ટીના દોશી
નામ: સરોજિની નાયડુ
ઓળખ : સ્વતંત્રતા સેનાની
ટપાલ ટિકિટ બહાર પાડ્યાની તારીખ : 13.2.1964
ટિકિટનું મૂલ્ય : 15 નયા પૈસા
જૌહરો મેં લલનાએ કુછ કમ નહીં
વક્ત આને પર ‘લક્ષ્મી’ ભી બન જાતી હૈ
આ પંક્તિઓ કોણે રચેલી એ પ્રશ્ર્નનો ઉત્તર કદાચ કોઈ નહીં જાણતું હોય, પણ ગાંધીજી આ કોકિલકંઠી રચનાકારને ‘ભારતનું બુલબુલ’ કહીને સંબોધતાં એવો સંકેત આપવામાં આવે તો કોઈ પણ કવયિત્રીનું નામ કહી દેશે: સરોજિની નાયડુ.‘હિંદનું બુલબુલ’ હોવાની સાથે સરોજિની નાયડુ અગ્રીમ હરોળનાં સ્વાતંત્ર્ય સૈનિક પણ હતાં. સરોજિનીનો અર્થ કમળથી ભરેલું તળાવ કે કમળસમૂહ થાય. સ્વતંત્રતા સેનાનીઓના સરોવરમાં વિવિધ પ્રકારનાં ફૂલ ઊગેલાં. એમાં સરોજિની કમળ બનીને ખીલી ઊઠ્યાં અને નામને સાર્થક કર્યું.
ભારત કોકિલા તરીકે પણ જાણીતાં થયેલાં સરોજિની નાયડુએ સવિનય કાનૂનભંગ અને ભારત છોડો આંદોલન સહિત અનેક સત્યાગ્રહોમાં ભાગ લીધેલો. ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં અધ્યક્ષ બનનારાં પ્રથમ ભારતીય મહિલા સરોજિની જ હતાં. મહિલા મતાધિકાર આંદોલનનાં સૂત્રધાર પણ સરોજિની જ. ભારતના કોઈ પણ રાજ્યનાં રાજ્યપાલ બનનારાં પ્રથમ ભારતીય મહિલા પણ સરોજિની જ. આઝાદી પછી ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ તરીકેની જવાબદારી એમને સોંપાયેલી. એમનો જન્મદિવસ રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઊજવવામાં આવે છે. એમના પ્રદાનને બિરદાવવા ભારત સરકારે 13 ફેબ્રુઆરી 1964ના પંદર નયા પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડી.
બહુમુખી પ્રતિભા ધરાવતાં સરોજિનીનો જન્મ હૈદરાબાદમાં 13 ફેબ્રુઆરી 1879ના. સુખીસંપન્ન બંગાળી પરિવારમાં. માતા વરદસુંદરી દેવી. પિતા અઘોરનાથ ચટ્ટોપાધ્યાય. આઠ સંતાનોમાં સરોજિની સૌથી મોટાં. પિતા વૈજ્ઞાનિક હતા અને શિક્ષક પણ. એમણે હૈદરાબાદ નિઝામ કૉલેજની સ્થાપના કરાવેલી. વરદસુંદરી દેવી વિદુષી કવયિત્રી હતાં. બંગાળી ભાષામાં કવિતા લખતાં. અઘોરનાથની ઇચ્છા હતી કે દીકરી ગણિતમાં આગળ વધે અથવા વૈજ્ઞાનિક બનીને વિશ્ર્વમાં નામના કરે. પણ સરોજિનીને સાહિત્યનો લગાવ હતો.
ભણતી વખતે ગણિતનો દાખલો ગણતાં ગણતાં સરોજિનીએ તેરસો પંક્તિનું કાવ્ય રચેલું. શીર્ષક હતું : ‘લેડી ઑફ ધ લેઈક’ કે ‘ઝીલ કી રાની’-ઝરણાંની રાણી! અઘોરનાથે હૈદરાબાદના નિઝામને પણ સરોજિનીનું સાહિત્ય બતાડ્યું. નિઝામ પ્રભાવિત થયા. એમણે સરોજિનીને શિષ્યવૃત્તિ આપીને ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લૅન્ડ મોકલ્યાં.
સોળ વર્ષની ઉંમરે સરોજિની ઇંગ્લૅન્ડની કિંગ્સ કૉલેજમાં દાખલ થયાં. એ પછી કૅમ્બ્રિજ વિશ્ર્વવિદ્યાલયમાં પણ અભ્યાસ કર્યો. આ અરસામાં સરોજિનીની મુલાકાત તબીબી શિક્ષણ લઈ રહેલા ગોવિંદ રાજુલૂ નાયડુ સાથે થઈ. પરિચય પરિણયમાં પરિણમ્યો.
1898માં ઓગણીસ વર્ષની ઉંમરે સરોજિની ગોવિંદ સાથે વિવાહબંધનમાં બંધાઈ ગયાં. બંગાળ અને આંધ્ર એક થયાં. આ ક્રાંતિકારી લગ્ન હતાં. ગોવિંદ રાજુલૂ આંધ્ર પ્રદેશના હતા. બીજી જાતિના હતા. સરોજિનીનાં આંતરજ્ઞાતીય અને આંતરપ્રાંતીય લગ્ન લોકજોણું બની ગયાં. પણ પિતા અઘોરનાથ પુત્રીને પડખે અડીખમ પહાડ બનીને ઊભા રહ્યા. વાજતેગાજતે એમણે સરોજિનીને સાસરે વળાવી.
ઘણી વાર પિયરની પ્રતિભા સાસરિયામાં વાદળ પાછળના સૂરજપેઠે ઢંકાઈ જાય છે, પણ સરોજિનીનો સાહિત્યસૂર્ય ગોવિંદ રાજુલૂના સાંનિધ્યમાં સોળે કળાએ ખીલી ઊઠ્યો. 1905માં સરોજિનીનું કાવ્ય બુલબુલે હિન્દ પ્રકાશિત થયું. ‘ગોલ્ડન થ્રેસહોલ્ડ’ નામનો કાવ્યસંગ્રહ પ્રકાશિત થયો. એ રાતોરાત જાણીતાં થઈ ગયાં. સરોજિનીના પ્રશંસકોમાં જવાહરલાલ નેહરુ અને રવીન્દ્રનાથ ટાગોર જેવી હસ્તીઓનો પણ સમાવેશ થતો હતો.
એમાં ગોપાલ કૃષ્ણ ગોખલેનો ઉમેરો થયો. બન્યું એવું કે એક દિવસ સરોજિની ગોપાલ કૃષ્ણને મળ્યાં. એમણે સરોજિનીનાં કાવ્યો વખાણ્યાં. સો શસ્ત્રની ગરજ સારતી કલમમાં કેટલી તાકાત છુપાયેલી છે એ પણ સમજાવ્યું. સાથે એવું સૂચન કર્યું કે સરોજિનીએ ક્રાંતિકારી કાવ્યો રચીને, એ કવિતાઓના માધ્યમથી ગામડાંના લોકોને આઝાદી આંદોલનમાં જોડવા જોઈએ. કલમ દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં જોડાવાની વાત સરોજિનીને ગમી ગઈ. એમણે દેશવાસીઓમાં જુસ્સો રેડતાં કાવ્યો લખવાનું શરૂ કર્યું.
ગોપાલ કૃષ્ણ ગોખલેની મુલાકાતથી સરોજિની નાયડુના જીવનને નવો વળાંક મળ્યો, જયારે મહાત્મા ગાંધીજીના મેળાપથી એમનો જીવનપ્રવાહ જ પલટાયો વર્ષ 1914. લંડનમાં સરોજિની અને ગાંધીજીનું પ્રથમ મિલન. ગાંધીજીના વિચારોએ સરોજિની પર પ્રભાવ પાડ્યો. એટલાં પ્રભાવિત થયાં કે ગાંધીજીનાં સેનાપતિ થઈ ગયાં. 1916માં લખનઉમાં કૉંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિનીએ ભાગ લીધો. ગાંધીજીની માફક આખાયે દેશનું ભ્રમણ કર્યું. સેનાપતિ સ્થળનિરીક્ષણ કરતો હોય એ રીતે. ઝંઝાવાતી પ્રવાસ કરીને આઝાદીનો નારો ગજવ્યો.
ભારતમાં જ નહીં, વિશ્ર્વમાં પણ ઝંડો ઊંચો રાખવાના લક્ષ્ય સાથે સરોજિનીએ સ્વરાજની લડતમાં ઝુકાવ્યું. અસ્ખલિતપણે બોલતાં સરોજિનીની વાણી ને વાક્છટાથી લોકો મંત્રમુગ્ધ થઈ જતા. જંગમાં જોડાવા પ્રેરાતાં સરોજિની નાયડુએ દેશની સાથે વિદેશમાં પણ પોતાના નામનો ડંકો વગાડેલો.1918માં એમને ‘હોમરૂલ લીગ’નાં પ્રતિનિધિમંડળનાં સભ્ય તરીકે લંડન મોકલવામાં આવેલાં. તેમનું છટાદાર પ્રવચન સાંભળીને લંડનવાસીઓ અંજાઈ ગયેલા. જીનિીવામાં એમણે મહિલા મતાધિકાર પરિષદમાં યાદગાર ભાષણ આપેલું.
વર્ષ 1921. સરોજિની ભારત પાછાં ફર્યા ત્યારે અસહકારનું આંદોલન ચાલી રહેલું. 1922માં ગાંધીજીની ધરપકડ થઈ. ત્યારે સરોજિનીનું સમર્પણ જોઈને બાપુએ કહેલું: ‘ભારતનું ભાવિ હું તમારા હાથમાં સોંપીને જાઉં છું.’ સરોજિનીએ બાપુએ પોતાના પર મૂકેલો ભરોસો જળવાઈ રહે એવી દક્ષતાથી કામ કર્યું. ચાર વર્ષ પછી 1925માં કાનપુરમાં મળેલા કૉંગ્રેસ રાષ્ટ્રીય અધિવેશનમાં સરોજિની અધ્યક્ષા બન્યાં. ગાંધીજીએ એમનું આ શબ્દોમાં ઉમળકાભેર સ્વાગત કર્યું: ‘પહેલી વાર એક ભારતીય મહિલાને દેશની સૌથી શ્રેષ્ઠ સોગાદ મેળવવાનું સન્માન પ્રાપ્ત થયું છે. પોતાની લાયકાત અને યોગ્યતાને લીધે જ એમણે આ સન્માન મેળવ્યું છે.’
ત્રણ વર્ષ બાદ, 1928માં સરોજિની અમેરિકા ગયાં. ગાંધીજીના અહિંસાના સંદેશાનો પ્રચાર કર્યો. એ પછી 1930માં નમક સત્યાગ્રહ થયો. ગાંધીજીની ધરપકડ થઈ ત્યારે સરોજિનીએ સત્યાગ્રહના સૂત્રધાર તરીકેની જવાબદારી સંભાળી લીધી. એ પછી અંતિમ લડત તરીકે જાણીતી 1942ની હિન્દ છોડો ચળવળમાં સરોજિની જોડાયાં. ‘કરો યા મરો’નું સૂત્ર ગજાવ્યું. ગાંધીજીની સાથે સરોજિનીની પણ ધરપકડ થઈ. એકવીસ મહિનાનો જેલવાસ તેમણે વેઠ્યો.
ભારત દેશ આઝાદ થયા પછી સરોજિની નાયડુને ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ બનાવાયાં. વડા પ્રધાન જવાહરલાલ નેહરુના આગ્રહથી પદનો સ્વીકાર તો કર્યો, પણ એમણે કહેલું, કેદ કરાયેલા જંગલના પક્ષી જેવી અનુભૂતિ મને થાય છે. જોકે પોતાની ફરજ સરોજિનીએ અત્યંત નિષ્ઠાથી અદા કરી. રાજ્યપાલ તરીકે હોદ્દા પર કાર્યરત હતાં ત્યારે જ, 2 માર્ચ 1949ના પોતાની કચેરીમાં કામ કરતાં સરોજિનીને હૃદયરોગનો હુમલો આવ્યો અને દુનિયા છોડીને ચાલ્યાં ગયાં. સરોજિની નાયડુએ વિદાય લીધી, પણ એમનાં કાવ્યો થકી અને આઝાદી આંદોલનમાં કરેલા પ્રદાનથી તેઓ અમર થઈ ગયાં છે!