Mon Jun 08 2026

Logo

મોબાઇલ હૅક કરવાની નવી પદ્ધતિ: ભાજપના કાર્યકરે વૉટ્સઍપ પર આવેલી ફાઇલ ઑપન કરી અને તેમનો મોબાઇલ હૅક થઇ ગયો

2026-05-23 18:12:45
Author: Yogesh D Patel
Article Image

AI Generated Images


તેમના નંબર પરથી પુત્રના લગ્નની આમંત્રણપત્રિકા ઘણા લોકો સુધી પહોંચી ગઇ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: ‘બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના’ સાંભળ્યું હશે, પણ ઘાટકોપરના ગુજરાતી અને તેમના કોન્ટેક્ટ લિસ્ટમાંના લોકો માટે ‘બેગાની શાદી મેં મોબાઇલ હૅક’ જેવી કહેવત લખવી પડે એવા સંજોગો થયા. થયું એવું કે ભાજપના કાર્યકર પીયૂષ ચંપકલાલ દાસે વૉટ્સઍપ મેસેજ જોતી વખતે એક ફાઇલ ભૂલથી ઑપન કરી દીધી અને તરત જ તેમનો મોબાઇલ હૅક થઇ ગયો. જોકે વાત આટલેથી પતી નહીં, તેમના કોન્ટેક્ટ લિસ્ટમાંના લોકોને તેમના નંબર પરથી તેમના પુત્રના લગ્નની આમંત્રણપત્રિકા પહોંચી ગઇ. સાથે ગુજરાતીમાં લખાયેલો મેસેજ પણ હતો. એ આમંત્રણપત્રિકા જે જે લોકોએ જોઇ તેમના મોબાઇલ પણ હૅક થયા હતા. છેને સાવ અવનવી ને ચકરાવે ચડાવી દે એવી મોબાઇલ હૅક કરવાની નવી પદ્ધતિ.

ઘાટકોપર પશ્ચિમમાં નવરોજી લેનમાં આવેલી પ્રેમકુંજ બિલ્ડિંગમાં રહેતા પીયૂષ દાસે (64) જણાવ્યું હતું કે શુક્રવારે બપોરના હાઉસિંગ ફેડરેશનને લઇ મને કૉલ આવ્યો હતો અને મારો આધાર કાર્ડ તથા ફોટા માગ્યા હતા. સાંજના પાંચ વાગ્યાની આસપાસ વોટ્સઍપ પર હું બધા મેસેજ જોઇ રહ્યો હતો ત્યારે અજાણ્યા નંબર પરથી આવેલી એક ફાઇલ મારાથી ઑપન થઇ ગઇ અને તરત જ મારો મોબાઇલ હૅક થઇ ગયો, જેને કારણે હું મોબાઇલમાં કંઇ જોઇ શકતો નહોતો કે કોઇને કૉલ પણ કરી શકતો નહોતો. 

મેં મારા દીકરાને મોબાઇલ બતાવ્યો હતો અને બાદમાં મોબાઇલ રિપેર કરવાવાળા પાસે પહોંચી ગયો હતો. તેણે મને કહ્યું હતું કે તમારો મોબાઇલ હૅક થઇ ગયો છે. હું બાદમાં ઘાટકોપર સાયબર સેલમાં ગયો હતો અને પોલીસ કર્મચારીને આ અંગે જાણ કરી હતી. તેમણે બારકૉડનો ઉપયોગ કરી મારો મોબાઇલ બંધ કરી દીધો હતો અને કહ્યું હતું કે બીજે દિવસે તમારો મોબાઇલ ચાલુ થઇ જશે અને બધુ બરાબર થઇ જશે. જોકે મારો મોબાઇલ બંધ થયો એ પહેલાં મારા કોન્ટેક્ટ લિસ્ટમાંના ઘણા લોકોને મારા નંબર પરથી મારા પુત્રના લગ્નની આમંત્રણપત્રિકા સૅન્ડ થઇ ગઇ હતી. જેની સાથે ગુજરાતીમાં મેસેજ પણ હતો કે ‘સહકુટુંબ પધારજો.’ 

મારા મોબાઇલમાં પંદરસો જેટલા લોકોના નંબર સૅવ છે અને મને શનિવાર બપોર સુધી પાંચસોથી વધુ લોકોએ ફોન તથા મેસેજ કર્યા હતા. મારા મોબાઇલ નંબર પરથી જે લોકોને આમંત્રણપત્રિકા સૅન્ડ થઇ હતી તેમાં પોલીસ, પાલિકાના અધિકારીઓ, ડોક્ટર, વિદેશમાં રહેતા મારા રિલેટીવ્સનો સમાવેશ હતો. હું કેમિકલ બ્રોકર હોવાથી મારા મોબાઇલમાં મુંબઈ, ગુજરાત તથા અન્ય રાજ્યોના ઘણા વેપારીઓના નંબર સૅવ છે અને તેમને પણ આવા મેસેજ મળ્યા હતા. તેમણે બાદમાં મારો સંપર્ક પણ સાધ્યો હતો. 

જેમણે પોતાના મોબાઇલમાં એ લગ્નપત્રિકા જોઇ તેમના મોબાઇલ પણ હૅક થઇ ગયા હતા, એવું જાણવા મળ્યું હતું. અમુક લોકોએ મને બાદમાં મેસેજ કર્યો હતો કે આમંત્રણપત્રિકા ઑપન થતી નથી. મેં તેમને મેસેજ દ્વારા જાણ કરી કે મારો મોબાઇલ શુક્રવાર સાંજથી હૅક થઇ ગયો હતો અને તમે એ ફાઇલ ઑપન નહીં કરતા. મેં શનિવારે આ અંગે ફેસબૂક તથા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ પણ પોસ્ટ કર્યા હતા. મારો મોબાઇલ હૅક થયા બાદ જે પણ કાંઇ મારી સાથે બન્યું એવું બીજા કોઇ સાથે ન બને. લોકોએ સાવધાની રાખવી જરૂરી છે, એમ પીયૂષ દાસે કહ્યું હતું.