Sun Aug 30 2026

Logo

મનોજ જરાંગે ફરી ઉપવાસ પર: એકનાથ શિંદેએ સરકારનો પક્ષ રજૂ કર્યો

2026-05-28 17:31:14
Author: Vipul Vaidya
મનોજ જરાંગે ફરી ઉપવાસ પર: એકનાથ શિંદેએ સરકારનો પક્ષ રજૂ કર્યો

જરાંગે-પાટીલને ઉપવાસ ન કરવા પડે તે માટે પ્રયાસ કરીશું: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મરાઠા અનામત માટે આંદોલન કરનારા મનોજ જરાંગે-પાટીલે ફરી એકવાર સરકારની ટીકા કરીને વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ વખતે, જરાંગે-પાટીલે કહ્યું છે કે તેઓ આરપારની લડાઈ લડશે અને 30મી મેથી કડક ભૂખ હડતાળ પર ઉતરશે. આ સંદર્ભમાં રાજ્ય સરકાર શું પગલાં લેશે તે અંગે ઘણી ચર્ચા થઈ રહી છે, ત્યારે શિવસેનાના મુખ્ય નેતા અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સરકારનો પક્ષ રજૂ કર્યો છે.

નવી દિલ્હીમાં પત્રકારો દ્વારા જરાંગે દ્વારા ભૂખ હડતાળની જાહેરાત અંગે પૂછવામાં આવતા, એકનાથ શિંદેએ કહ્યું હતું કે, ‘મહાયુતિના વિધાનસભ્ય પ્રસાદ લાડ તાજેતરમાં મનોજ જરાંગે-પાટિલને મળ્યા હતા. લાડ આ બેઠકમાં જરાંગે-પાટિલની માંગણીઓ સમજી ગયા છે. આ અંગે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરવામાં આવશે.

જ્યારે હું મુખ્ય પ્રધાન હતો, ત્યારે મેં અજિતદાદા અને દેવેન્દ્રજીની મદદથી મરાઠા સમુદાય માટે ઘણા નિર્ણયો લીધા હતા. અગાઉ, મરાઠા સમુદાયને કુણબી પ્રમાણપત્ર મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, અમે લાખો કુણબી પ્રમાણપત્રો પૂરા પાડ્યા હતા. નિવૃત્ત ન્યાયાધીશ શિંદેની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી, અને અમે સારથી સંસ્થા દ્વારા મરાઠા સમુદાયને ન્યાય આપવાનો પણ પ્રયાસ કર્યો હતો. અમે સુનિશ્ર્ચિત કરીશું કે જરાંગે-પાટિલને ભૂખ હડતાળ પર ન જવું પડે,’ એમ શિંદેએ જણાવ્યું હતું.