Sun Jun 07 2026

Logo

બાંગ્લાદેશ અને શ્રીલંકાના નાગરિકોની મદદથી સોનાની દાણચોરીનો પર્દાફાશ

2026-06-07 18:26:17
Author: Yogesh C Patel
Article Image

મુંબઈ ઍરપોર્ટ પરથી પાંચ કરોડનું સોનું જપ્ત: ત્રણ ઍરપોર્ટ સ્ટાફ સહિત સાતની ધરપકડ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
ડિરેક્ટરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) બાંગ્લાદેશ અને શ્રીલંકાના નાગરિકોની મદદથી ચલાવતા સોનાની દાણચોરીના રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ વિદેશથી લવાયેલું અંદાજે પાંચ કરોડ રૂપિયાનું સોનું મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી જપ્ત કરી ત્રણ ઍરપોર્ટ સ્ટાફ સહિત સાતની ધરપકડ કરી હતી. 

ડીઆરઆઈએ શનિવારની મધરાતે ઍરપોર્ટ પર ‘ઑપરેશન ગૉલ્ડન નેક્સસ’ હાથ ધર્યું હતું. મધરાત બાદ અઢી વાગ્યાની આસપાસ બૅન્ગકોકથી લવાયેલું 3.2 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં ઍરપોર્ટના ત્રણ કર્મચારી, બે શ્રીલંકન અને એક બાંગ્લાદેશી નાગરિકને પકડી પાડવામાં આવ્યા હતા. એ સિવાય ઍરપોર્ટ બહાર સોનું લેવા આવેલા શખસને પણ તાબામાં લેવાયો હતો. પકડાયેલાઓમાં એક વ્યક્તિ એક રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવતી હોવાનું કહેવાય છે. જોકે આ અંગે અધિકૃત રીતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નહોતી.

મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઍરપોર્ટ સ્ટાફની સંડોવણીથી સોનાની દાણચોરીનું રૅકેટ ચાલતું હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી. માહિતીને આધારે અધિકારીઓએ ઑપરેશન ગૉલ્ડન નેક્સસ હાથ ધર્યું હતું. બૅન્ગકોકથી આવેલા બાંગ્લાદેશી અને શ્રીલંકન નાગરિકને તાબામાં લઈ તેમના સામાનની તપાસ કરવામાં આવી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે બન્ને પ્રવાસી પાસેથી 24 કૅરેટનું સોનું વૅક્સ સ્વરૂપે મળ્યું હતું, જેની કિંમત અંદાજે પાંચ કરોડ રૂપિયા છે. પકડાયેલા ત્રણેયની પૂછપરછમાં અન્ય આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

આ રૅકેટની ચેઈન અંગે અધિકારીનું કહેવું છે કે બૅન્ગકોકથી લાવવામાં આવેલું આ સોનું ઍરપોર્ટ સ્ટાફની મદદથી સહેલાઈથી ઍરપોર્ટ બહાર કાઢવામાં આવતું હતું. પછી ઍરપોર્ટ બહાર ઊભેલી વ્યક્તિને આ સોનું સોંપવામાં આવતું હતું.

આ રૅકેટમાં ઍરપોર્ટની બસ/કોચના બે ડ્રાઈવર અને એક કોચ મૉનિટરની ધરપકડ કરવામાં આવી હતી. ઍરપોર્ટ સ્ટાફને સોનું આપ્યા પછી બાંગ્લાદેશી અને શ્રીલંકાના નાગરિકો કનેક્ટિંગ ફ્લાઈટ્સથી તરત જ પોતાના દેશ જતા રહેવાના હતા. પોતાના શરીરમાં છુપાવીને ત્રણેય જણ આ સોનું લાવ્યા હતા.

અધિકારીના કહેવા મુજબ આ ઑપરેશનને કારણે દાણચોરીની આખી ચેઈન પકડાઈ હતી. ખાસ કરીને સરકાર દ્વારા સોના પર વધારેલા કર અને ડ્યૂટીને ધ્યાનમાં લેતાં આ ઑપરેશનની સફળતા મહત્ત્વપૂર્ણ હોવાનું કહી શકાય. પકડાયેલા આરોપીઓની ડીઆરઆઈ વધુ તપાસ કરી રહી છે. તેમના બૅન્ક ટ્રાન્ઝેક્શન્સ, વિદેશ પ્રવાસ અને કૉલ ડિટેઈલ્સની પણ તપાસ કરવામાં આવી રહી છે.