ઇન્દોરઃ લેફ્ટ-આર્મ સ્પિનર રવીન્દ્ર જાડેજાએ છેલ્લી 10 મૅચની 12 ઇનિંગ્સમાં બોલિંગમાં એકંદરે નિરાશાજનક પર્ફોર્મ કર્યું છે એટલે સ્વાભાવિક રીતે ટીમ ઇન્ડિયાને તેમ જ જાડેજાના અસંખ્ય ચાહકોને ચિંતા (Concern) થાય, પરંતુ તેના જ સાથી ખેલાડી મોહમ્મદ સિરાજે આ ચિંતા દૂર કરી આપતા નિવેદનો આપ્યા છે.
જાડેજાબાપુએ બે વર્ષથી ટી-20 આંતરરાષ્ટ્રીયને ગુડબાય કરી દીધી છે. તેણે ટેસ્ટ તથા વન-ડે મળીને છેલ્લી 12 ઇનિંગ્સમાં કુલ મળીને ફક્ત 15 વિકેટ લીધી છે. આ 12 દાવમાં તેની હાફ સેન્ચુરી પણ માત્ર બે છે. ન્યૂ ઝીલૅન્ડ સામેની પહેલી બન્ને વન-ડેમાં તેને એક પણ વિકેટ નહોતી મળી. આ બે વન-ડેમાં અનુક્રમે 56 રન અને 44 રનના ખર્ચે પણ તે વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો. એ પહેલાં, ઘરઆંગણે સાઉથ આફ્રિકા સામેની સિરીઝની ત્રણ મૅચમાં તે એક જ બૅટ્સમૅનને પૅવિલિયન ભેગો કરી શક્યો હતો.
પેસ બોલર સિરાજે (Siraj) રવિવારે ઇન્દોરમાં ન્યૂ ઝીલૅન્ડ સામે રમાનારી શ્રેણીની અંતિમ વન-ડે પહેલાંની પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ` જાડેજાના ફૉર્મ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માત્ર એક વિકેટનો સવાલ છે. તે એક વિકેટ લેશે એટલે તેની બોલિંગમાં મોટું પરિવર્તન જોવા મળશે.'
ટેસ્ટના ઑલરાઉન્ડર્સમાં જાડેજા (Jadeja) વર્લ્ડ નંબર-વન છે. તે હાલમાં ફૉર્મમાં નથી એમ છતાં તેનો વન-ડે રેકૉર્ડ બહુમૂલ્ય છે. તેણે 209 વન-ડેમાં 2,900થી પણ વધુ રન કર્યા છે અને 232 વિકેટ લીધી છે.