Sat Aug 29 2026

Logo

મોરબીમાં માત્ર 'ગાળો' આપવા જેવી નજીવી બાબતે કાકાએ ભત્રીજાની કરી હત્યા

2026-05-02 21:36:51
Author: Devayat Khatana
મોરબીમાં માત્ર 'ગાળો' આપવા જેવી નજીવી બાબતે કાકાએ ભત્રીજાની કરી હત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ:
મોરબીના વનાળીયા ગામે ગાળો બોલવાની ના પાડવા જેવી સામાન્ય બાબતે એક યુવકની તેના જ કૌટુંબિક કાકાએ છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી. ગામના ૨૮ વર્ષીય મહેશ ગોરધનભાઈ રાઠોડના ઘર પાસે તેનો કૌટુંબિક કાકો સુરેશ કાનજીભાઈ રાઠોડ ગાળો બોલતો હતો, જેની મહેશે ના પાડતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજા મહેશને પેટ અને કમરના ભાગે છરીના જીવલેણ ઘા મારી દીધા હતા. ગંભીર હાલતમાં મહેશને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો, જ્યાં તેનું ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું.

આ મામલે મૃતક યુવકના પિતા ગોરધનભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી કૌટુંબિક કાકા સુરેશભાઈ રાઠોડની ધરપકડ કરી લીધી હતી. તદુપરાંત, હત્યામાં વપરાયેલ લોહીલુહાણ છરી પણ કબજે કરી આરોપીને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બનાવને પગલે રાઠોડ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.