ચર્ચગેટ-વિરાર રૂટ પર 40 અધિકૃત વિક્રેતાની થશે નિમણૂક, વાર્ષિક આવક વધારવાની અપેક્ષા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આમ તો લોકલ ટ્રેનમાં ફેરિયા દેખાવા કોઈ નવી વાત નથી, પણ ટૂંક સમયમાં મુંબઈગરાઓને લોકલ ટ્રેનમાં રેલવેના અધિકૃત ફેરિયાઓ પાસેથી ખાદ્ય પદાર્થ સિવાયની વસ્તુઓ ખરીદવા મળશે. પણ હવે રેલવે આ ફેરિયાઓને અધિકૃતતા આપીને કમાણીનો નવો રસ્તો નિર્માણ કરવાની યોજના બનાવી રહી છે. જેના પગલે વિરાર વચ્ચે દોડતી ઉપનગરીય લોકલ ટ્રેનોમાં હવે ખાદ્યપદાર્થો સિવાયની વસ્તુઓ વેચવા માટે 40 અધિકૃત ‘નૉન-કેટરિંગ’ વિક્રેતાઓની નિમણૂક કરવામાં આવશે.
અંદાજે રૂ. 25થી 27 લાખની વધારાની આવકની અપેક્ષા
આ માટે કોન્ટ્રાક્ટરની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ વ્યવસ્થાથી પશ્ચિમ રેલવેને દર વર્ષે અંદાજે રૂ. 25થી 27 લાખની વધારાની આવક થવાની અપેક્ષા છે. સાથે જ લોકલ ટ્રેનોમાં ગેરકાયદે રીતે વસ્તુઓ વેચતા ફેરિયાઓ પર નિયંત્રણ લાવવામાં પણ મદદ મળશે.
રોજના 20થી 25 ગેરકાયદે વિક્રેતા સામે કાર્યવાહી
હાલમાં ચર્ચગેટ-વિરાર ઉપનગરીય માર્ગ પર દરરોજ સરેરાશ 20થી 25 ગેરકાયદે વિક્રેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. રેલવે સુરક્ષા દળ (RPF) અને વાણિજ્ય વિભાગ દ્વારા નિયમિત કાર્યવાહી કરવામાં આવતી હોવા છતાં લોકલ ટ્રેનોમાં ગેરકાયદે વેચાણનું પ્રમાણ સંપૂર્ણપણે ઘટ્યું નથી. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને મધ્ય રેલવેની જેમ પશ્ચિમ રેલવેએ પણ અધિકૃત વિક્રેતા વ્યવસ્થા અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે.
પરવાનગી વિના વસ્તુઓ વેચતા ફેરિયાઓ સામે કાર્યવાહી
નવી વ્યવસ્થા હેઠળ નિમણૂક કરવામાં આવનારા વિક્રેતાઓને પશ્ચિમ રેલવે તરફથી અધિકૃત ઓળખપત્ર અને પરવાનો આપવામાં આવશે. જેના કારણે અધિકૃત અને અનધિકૃત વિક્રેતાઓ વચ્ચે સરળતાથી તફાવત કરી શકાશે. પરવાનગી વિના લોકલ ટ્રેનમાં વસ્તુઓ વેચતા ફેરિયાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવાનું પણ રેલવે માટે સરળ બનશે. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વ્યવસ્થાથી મુસાફરોને પણ અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ વસ્તુઓ ખરીદવાની સુવિધા મળશે.