Sat Sep 05 2026

Logo

ગેસની અછતને કારણે ઇન્ડક્શનનો ઉપયોગ વધ્યોઃ હવે મહાવિતરણની મંજૂરી ફરજિયાત

2026-03-26 20:11:59
Author: Mumbai Samachar Team
ગેસની અછતને કારણે ઇન્ડક્શનનો ઉપયોગ વધ્યોઃ હવે મહાવિતરણની મંજૂરી ફરજિયાત

મુંબઈ/વસઈ: ગેસની અછતને કારણે લોકોએ ઇન્ડક્શન અને ઇલેક્ટ્રિક ઓવન જેવા ઉપકરણોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. પરંતુ, આ ઉપકરણોના વપરાશને લીધે વીજળીનો ભાર વધ્યો છે અને ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. તેથી, હવે ઇન્ડક્શનના વપરાશ માટે નાગરિકોએ મહાવિતરણ પાસેથી વધારાના લોડની મંજૂરી લેવી પડશે.

છેલ્લા કેટલાક દિવસમાં દેશમાં વર્તાઇ રહેલી ગેસની અછતને પગલે ઘણા લોકો ઇન્ડક્શન, ઇલેક્ટ્રિક ઓવન, એર ફ્રાયર્સ જેવા ઇલેક્ટ્રિક ઉપકરણો તરફ વળ્યા છે. તેના કારણે ભર ઉનાળામાં શહેરમાં વીજળીની માંગમાં ભારે વધારો થયો છે. વસઈ-વિરાર શહેરમાં ઘરગથ્થુ રહેણાંકના સિંગલ ફેઝ કનેક્શન માટે ૧૦ વોટ ની મંજૂરી આપવામાં આવી છે. જોકે, ઇન્ડક્શનના વપરાશને કારણે વીજળીના વપરાશમાં વધારો થયો છે. 

એક ઇન્ડક્શન સગડીનો લોડ સામાન્ય રીતે ૧.૫ થી ૨.૫ કિલોવોટ જેટલો હોય છે. હજારો ઘરોમાં એકસાથે આ ઉપકરણો શરૂ થવાને કારણે ટ્રાન્સફોર્મર પર લોડ વધી ગયો છે અને તેના લીધે ટેકનિકલ ખામી સર્જાવાના કિસ્સાઓ વધી રહ્યા છે.

નાલાસોપારામાં તાજેતરમાં જ વીજળીના ભારને કારણે બે ટ્રાન્સફોર્મરમાં ખામી સર્જાઈ હતી. આના પરિણામે સંબંધિત વિસ્તારોનો વીજ પુરવઠો અમુક સમય માટે ખોરવાઈ ગયો હતો. 

આવા બનાવો વારંવાર ન બને અને તેના પર નિયંત્રણ રહે તે માટે ગ્રાહકોએ ઇન્ડક્શનના વપરાશ પહેલાં પોતાના ઘરનો મંજૂર લોડ કેટલો છે તે તપાસી લેવો જોઈએ અને વધારાના લોડ માટે મહાવિતરણ પાસેથી મંજૂરી લેવી જોઈએ, તેવી અપીલ અધિક્ષક ઈજનેર સંજય ખંડારેએ કરી હતી. 

અધિકારીઓએ માહિતી આપી હતી કે વધેલા ભારણ માટે મંજૂરી લીધા વિના વીજળીનો ઉપયોગ કરતા નાગરિકોની તપાસ કરવા માટે એક ખાસ ટીમ બનાવવામાં આવશે.