નવી દિલ્હીઃ ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડર લિઆમ લિવિંગસ્ટનને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના ફ્રૅન્ચાઇઝીએ આ વખતની આઇપીએલની સીઝન માટે 13 કરોડ રૂપિયામાં મેળવ્યો હતો, પણ આ પીઢ ખેલાડીના મતે આ વખતની ટૂર્નામેન્ટમાં કેટલીક કચાશ હતી જેનો ઉલ્લેખ તેણે એક પૉડકાસ્ટ પરના ઇન્ટરવ્યૂમાં કર્યો છે અને એક મુદ્દા પર તેણે એવો આક્ષેપ પણ કર્યો છે કે મૅચ માટેની ટીમ નક્કી કરવામાં ફ્રૅન્ચાઇઝીના માલિકની દરમ્યાનગીરી થઈ હોવાનું જણાયું હતું.
હૈદરાબાદની ટીમ પ્લે-ઑફ સુધી પહોંચી હતી અને એમાં એલિમિનેટરમાં રાજસ્થાન રૉયલ્સ સામે 47 રનથી હારી જતાં ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ હતી. 32 વર્ષના લિવિંગસ્ટન (LIVINGSTON)ને 5-18 એપ્રિલ દરમ્યાન ફક્ત બે મૅચમાં રમવા મળ્યું હતું. લખનઊ સામે તેણે 14 રન બનાવ્યા હતા અને ચેન્નઈ સામે એક રન બનાવ્યો હતો. તેને આ બન્ને મૅચમાં બોલિંગ નહોતી કરવા મળી.
આઇપીએલ-2026માં કુલ 1,426 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા જે નવો રેકૉર્ડ છે. 2025ની સીઝનની સરખામણીમાં 2026ની સીઝનમાં 10.2 ટકા વધુ સિક્સર ફટકારવામાં આવી હતી.
હાર્ડ-હિટર તરીકે જાણીતા લિવિંગસ્ટને મુલાકાતમાં કહ્યું છે, `વધુ પડતા હાઇ-સ્કોરિંગ મુકાબલાઓને લીધે ખેલાડીના દૃષ્ટિકોણથી એકંદરે વ્યક્તિગત રીતે તેના માટે મૅચોનું મહત્ત્વ ઓછું થઈ ગયું હતું. સતતપણે બૉલ બાઉન્ડરીની બહાર જતો હોવાથી મુકાબલાનો રોમાંચ ઘટી ગયો હતો. અમે મુંબઈ સામે રમ્યા એમાં અમે 230-240 રનનો લક્ષ્યાંક 18 ઓવરમાં મેળવી લીધો હતો. મને લાગે છે કે એ બધુ ખૂબ બોરિંગ હતું. લોકો (પ્રેક્ષકો) તો બસ...6, 6, 6ની બૂમો પાડતા હતા. એમાં બૅટિંગના કૌશલ્ય જેવું કંઈ નહોતું. પિચો ખૂબ સપાટ હતી. બાઉન્ડરી ખાસ્સી દૂર હતી, પણ પિચ બૅટિંગ-ફ્રેન્ડ્લી હતી અને ફ્લૅટ પિચને કારણે ફટકાબાજીનું પ્રમાણ વધી ગયું હતું.'
હૈદરાબાદની ટીમની માલિક કાવ્યા મારન છે. તે ટીમની મોટા ભાગની મૅચોમાં સ્ટૅન્ડમાં બેઠેલી જોવા મળી હતી. શરૂઆતમાં તેની ટીમ એક પછી એક મૅચ જીતી રહી હોવાથી તે ખૂબ ખુશ હતી, પણ પછીથી હૈદરાબાદે પરાજય પર પરાજય જોયો હતો. ખાસ કરીને પ્લે-ઑફની એલિમિનેટરમાં રાજસ્થાન રૉયલ્સના વૈભવ સૂર્યવંશીના ધમાકેદાર 97 રનને કારણે તે નિરાશ જણાઈ હતી. જોકે પછીથી તેણે વૈભવને એ ઇનિંગ્સ બદલ અભિનંદન આપ્યા હતા.
લિવિંગસ્ટને ઇન્ટરવ્યૂમાં એવો સંકેત આપ્યો હતો કે આ લોકપ્રિય ટૂર્નામેન્ટમાં ટીમ સિલેક્શનના નિર્ણયોમાં ફ્રૅન્ચાઇઝીના માલિકી જૂથે વગ વાપરી હોવાનું જણાયું હતું. તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું, `ઑક્શનમાં એક ખેલાડીને મુંબઈ ઇન્ડિયન્સ મેળવવા માગતું હતું, પણ અમારા ફ્રૅન્ચાઇઝી પાસે વધુ પૈસા હતા એટલે અમારા ફ્રૅન્ચાઇઝીએ તેને મેળવી લીધો હતો. માલિકોને એ ખેલાડી ખૂબ પ્રિય હતો. (કૅપ્ટન) પૅટ કમિન્સ થોડી મૅચો નહોતો રમ્યો ત્યારે પ્લેઇંગ-ઇલેવનમાં (ચારને બદલે) ત્રણ વિદેશી ખેલાડી રાખવામાં આવતા હતા. મેં હેડ-કોચ ડેનિયલ વેટોરીને એ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે માલિકોને એ પ્લેયર ખૂબ પસંદ છે. મને સતત વિચાર આવતો હતો કે ટીમમાં કોઈ પ્લેયર ઈજા પામશે તો જ મને રમવાની તક મળશે.'