કૌશિક મહેતા
ડિયર હની,
આપણા સમાજમાં લગ્ન એક સામાજિક રીત રિવાજથી કૈક વધુ છે. એમાં કોઈ ટીકા ટિપ્પણી થાય તો આપણે સહન કરી શકતા નથી. વારેવારે લગ્ન સંસ્થા પર આક્રમણ થઈ રહ્યું છે. આજના યુવાનો લીવ ઇનમાં રહે છે. શારીરિક સબંધો બાંધે છે પણ લગ્ન કરતા નથી એવી ફરિયાદો કાને પડતી રહે છે. અને લગ્ન ફોક થઈ જાય, બીજાં કે ત્રીજાં લગ્ન કોઈ કરે તો આપણે ત્યાં એ માટે એક કહેવત છે કે લગ્ને લગ્ને કુંવારા!
હમણાં આ ચર્ચા આમિરખાનને લઈને શરૂ થઈ છે. ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ ગણાતા સુપરસ્ટાર જ્યારે 61 વર્ષની ઉંમરે ત્રીજી વાર લગ્ન ગૌરી સાથે કર્યા અને ત્યારે એની બંને પૂર્વ પત્નીઓ અને બાળકો હાજર હતાં. આવા સેલિબ્રિટી લગ્નો હંમેશાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બને છે, તેના પાછળ શું કારણભૂત છે?
ભારતીય સમાજમાં હજુ પણ પચાસ કે સાંઠની ઉંમરે અથવા ત્રીજી વાર લગ્ન કરવાને ખૂબ જ અચરજ અને કુતૂહલની નજરે જોવામાં આવે છે. એક પક્ષ માને છે કે ઉંમરના કોઈ પણ તબક્કે વ્યક્તિને એકાંત દૂર કરવા માટે અને જીવન વહેંચવા માટે એક સાથીની જરૂર પડી શકે છે. કાયદાકીય અને નૈતિક રીતે આમાં કંઈ ખોટું નથી.
એ પણ સમજવું પડશે કે, આવા હાઇ-પ્રોફાઇલ લગ્નો વાસ્તવમાં આપણા સમાજની બદલાતી માનસિકતાનો અરીસો છે.
આમિર ખાન એક જ એવો નથી કે જેણે ત્રીજી વાર લગ્ન કર્યા હોય. આવા કિસ્સાઓનો પાર નથી. જાણીતા નૅશનલ એવોર્ડ વિજેતા અભિનેતા આશિષ વિદ્યાર્થીએ 2023માં 57 વર્ષની ઉંમરે આસામ ની બિઝનેસવુમન રૂપાલી બરુઆ સાથે બીજાં લગ્ન કર્યાં. આ મુદે ટીકાઓ થઈ ત્યારે આશિષે બહુ સરસ જવાબ આપ્યો કે ‘આપણે બધા ખુશ રહેવા માગીએ છીએ, તો ઉંમરના આ પડાવ પર મને સાથી મળ્યો તો તેમાં ખોટું શું છે?’
અભિનેતા કબીર બેદી તેમના સંબંધોને લઈને હંમેશાં ચર્ચામાં રહ્યા છે. તેમણે 2016માં તેમના 70મા જન્મદિવસે પરવીન દુસાંજ સાથે ચોથી વાર લગ્ન કર્યાં હતાં. ખાસ વાત એ છે કે પરવીન તેમના કરતાં ઉંમરમાં ઘણી નાની છે. બોલિવૂડના ‘બાબા’ એટલે કે સંજય દત્તે પણ પોતાની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. રીચા શર્મા અને રિયા પિલ્લાઈ સાથેનાં લગ્ન સફળ ન રહ્યા બાદ તેમણે 2008માં માન્યતા દત્ત સાથે ત્રીજી વાર લગ્ન કર્યાં.
ભારતના સુપરમોડલ અને ફિટનેસ આઇકોન મિલિંદ સોમણે 2018માં અંકિતા કોંવર સાથે બીજાં લગ્ન કર્યા ત્યારે સૌથી મોટી ચર્ચા ઉંમરના તફાવત (Age Gap) વિશે હતી. લગ્ન સમયે મિલિંદ 52 વર્ષના હતા અને અંકિતા 26 વર્ષની હતી. છે.
આ બધા કિસ્સાઓમાં એક વાત કૉમન છે, આ સેલિબ્રિટીઝે સમાજ શું ‘વિચારશ’ તેની પરવા કર્યા વગર પોતાની ખુશી અને માનસિક શાંતિને પ્રાથમિકતા આપી. વિદેશોમાં પચાસ, સાઠ કે સિત્તેરની ઉંમરે અથવા ત્રણ-ચાર વાર લગ્ન કરવા એ ખૂબ જ સામાન્ય બાબત ગણાય છે. વિશ્વપ્રસિદ્ધ મ્યુઝિક બૅન્ડ ‘ધ બીટલ્સ’ના સભ્ય પૌલ મેકકાર્ટનીએ 2011માં 69 વર્ષની ઉંમરે નેન્સી શેવેલ સાથે ત્રીજી વાર લગ્ન કર્યાં હતાં.
હોલિવૂડના ઓસ્કાર વિજેતા અભિનેતા નિકોલસ કેજ તો આ બાબતમાં ઘણા આગળ છે. તેમણે 2021માં લાસ વેગાસમાં રિકો શિબાતા સાથે પાંચમી વાર લગ્ન કર્યાં હતાં. લગ્ન સમયે નિકોલસની ઉંમર 57 વર્ષ હતી અને તેમની પત્ની તેમના કરતાં 26 વર્ષ નાની હતી.
આ બધા વચ્ચે દુનિયાના સૌથી મોટા મીડિયા ટાયકૂન (ફોક્સ ન્યૂઝના માલિક) રૂપર્ટ મર્ડોકનો કિસ્સો સૌથી અનોખો છે. તેમણે 2016માં 85 વર્ષની ઉંમરે ચોથા લગ્ન કર્યાં હતાં. ત્યાર બાદ, હમણાં 2024માં 93 વર્ષની ઉંમરે તેમણે રશિયન બાયોલૉજિસ્ટ એલેના ઝુકોવા સાથે પાંચમી વાર લગ્ન કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી.
વિદેશોમાં લોકો ‘બીજા શું વિચારશે’ તેની ચિંતા નથી કરતા. જો સંબંધ ન ચાલે તો તેઓ સન્માનપૂર્વક છૂટાછેડા લે છે અને નવો સાથી શોધવામાં અચકાતા નથી. છેવટે, પ્રેમ, સાથ અને ખુશી મેળવવાની કોઈ ઉંમર નથી હોતી. આ વાત પશ્ચિમી દેશોના કિસ્સાઓ પરથી વધુ સ્પષ્ટ થાય છે!
સામાન્ય માણસ જો મોટી ઉંમરે કે ત્રીજી વાર લગ્ન કરે તો આખો સમાજ તેની પાછળ પડી જાય છે, પણ એ પરવા કરતા નથી. મધ્યમ વર્ગમાં લગ્ન કે છૂટાછેડા માત્ર ભાવનાત્મક નહીં, આર્થિક નિર્ણય પણ હોય છે. ત્રીજા લગ્ન કરવાથી મિલકતના ભાગલા, બાળકોના ભવિષ્યના ખર્ચ અને સમાજમાં આર્થિક શાખ પર બહુ મોટી અસર પડે છે. જોકે હવે સમાજે પણ વિચારો બદલવા પડશે. યુવા પેઢી બદલાઈ રહી છે.
આસામની સંયુક્તા દાસ નામની યુવતીની માતા (મૌસુમી દાસ)ના પતિનું અવસાન થયું ત્યારે તેમની ઉંમર નાની હતી. સંયુક્તા જ્યારે નોકરી માટે બહાર ગઈ ત્યારે તેને સમજાયું કે તેની માતા ઘરે એકલી અને ઉદાસ રહે છે. સંયુક્તાએ પોતે ન્યૂઝપેપરમાં વર જોઈએ છેની જાહેરાત આપી અને 50 વર્ષની ઉંમરે પોતાની માતાનાં બીજાં લગ્ન કરાવ્યાં. દીકરીએ પોતે ક્ધયાદાન જેવી રસમો નિભાવી હતી... બિહારના પટનાના એક યુવકે તેના પિતાના બીજાં લગ્ન કરાવ્યાં.
પિતાનાં પ્રથમ પત્ની (યુવકની માતા)ના અવસાન પછી પિતા તદ્દન એકલા પડી ગયા હતા અને ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. દીકરાએ સમાજની ચિંતા કર્યા વગર પિતા માટે યોગ્ય પાત્ર શોધ્યું અને 52 વર્ષની ઉંમરે પિતાનાં લગ્ન કરાવીને તેમના જીવનમાં ફરી ખુશીઓ પાછી લાવી દીધી.
આજની પેઢી વિચારે છે કે માતા-પિતાએ પોતાનું આખું જીવન બાળકોના ભવિષ્ય માટે હોમી દીધું, તો હવે જ્યારે બાળકો સેટ છે ત્યારે માતા-પિતાને પણ પોતાની ખુશી પસંદ કરવાનો પૂરો હક છે.
આવા કિસ્સાઓ સાબિત કરે છે કે સમાજ ભલે ધીમે ધીમે બદલાય, પણ જો પરિવારમાં બાળકો સમજુ અને સાથ આપનારાં હોય તો સામાન્ય માણસ પણ લોકોપવાદની ચિંતા વગર સન્માનપૂર્વક નવું જીવન શરૂ કરી શકે છે. વાત સાચી ને?
તારો બન્ની