Sat Aug 29 2026

Logo

મુલુંડમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ત્રણ જખમી

2026-03-24 19:41:00
Author: Yogesh C. Patel
મુલુંડમાં બે જૂથ વચ્ચે અથડામણમાં ત્રણ જખમી

તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકાયા: એક આરોપી એનસીપીના નેતાનો સગો

મુંબઈ: મુલુંડમાં જૂની અદાવતમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ત્રણ જણને ગંભીર જખમી કરવામાં આવ્યા હોવાની ઘટના બનતાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીમાંથી એક એનસીપીના નેતાનો સગો હોવાનું સામે આવતાં આ ઘટનાને રાજકીય વળાંક મળે એવી શક્યતા છે.

મળતી માહિતી મુજબ ઘટના રવિવારની બપોરે રાહદારીઓની ભીડ વચ્ચે આ ઘટના બની હતી. ઘટનાને પગલે લોકોમાં ઘણી દહેશત ફેલાઈ ગઈ હતી. આ ભયાનક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ હતી. કૅમેરાનાં ફૂટેજને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.

જૂની અદાવતને પગલે આ હુમલો કરાયો હોવાનું કહેવાય છે. બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં આરોપીઓએ તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા, જેમાં ત્રણ જણ ઘવાયા હતા. સારવાર માટે તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.

પકડાયેલા આરોપીઓમાં સુલતાન મલિક અને મહીપાલ સિંહનો સમાવેશ થાય છે. બન્નેને કોર્ટે બુધવાર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. આરોપી સુલતાન મલિક એનસીપીના અજિત પવાર જૂથના નેતાનો સગો હોવાનું કહેવાય છે. આ પ્રકરણે પોલીસ વધુ તપાસ કરી રહી છે.