Fri Sep 04 2026

Logo

લાફટર આફટરઃ લો... એક પર એક ફ્રી!

2026-08-27 08:21:00
Author: Pragya Vashi
લાફટર આફટરઃ લો... એક પર એક ફ્રી!

 

પ્રજ્ઞા વશી

‘આ વળી શું પકડી લાવી? ઘરમાં જરા જેટલી જગ્યા નથી ને તું રોજ...’
‘આ તો સ્કીમ હતી એટલે લીધું. એક ઉપર બે ફ્રી હતું. રમાબહેનની બહેને ખૂબ વિનંતી કરી કે મેં નવો ધંધો શરૂ કર્યો છે. તમારાથી ઉદ્ઘાટન થશે તો મારો બેડો જરૂર પાર થશે. તમે મારા માટે બહુ લકી છો. પછી એણે બે વાર તમારુંં નામ દઈને કીધું કે રમેશભાઈ તો બહુ ભલા, સૌમ્ય અને કૅરિંગ નેચરવાળા છે. એટલે મેં બે સાડી લીધી... હવે તમે કહેતા હો તો પાછી આપી દઉં.’

આમ તો દરેક પત્ની જાણતી જ હોય છે કે પતિ પાસે કઈ રીતે ખિસ્સાં ખાલી કરાવવા અને આ દાવ પણ પત્ની જીતી જ ગઈ.

રમેશભાઈ તરત જ બોલી ઉઠ્યા, ‘રમાબહેનની બહેન બિચારી નક્કી ભીડમાં હશે. તો જ આમ નવો ધંધો શરૂ કરે ને! બિચારીને આપણે મદદ ન કરીશું તો કોણ કરશે? મારા વિશે બીજું કંઈ કહ્યું હતું? તું એક કામ કર. ચાલ, આપણે સાથે જઈએ. તારે સાડી પણ બીજી લેવી હોય તો લઈ લે. હું પેમેન્ટ પણ કરી દઉં ને જરા અભિનંદન પણ પાઠવી દઉં. એમને જરા સારું લાગશે. આજે આપણને પ્રેમથી યાદ કરનાર કેટલાં!’

હજી તો પહોંચતાં જ રમાબહેનની બહેન મીનાએ વાતોની મીનાકારી એવી કરી કે મારી પાસે રમેશભાઈએ કુલ પાંચ સાડી લેવડાવીને પોતાનો જયજયકાર કરાવી દીધો. હું એમને વારંવાર કહેતી રહી કે આ બે બસ છે... આ બીજી તો બહુ મોંઘી છે... કાનમાં એમ પણ કહ્યું કે આ આપણને નહીં પોસાય. તો પણ રમેશભાઈએ ધરાર મોટાઈ મારતાં કહી દીધું, ‘તમે તમારે સારામાં સારી ને મોંઘામાં મોંઘી હોય એવી પાંચ સાડી પૅક કરી દો.’

પાંચ સાડીના દસ હજાર ગૂગલ પે પણ વટ પાડવા કરી જ દીધું. આ તરફ એમની પત્ની વારેવારે કાનમાં ‘ખમ્મા કરો... બ્રેક મારો. બહુ થયું... મારે આટલી બધી સાડી નથી જોઈતી, પણ મીનાબહેને એવી તે શી ભુરકી મારી કે દસ હજારનું બિલ વાંચીને તરત જ હું કંઈ બોલું તે પહેલાં ગૂગલ પે કરી પણ દીધું!’

રમેશભાઈ પોતાનો વટ પડી ગયો એટલે પોતાનાં જ વખાણ કરતાં કરતાં ઘર તરફ જવા નીકળ્યા. પતિને બૂચ મારવા નીકળેલ પત્ની શોભાને પહેલીવાર પોતાની હાર થઈ હોય એમ લાગ્યું, કારણ કે એને એટલો તો ખ્યાલ આવી ગયો હતો કે પોતાના પતિનાં વખાણ કરી કરીને મોંઘા ભાવે મીનાબહેન ચાર-પાંચ સાડી પકડાવી રહ્યાં છે, પણ મધઝરતા વેણમાં ગળાડૂબ પતિને બહાર કાઢવાનું કામ અઘરું હતું. અત્યાર સુધી એક પર એક ફ્રી ભેગી કરી કરીને કરેલી બચત એળે ગઈ અને પોતે ખરીદી કરવામાં સૌથી વધુ હોશિયાર છે એ માન્યતા કડડભૂસ થઈ ગઈ.

હજી ઘરે પહોંચ્યા ત્યાં કાયમ એક પર બે સાડી ફ્રીમાં આપી જતો હોલસેલ સાડીનો વેપારી એમનાં બારણામાં ચાર પોટલાં ઉતારીને રાહ જોતો ઊભો હતો. શોભાબહેનને જોતાં જ (કાયમી બકરાને) મોટેથી બૂમો લગાવવા લાગ્યો. ‘ચાલો, ચાલો, શ્રાવણ મહિનામાં એક પર બે ફ્રી સાડી. નહીં ગમે કે પછી મારી કિંમતમાં કોઈ સાડી આપે તો તમને પાંચ સાડી ફ્રી... ફ્રી... ફ્રી.’

નજીક પહોંચે એ પહેલાં એક પોટલું ખુલ્લું મૂકી એક સાડી હાથમાં ખોલતાં  એ બોલ્યો, ‘મારા કાયમી ઘરાક શોભાબહેન, લ્યો, આ સાડી ઉપર બે સાડી ફ્રી. માત્ર 600 રૂપિયાની એક સાડીમાં બીજી બે ફ્રી.’

જે સાડી એ બંને મીનાબહેનને ત્યાંથી લઈને આવ્યાં હતાં, એવી જ સાડી માત્ર 600માં અને મીનાબેન પાસેથી 1,600માં લીધી હતી. મતલબ અહીં 600માં ત્રણ અને ત્યાં 1,600માં એક! હવે કોણ કોને વઢે? કોણ કોનું માથું ફોડે? ધડામ દઈને બારણું બંધ કરી બંને માથે હાથ મૂકીને બેઠાં.

‘જે થયું છે એ બધું તારા લીધે જ થયું છે. ના તું બે સાડી લાવતે અને ના હું પાંચ સાડી અપાવતે.’

‘મારું તો નામ દેશો જ નહીં. તમે તમારાં વખાણ સાંભળીને લટુડાઈવેડા કરવા નીકળી પડ્યા હતા. મેં કાનમાં દસ વાર કહ્યું કે મોંઘી છે સાડીઓ, મારે નથી જોઈતી. રહેવા દો... પણ ના, સ્ત્રી સશક્તીકરણનો તમે ઠેકો લીધો છે. બહેનોના ઉદ્ધારક! બિલ લઈને તરત જ ગૂગલ પે કરી દીધું. અહીં અમારે રિક્ષાના દસ રૂપિયા કઢાવતાં નવ નેજાં પાણી ઊતરે. શાકભાજી લેવા ચાલતાં મોકલે, દૂધ લેવા ચાલતાં, કામવાળી વગર ચલાવી લો, મશીન બગડે તો હાથે ધોવામાં શું જાય છે... જેવાં ફરમાનો હિંચકે બેસીને કરવામાં હોશિયાર છો. 

કોઈ ગળી ચોપડી વાત કરીને ફસાવે છે એ સમજવા જેટલી હોશિયારી રાખતા નથી કે પછી જાણી જોઈને ફસાવાનું ગમે છે? મેં જીવનભર ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, ટુવાલ, નેપકીન, ગંજી, સાડી, સાબુ, ડિટર્જન્ટથી લઈને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ ભાવતાલ કરાવીને એક પર એક ફ્રી જ શોધીને લાવી છું. મેં ઘરમાં બેઠાં બેઠાં તમારી કેટલી બચત કરી છે! મારા જેવી પત્ની તમને  ફ્લેશલાઇટ લઈને શોધવા જાવ તો પણ ના મળે. મને તો એક એકથી ચડિયાતા મળતા હતા. પણ...’ 

‘પણ શું?’
‘પણ મને તમે જરા વધારે ગમેલા.’
‘તે ત્યારે એક પર એક ફ્રી જેવું કંઈ નહોતું? ના... ના, આ તો માન કે હું માફક ન આવત, ત્યારે...’
‘એ તો હજી ક્યાં મોડું થયું છે? તમે જ કોઈ એક પર એક ફ્રીની સ્કીમ હોય તો મને કહેજો. મારી ના નથી...’
‘તો મારી પણ ક્યાં ના છે?!’