરી, વિલેપાર્લે, સાંતાક્રુઝ અને દહિસરના વિસ્તારમાં આવેલા છે. આમાંથી ઘણા વિસ્તાર રેલવે ટ્રેક અને મીઠી નદીના કિનારે નીચાણવાળા વિસ્તાર અને વાલભટ તેમ જ દહિસર નદી પાસે આવેલા છે.