ઝુબૈદા વલિયાણી
‘રામ્યા, ઓ રામ્યા, અરે રામી, હું તને ક્યારનો બોલાવું છું અને તું સાંભળતી નથી.’
‘પણ તું મને રામી કહીને બૂમ કેમ પાડે છે? આ તો કોઈ ઘરના નોકરને રામા કહીને બૂમ પાડે એવું લાગે છે.’
રામ્યાએ ગુસ્સે થતાં તેની સામે જ ઊભેલા અતીતને કહ્યું, ‘હું તારી સામે તો ઊભી છું.’
‘તું સામે છે પણ સામે નથી, તારું ધ્યાન મારી તરફ ક્યાં હતું, તું તો કંઈક બીજું જોતી હતી.’
‘હા, હું બીજું જ જોતી હતી. તને સામે પેલાં યુવક-યુવતી દેખાય છે?’
‘હા.’
‘તેઓ બંને ચુંબન કરતાં હતાં.’
‘તેમાં શું થયું. યુવક એક યુવતીને પ્રેમ કરે તે તો નૉર્મલ કહેવાય અને હવે એક યુવક બીજા યુવકને ચુંબન કરે તે પણ મોટેભાગે નૉર્મલ કહેવાય છે અને હવે આવા સંબંધને સમાજે પણ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે સ્વીકારી લીધું જ છે.’
‘તારું ભાષણ બંધ કર. હું વિચારતી હતી કે તારામાં અક્કલ ક્યારે આવશે?’
‘કેમ? કૉલેજમાં દર વરસે મારો પ્રથમ નંબર આવે છે અને ગોલ્ડ મેડલ મને જ મળે છે.’
‘પણ કોઈ યુવતીને પ્રેમ કરવામાં તારો નંબર છેલ્લો આવે છે તેની તને ખબર છે?’
‘ના, પણ મને એ તો કહે કે મારે કોને પ્રેમ કરવાનો છે?’ અતીતે સહેજ હોઠ મલકાવીને પૂછ્યું.
‘તને એટલી તો ખબર છે કે તારે મને પ્રેમ કરવાનો છે.’
‘મારો છૂટકો છે, તારી સાથે બે વરસથી રખડું છું અને તું મને છોડતી નથી એટલે મારે તો તારી સાથે જ લગ્ન કરવાં પડશે. મારું ભાવિ તો નક્કી છે. હું તો બરબાદ થવાનો જ છું.’
‘ચિંતા ન કરીશ, તું બરબાદ નહીં થાય. હું તને જીવતો રાખીશ અને...’
‘અને પછી?’
‘તને સતાવ્યે રાખીશ.’
‘એમ?’
- અતીત ગંભીર પ્રકૃતિનો હતો અને અભ્યાસ ઉપરાંત તેને બીજા કશામાં રસ ન હતો. હા, તે રામ્યાને પ્રેમ કરતો હતો. બહુ જ પ્રેમ કરતો અને તેને રામ્યાને સતાવવાની મજા આવતી હતી.
- તેને બીજો કોઈ મિત્ર પણ ન હતો.
- ત્યારે રામ્યા એક બિનધાસ્ત યુવતી હતી.
- તે અનેક યુવકો સાથે મિત્રતા ધરાવતી હતી અને જ્યારે અતીત સાથે ન હોય ત્યારે તે બીજા યુવકો સાથે વાતો કરતી, રેસ્ટોરામાં જતી અને કોઈક વખત પિકચર જોવા પણ જતી.
- તે જ્યારે આ બધી વાતો અતીતને કરતી તો તેને થતું કે અતીતને ઈર્ષા આવશે અને તે ના પાડશે.
- પણ અતીત કોઈ કૉમેન્ટ કરતો નહીં. બહુ બહુ તો કોઈક વખત પૂછતો કે તને મજા આવી?
- અને તે સાથે રામ્યા ગુસ્સે થઈ જતી.
- તે વિચારતી કે કેવો યુવક છે આ અતીત!
- તેની ગર્લફ્રેન્ડ બીજા સાથે આવી રીતે ફરે છે અને તેને કંઈ થતું નથી!
- અને એટલે જ તેને શંકા જતી કે અતીત ખરેખર પ્રેમ કરે છે કે ફકત તેની સાથે ફરવા ખાતર ફરે છે?
- તેને કોઈ મિત્ર નથી એટલે તે તેની સાથે મિત્રતા રાખે છે.
- થોડા દિવસ પછી તેણે એક પેપરમાં વાંચ્યું કે બે પ્રેમીઓએ ઝેર ખાઈને આત્મહત્યા કરી અને તે સાથે તેને એક વિચાર આવ્યો.
- શું અતીતને હું કહું કે ચાલ આપણે બંને આત્મહત્યા કરીએ તો તે કરે?
- પણ જે યુગલે આત્મહત્યા કરી હતી તેઓના ઘરમાંથી તેઓને લગ્નની ના પાડવામાં આવી હતી અને બંનેની જ્ઞાતિ અલગ હતી.
- જ્યારે અહીં તો હજુ તેણે અતીતને પૂછ્યું પણ ન હતું કે એ તેને પ્રેમ કરે છે કે નહીં, ત્યાં લગ્ન માટે ના પાડવાની વાત તો માઇલો દૂર હતી.
- તો પછી હવે શું કરવું.
- રામ્યાને સમજ પડતી ન હતી કે અતીતને કેવી રીતે પૂછવું.
- તે વિચારતી હતી.
- તેના મગજમાંથી પેલા યુગલે કરેલી આત્મહત્યાનો વિચાર ખસતો ન હતો.
- તેણે પણ હજુ મરી જવું ન હતું.
- તેને તો જિંદગી જીવવી હતી, માણવી હતી અને તે પણ અતીત સાથે.
‘લાડકી પૂર્તિ’ના પ્રિય વાચકો! જેમ ઝેરનાં પારખાં ન હોય તેમ પ્રેમનાં પણ પારખાં ન લેવાય. તે તો વિશ્ર્વાસ પર ટકતા હોઈને. પ્રસ્તુત મહદંશે સત્ય ઘટના પર આધારિત વાર્તાનો બીજો અને છેલ્લો ભાગ આવતા અંકે વાંચી બોધ હાંસલ કરીશું.
હસગુલ્લા
‘જે માણસે તને માર્યો એનું વર્ણન તું કરી શકીશ?’ ન્યાયાધીશે કનુ કડકાને પૂછ્યું.
‘જરૂર’, કનુ કડકો બોલ્યો, ‘એણે મને માર્યો તે વખતે હું તેનું વર્ણન જ કરતો હતો.’