Tue Sep 01 2026

Logo

નિખારઃ ઝડપથી લોકપ્રિય થઈ રહેલો ટ્રેન્ડ નો-મેકઅપ મૉન્સૂન લૂક

2026-07-30 11:06:00
Author: Nilofar
નિખારઃ ઝડપથી લોકપ્રિય થઈ રહેલો ટ્રેન્ડ નો-મેકઅપ મૉન્સૂન લૂક

નીલોફર

ચોમાસાની ઋતુ આમ તો એક રાહત લઈને આવે છે, પરંતુ મહિલાઓની ત્વચા માટે આ ઋતુ ઘણા પડકારો પણ ઊભા કરે છે. બફારો, પરસેવો, વારંવાર ભીંજાવું અને વાતાવરણમાં વધેલા ભેજને કારણે ભારે મેકઅપ ચહેરા પર ટકી શકતો નથી. ફાઉન્ડેશન ડાઘાવાળું દેખાવા લાગે છે, કાજલ ફેલાઈ જાય છે અને ત્વચા નિસ્તેજ દેખાવા લાગે છે. આ જ કારણ છે કે તાજેતરનાં વર્ષોમાં આ દિવસો માટે `નો-મેકઅપ લુક'નો એક નવો ટે્રન્ડ શરૂ થયો છે.

`નો-મેકઅપ લુક'નો મતલબ મેકઅપ બિલકુલ ન કરવો એવો નથી. તેનો અર્થ છે ત્વચાને એટલી સ્વસ્થ અને કુદરતી રીતે ચમકદાર બનાવવી કે ભારે મેકઅપ વગર પણ તે આકર્ષક દેખાય. આ લુક વાસ્તવમાં ચહેરાની કુદરતી સુંદરતાને વધારે છે અને ત્વચાને શ્વાાસ લેવાની તક આપે છે. તેથી ચોમાસામાં સુંદર દેખાવાનો સૌથી સરળ રસ્તો છે, ત્વચાની બેઝિક કૅર પર ધ્યાન આપવું. જો ત્વચા સાફ, હાઇડ્રેટેડ અને સ્વસ્થ હશે તો તેને છુપાવવા માટે વધારે મેકઅપની જરૂર પડતી નથી. તેથી દિવસની શરૂઆત ચહેરાની સફાઈથી કરો. 

ચોમાસાની ઋતુમાં ધૂળ અને ભેજ ત્વચાના રોમછિદ્રોમાં જમા થઈ જાય છે, તેથી એવું ફેસવૉશ પસંદ કરો જે ત્વચાને સાફ કરે, પરંતુ તેનું કુદરતી ભેજ ન છીનવી લે. આ પછી લાઇટવેઇટ મોઇશ્ચરાઇઝર લગાવો. ઘણી મહિલાઓ એવું વિચારે છે કે બફારામાં મોઇશ્ચરાઇઝરની જરૂર નથી હોતી, પરંતુ વાસ્તવમાં ભેજની અછત થવા પર ત્વચા વધુ પ્રમાણમાં તેલ ઉત્પન્ન કરવા લાગે છે. તેથી `ઑઇલ-ફ્રી મોઇશ્ચરાઇઝર' એક ઉત્તમ વિકલ્પ છે.

આ ચોમાસાની ઋતુમાં વાદળો પાછળ છુપાયેલો સૂર્ય પણ ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે, તેથી નિષ્ણાતોનું કહેવું છે કે વર્ષાઋતુમાં પણ સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. તે ત્વચાને ટેનિંગ, પિગમેન્ટેશન અને સમય કરતાં પહેલાં ઘરડી દેખાતી અટકાવે છે. `નો-મેકઅપ લુક'ની સૌથી મોટી ખાસિયત એ જ છેકે સ્વસ્થ ત્વચા પોતે જ ચમકતી દેખાય છે અને સનસ્ક્રીન આ ચમકને જાળવી રાખે છે. અને હા, આ બધામાં ખાનપાનનું પણ ખૂબ મોટું યોગદાન હોય છે. 

ત્વચામાં ચમક માત્ર બાહ્ય પ્રોડક્ટ્સથી નથી આવતી, તેની પાછળ ખોરાક અને જીવનશૈલીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ચોમાસામાં તાજાં ફળો, લીલાં શાકભાજી ખાવાં જોઈએ અને પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. કાકડી, ટમેટાં, પપૈયું, તડબૂચ અને લીંબુ જેવા ખાદ્યપદાર્થો ત્વચાને અંદરથી પોષણ આપે છે.

જો ત્વચાને કુદરતી રીતે ચમકાવવી હોય તો સંતુલિત આહારને પ્રાથમિકતા આપવી પડશે. વાસ્તવમાં `નો-મેકઅપ લુક'નું એક સામાજિક પાસું પણ છે. આજની મહિલાઓ માત્ર સૌંદર્ય પ્રસાધનો પર નિર્ભર રહેવાને બદલે પોતાની કુદરતી ઓળખનો સ્વીકાર કરી રહી છે. આ ટે્રન્ડ આત્મવિશ્વાસ વધારે છે અને સુંદરતાના પરંપરાગત માપદંડોને પડકારે છે. 

ચોમાસાની ઋતુમાં કેટલાક સરળ ઘરેલું ઉપાયો પણ ત્વચાની ચમક વધારવામાં મદદ કરે છે: જેમ કે, દહીં અને ચણાનો લોટનો ફેસ પૅક ત્વચાને ઊંડાણપૂર્વક સાફ કરે છે. મધ ત્વચાને જરૂરી ભેજ પૂરો પાડે છે. જ્યારે ગુલાબજળ ત્વચાને તાજગીનો અહેસાસ કરાવે છે. જોકે કોઈપણ ઘરેલું ઉપાયનો ઉપયોગ કરતાં પહેલાં ત્વચાની સેન્સિટિવિટીનું ધ્યાન રાખવું જોઈએ. દરેક વ્યક્તિની ત્વચા અલગ હોય છે, તેથી જે ઉપાય એક વ્યક્તિ પર સારો પ્રભાવ પાડે છે તે બીજી વ્યક્તિ પર પણ એવું જ પરિણામ આપે તે જરૂરી નથી.

ત્વચાની સુંદરતા ફક્ત ક્રીમ અને ફેસ પૅક દ્વારા જ પ્રાપ્ત થતી નથી. પૂરતી ઊંઘ અને તણાવમુક્ત જીવનશૈલી પણ જરૂરી છે. મોડી રાત સુધી જાગવાથી, સતત મોબાઇલ સ્ક્રીન સામે જોતા રહેવાથી અને માનસિક તાણથી ચહેરાની ચમક ઓછી થઈ શકે છે. આ જ કારણ છે કે નિષ્ણાતો સ્વસ્થ ત્વચા માટે દરરોજ 7થી 8 કલાકની ઊંઘ જરૂરી માને છે. વાસ્તવમાં પૂરતી ઊંઘ ત્વચા માટે સૌથી સસ્તી અને અસરકારક સૌંદર્ય સારવાર છે. તેથી, ચોમાસામાં નો-મેકઅપ લુક ફક્ત ફૅશન ટે્રન્ડ નથી, પરંતુ કુદરતી સૌંદર્યને અપનાવવાનું પ્રતીક છે અને એ વાતની શીખ પણ મળે છે કે સુંદર દેખાવા માટે હંમેશાં ભારે મેકઅપની જરૂર નથી હોતી.  

નો-મેકઅપ લુકના સાત ગોલ્ડન રૂલ્સ: 

દિવસમાં બે વાર માઇલ્ડ ફેસવૉશથી ચહેરો સાફ કરો. 
ઑઇલ-ફ્રી મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરો.
હાલના દિવસોમાં પણ સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં.
મોસમી ફળો ખાઓ અને પુષ્કળ પાણી પીઓ.
ભારે ફાઉન્ડેશન અને ક્રીમ આધારિત મેકઅપથી બચો.
અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર નેચરલ ફેસ પૅકનો ઉપયોગ કરો.
રોજ પૂરતી ઊંઘ લો. સ્વસ્થ ત્વચા માટે સારી ઊંઘ જરૂરી છે.