Sat Aug 29 2026

Logo

મહારાષ્ટ્રથી ગુજરાતના વનતારામાં 25 દીપડાઓનું સ્થળાંતર: પ્રધાન

2026-03-24 18:58:00
Author: Vipul Vaidya
મહારાષ્ટ્રથી ગુજરાતના વનતારામાં 25 દીપડાઓનું સ્થળાંતર: પ્રધાન

મુંબઈ: મહારાષ્ટ્રના વન ખાતાના પ્રધાન ગણેશ નાઈકે એવી માહિતી આપી હતી કે રાજ્ય સરકારે રિલાયન્સ ફાઉન્ડેશનને ગુજરાતના જામનગરમાં આવેલા વનતારા સુવિધામાં દીપડાઓને સમાવવા માટે કહ્યું હતું અને 25 દીપડાઓને ત્યાં  સ્થળાંતરિત કરવામાં આવશે. 

10 વર્ષમાં રાજ્યમાં દીપડાઓની વસ્તી ચાર ગણી વધી છે. રાજ્યમાં સાત-આઠ વર્ષ પહેલાં 101 દીપડા હતા, પરંતુ હવે 444 દીપડા છે, એમ નાઈકે સોમવારે વિધાનસભામાં મહારાષ્ટ્રમાં લાગુ કરાયેલા વન્યજીવન સંરક્ષણ કાયદાના સુધારા પર બોલતા કહ્યું હતું.

ગયા અઠવાડિયે વિધાનસભા દ્વારા સુધારો બિલ પસાર કરવામાં આવ્યો હતો અને સોમવારે કાઉન્સિલે તેને મંજૂરી આપી હતી.
પચીસ દીપડાઓને વનતારા મોકલવામાં આવ્યા છે. અમે (દીપડાઓને લઈ જવાની) માગણી કરી હતી કારણ કે પુણે જિલ્લામાં 150 દીપડા હતા, નાઈકે જણાવ્યું હતું. રાજ્ય સરકારે 50 દીપડાઓને વનતારા સ્થાનાંતરિત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે.

માનવ-દીપડા સંઘર્ષના કિસ્સાઓમાં, મુખ્ય વન્યજીવન વોર્ડન કેન્દ્ર સરકારની પરવાનગી વિના કલમ 12 હેઠળ દીપડાઓની વસ્તીનું વ્યવસ્થાપન અથવા સ્થળાંતર માટે પગલાં લઈ શકતા નથી, તેથી વન્યજીવન સંરક્ષણ અધિનિયમમાં સુધારો લાવવામાં આવ્યો છે.

આ અત્યંત નિયંત્રિત, બોજારૂપ પ્રક્રિયા સમય માગી લે તેવી છે અને રાજ્યમાં માનવ-દીપડા સંઘર્ષનો સામનો કરવાના પ્રયાસોમાં વિલંબ કરે છે, એમ નાઈકે જણાવ્યું હતું.
આ બિલ મુખ્ય વન્યજીવન વોર્ડનને રાજ્ય સરકારની પરવાનગીથી દીપડાઓના વૈજ્ઞાનિક વ્યવસ્થાપન માટે જરૂરી પગલાં લેવા સક્ષમ બનાવશે, જેમાં સ્થાનાંતરણ અને વસ્તી વ્યવસ્થાપનનો સમાવેશ થાય છે.