Fri Aug 21 2026

Logo

સિક્કાની ત્રીજી બાજુઃ મારવાડી ભાષા: થારે હિયા મેં કાંગસી ફેર

2026-08-08 09:55:00
Author: Jaywant Pandya
Article Image

જ્યવંત પંડ્યા

રાજસ્થાન વીરતાનો પ્રદેશ છે, તે રણનો પ્રદેશ છે. અભાવનો પણ પ્રદેશ છે. વરસાદ હવે પડે છે, પણ પહેલાં વરસાદનો અભાવ હતો. દૂરદૂર સુધી પાણી લેવા જવું પડે. સૌરાષ્ટ્ર અને કચ્છ જેવું જ. પરંતુ નર્મદા મૈયાનો આભાર અને 2017માં સરદાર સરોવર બંધ યોજના પૂરી થઈ તેથી રાજસ્થાનના જેલોર સુધી પાણી પહોંચવા લાગ્યું અને જીવન ધબકવા લાગ્યું.

આપણે જાણીએ છીએ કે વરસાદ નદી કે સાગરના પાણીના બાષ્પીભવનથી બંધાતાં વાદળથી આવે છે અને એટલે જ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ કે રાજસ્થાનમાં વરસાદ ધમધોકાર પડવા લાગ્યો છે.

જોકે વાત રાજસ્થાનના લોકોની સકારાત્મક વિચારસરણીની કરવી છે. શું તમને ખબર છે કે રાજસ્થાનમાં `ઓછું' (કમ) શબ્દનો પ્રયોગ નથી કરાતો? હા, સાચી વાત છે. માનો કે ઘરમાં લોટ ઓછો થઈ ગયો હોય તો ગૃહિણીઓ એવું ન કહે કે `આટો કમ હૈ', `આટો ખતમ હોનેવાલો હૈ.' તે એમ કહેશે કે `આટો બધુંય છે, પીસણોપીસાવણો હૈ.' એટલે કે દળાવવા જવાનું બાકી છે... હજારો વર્ષો પહેલાં આ લોકોને કયા મોટિવેશનલ સ્પીકર શીખવાડવા ગયા હશે કે નેગેટિવ નહીં બોલવાનું?

આ જ રીતે તે લોકો એમ પણ નહીં બોલે કે `ખતમ હો ગયો.' તેના બદલે કહેશે, `નિવડ ગયો', `પૂરો વે ગિયો'.

દાદો સા, નાનો સા, બાબો સાને તેમના સંતાનનો પગાર પૂછશો તો તે કહેશે, `રામ રાજી હૈ, દાલરોટી કી વ્યવસ્થા હો જાવે'. કેટલી સકારાત્મક વિચારસરણી! પરંતુ કોઈ માણસ સાધનસંપન્ન છે તો તેનો દેખાડો નહીં કરે. અને કોઈ ચીજ ઓછી છે તો તેનો શોક નહીં કરે. એક રીતે જોઈએ તો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ સ્થિતપ્રજ્ઞ વ્યક્તિનાં જે લક્ષણો કહ્યાં હતાં તે જ બધાં અહીં પરોક્ષ રીતે જોવાં મળે... 

રાજસ્થાનની ભાષા અને ગુજરાતીમાં ઘણી સામ્યતાઓ છે. આ જ રીતે હરિયાણવી અને ગુજરાતીમાં પણ ઘણી સામ્યતા છે. કનપુરિયા એટલે કે કાનપુરમાં બોલાતી અને ગુજરાતીમાં પણ ઘણી સામ્યતા છે. `હપ્પુસિંહ કી ઉલટન પલટન'માં હપ્પુસિંહ `હતો', `હતી' બોલે છે તે હિન્દીમાં નથી. હિન્દીમાં `થા', `થી' બોલાય છે. પણ ગુજરાતમાં ભૂતકાળ માટે હતો અને હતી પ્રયોગ થાય છે. આ જ રીતે `ણ' અક્ષરનો પ્રયોગ હિન્દીમાં નહીંવત છે. 

મહાભારતના પાત્ર કરણથી લઈને આજના કરણ જોહરનું નામ હવે અંગ્રેજીના પ્રભાવના કારણે કરન થઈ ગયું છે, પરંતુ હરિયાણામાં અને રાજસ્થાનમાં ગુજરાતીની જેમ જ `ણ' અક્ષર હજુય બોલાય છે. પાણી, ઘણો ચોખ્ખો. ખમ્મા ઘણી. આ શબ્દસમૂહો ત્યાં હજુ બોલાય છે.            

રાજસ્થાનમાં એક કહેવત છે, `પગ કાદૈ મેં અર જાજમ પર બૈઠવા દે'.  ગ કાદૈ મેં અર જાજમ પર બૈઠવા દે' આવી મારવાડી કહેવતનો અર્થ શું છે? એ જ કે તમે કંઈ પ્રદાન ન કરતા હો અને તમે અપેક્ષા ઘણી બધી રાખો. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતજીએ જેના માટે `કોકરોચ'  શબ્દ પ્રયોગ કરેલો તેવા લોકો. 

આ મારવાડી કહેવતનો અર્થ એ છે કે તમારા પગ કાદવવાળા છે અને તમે જાજમ પર બેસવા માગણી કરો છો. પરંતુ સૂક્ષ્મ ભાવાર્થ એ કે તમારે માન કમાવું જોઈએ, માગવું ન જોઈએ. સામેથી માન માગો અને મળે તે શું કામનું? તમારું વ્યક્તિત્વ જ એવું હોય કે તમને સામેની વ્યક્તિ આપોઆપ માન આપે.

આના માટે તમારી બેસવાની છટા, ચાલવાની છટા, જોવાની છટા, તમારી ભાષા, તમારો વ્યવહાર એ બધું તમારે જોવું જોઈએ. જો આ બધું ગરિમાપૂર્ણ હોય તો તમને આપોઆપ માન મળે જ. ઘણી વ્યક્તિને જોઈને જ આપણને કેમ માન આપવાનું મન થાય છે?

તેનો વ્યવહાર, તેની ચાલવાની છટા, બેસવાની છટા. તમે કોઈ જગ્યાએ ગયા હો અને ત્યાં સોફા પર બેસી સામે ચાનો કપ મૂકવા માટે મૂકેલા ટેબલ પર પગ ચડાવીને બેસી જાવ તો?

તમે ઇન્ટરવ્યૂ આપવા ગયા હો અને દરવાજાને ખટખટાવ્યા વગર જ અંદર પહોંચી ઇન્ટરવ્યૂ લેનારને `નમસ્તે'  કે `ગુડ મૉર્નિંગ' પણ ન કરો અને તે ન કહે તે પહેલાં જ ખુરસીમાં બેસી જાવ તો? તમને ત્યાંથી કાઢી જ મૂકે અથવા પાસ તો ન જ કરે. ભલે તમે ગમે તેટલા સાચા ઉત્તરો આપ્યા હોય. થોડા દિવસ પહેલાં જંતરમંતર પર જે ભાષા પ્રયોગ સેના માટે અને વડા પ્રધાન માટે થયો તેવો તો બૉસ માટે ભૂલેચૂકેય ન કરાય. ઑફિસમાંથી પાણીચું જ મળી જાય. જંતરમંતર પર જેન-ઝીના નામે જે લોકોએ જે પ્રકારની અભદ્રતા અને ગાળાગાળી કરી તેને રાજસ્થાની ભાષામાં શું કહેવાય ખબર છે?

`લાડોકડા હી માએ તારા નામ કાઢે'. નામ કાઢ્યો એટલે કુળનું નામ ઉજાળ્યું તેવો અર્થ નહીં, કુળનું નામ ડૂબાડ્યું. અતિશય લાડથી બાળક બગડી જાય અને એવું કંઈ વર્તન કરે તો આવું કહેવાય. જેન-ઝીના ઘણા લોકો અથવા 21મી સદીની શરૂઆતમાં અમેરિકામાં જન્મેલા બાળક માટે કહેવાતું- એબીસીડી. અમેરિકન બોર્ન કન્ફ્યૂઝ્ડ દેશી. 

તેના માટે રાજસ્થાનીમાં શું કહેવાય? ગાપાચૂક. અને જંતરમંતર પર કોકરોચોએ પોતે જે ગંદી ગાળો સાથે વાતો કરી તેના માટે માફી માગી રહ્યા છે. આના માટે મારવાડી શીખામણ શું કહે છે? તમે આ લેખના શીર્ષકમાં વાંચ્યું હશે  કે `થારે હિયા મેં કાંગસી ફેર'. એનો અર્થ એ કે  પોતાના મનમાં દાંતિયો (કાંસકો) ફેરવીને જુઓ. એટલે કે બોલતા પહેલાં દસ વાર વિચાર કરો. મનમાં આવે એવું ફટ દઈને બોલી ન નખાય.

આવી બીજી એક રાજસ્થાની કહેવત છે, `પગ મેં લિથડા, કાંધે પે દુપટ્ટો'. કોઈ વ્યક્તિ લેટેસ્ટ ફોન રાખતી હોય, પણ પગમાં ફાટેલા ચપ્પલ હોય કે બૂટ હોય તો તેના માટે આ કહેવત છે કે `પગ મેં લિથડા, કાંધે પે શાલ અથવા દુપટ્ટો'. તમારું ફાઉન્ડેશન મજબૂત હોવું જોઈએ. તમારો પાયો મજબૂત હોવો જોઈએ. રાજસ્થાની સંસ્કૃતિ આ પાયા પર મહત્ત્વ આપે છે, દેખાડા પર નહીં. મારવાડી પ્રજા આ સકારાત્મક વિચારસરણી, ખર્ચા ઓછા, મહેનત ઝાઝી, આતિથ્ય ભાવનાના કારણે જ આટલી સુખી, સમૃદ્ધ અને પ્રગતિ કરી રહી છે.