Sat Sep 05 2026

Logo

જૂનું ઘર ખાલી કરતી વેળા...

2026-08-27 08:36:00
Author: Kaushik Mehta
જૂનું ઘર ખાલી કરતી વેળા...

કૌશિક મહેતા

ડિયર હની,
મધ્યમ વર્ગના માનવી માટે પોતાનું ઘર કરવું એ એક સપનાથી જરાય ઓછું નથી હોતું. પોતાનું ઘર એ આખા જીવનની જાણે ફલશ્રુતિ હોય છે. માણસ કમાતો-ધમાતો થાય એટલે એક સપનું સેવતો થઈ જાય છે કે ક્યારે ઘર બનશે. એમાં એ પરણે પછી તો ઘર એ આવશ્યકતા બની જાય છે. અને એ સપનું પૂરું ના થાય ત્યાં સુધી ભાડાના મકાનમાં રહેવું પડે છે.

મને બરાબર યાદ છે કે જે ઘરમાં ચાર દાયકાથી વધુ સમય વિતાવ્યો એ ઘરથી બીજા ઘેર જવાનું થયું ત્યારે ઘરના સામાન સાથે કેટકેટલી યાદોની ગઠરિયા બાંધવી પડી હતી. જે ઘરમાં મોટા થયા હોઈએ, દોસ્તો સાથે ધિંગામસ્તી કરી હોય, જે ઘરમાં લગ્નજીવન શરૂ થયું હોય, જે ઘરમાં આપણા પહેલા સંતાનનો જન્મ અને ઉછેર થયો હોય... એ ઘર છોડવું આસાન નથી હોતું.

બાલમુકુન્દ દવેની બહુ જાણીતી રચના યાદ આવી જ જાય....

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસું,
જૂનું ઝાડું, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટીનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લા નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો...

કોઈ પણ વ્યક્તિ એક ઘર છોડી બીજા ઘેર જાય ત્યારે આવી જ વેદના અનુભવતો હોય છે. અને નવા ઘેર ગયા બાદ પણ જૂના ઘરની યાદો પીછો છોડતી નથી. તને ખબર છે કે રાત્રે હું ઑફિસેથી પાછો ફરું ત્યારે સ્કૂટર નવા ઘર તરફના રસ્તે જવાને બદલે જૂના ઘરના રસ્તે ફંટાઈ જતું. આવું એક વાર નહીં અનેકવાર બન્યું હતું.

એમાંય જૂનું ઘર ખાલી કરતાં કેટલીક વસ્તુઓ છોડવી પડે ત્યારે બહુ આકરું લાગે છે. નવા ઘરમાં જગ્યા કેવી છે એ રીતે બધું મૅનેજ કરવું પડતું હોય છે. ચીજવસ્તુઓ સિવાય પણ ઘણું બધું છૂટી જતું હોય છે.

કવયિત્રી ચંદ્રિકાબહેન પાઠકજીનું એક લઘુ કાવ્ય આ જ વાતનો પડઘો પાડે છે : 

જવું હતું ગામ પરોઢિયામાં, 
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી, 
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?
મેં બારીએ, દાદર ને દીવાલે, 
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં, 
એને ન ત્યાંથી શકતી ખસેડી.

સાચું કહું તો પહેલું જે ઘર હતું એ આજેય મને યાદ છે. એ રોડ પરથી આપણે બંને ઘણી વાર નીકળ્યા છીએ અને આપણું જે ઘર હતું ત્યાં તો બીજું બધું બની ગયું છે, પણ એ બનેલી દીવાલોની આરપાર આપની નજરું પહોંચી જાય અને જૂની યાદો તાજી થઈ જાય.

એક ઘરથી બીજા ઘર જવાનું આસાન નથી હોતું. નવા ઘરમાં ગોઠવાતા વાર લાગે છે. આપણને આપણું ઓશીકું કે ચાદર ના મળે તો આપણે અપસેટ થઈ જતા હોઈએ છીએ, આ તો આખું ઘર જ બદલાઈ જાય છે. આમ છતાંય  નવા ઘર માટેની કલ્પના પણ કેવી મજાની હોય છે. નવું ઘર કેવું હોવું જોઈએ એ વિશે મનમાં કેટલીય વાત રમતી હોય છે. આપણે પણ એ બધી કલ્પનાઓ સેવી હતી. પણ બધી કલ્પનાઓ સાકાર ક્યાં થાય છે! છતાં કવું

મુકુલ ચોકસીની જેમ કલ્પનાઓ તો કરવાનું ગમે છે...

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો,
છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફૂલો,
નદીના કિનારાની ભીની અસર હો.
ઋતુઓ બધી અહીં એકસાથે આવે,
દિલના ઝરૂખે તને ને મને ઝુલાવે,
મીઠું મીઠું એ સતાવે...

આવું ઘર ભાગ્યેજ કોઈને મળે છે, એ નાનું છે કે મોટું એનાથી ફર્ક તો પડે છે, પણ આપણું ઘર એ આપણું! બીજાને આપણું ઘર કેવું લાગે છે એનાથી આપણને શું ફર્ક પડે છે? બીજાએ જો આપણા ઘરને જોવું હોય તો આપણી નજરથી જોવું પડે. જાવેદ અખ્તરે લખ્યું છે એમ જ ...

યે તેરા ઘર યે મેરા ઘર, કિસી કો દેખના હો ગર
તો પહલે આકે માંગ લે, મેરી નઝર તેરી નઝર!
યે તેરા ઘર યે મેરા ઘર, યહ ઘર બહુત હસીન હૈ...

નવા ઘરમાં સેટ થતાં વાર લાગે છે અને એમાંય જૂના ઘેર જો લાંબો સમય રહ્યા હોય તો સેટ થવાનો એ સમય ગાળો વધી જાય છે, કારણ કે જૂનું ઘર ખાલી કરી નવા ઘરમાં રહેવા જઈએ તો ઘણું બધું યાદ આવ્યા કરે છે... રાજે વ્યાસ મિસ્કીન સાચું લખ્યું છે કે,

ક્યાંક ખૂણેથી કોઈનો સાદ આવે છે,
જૂના ઘરની દીવાલોથી યાદ આવે છે.
હતી પથ્થરની દીવાલો પણ જીવંત લાગતી,
દરેક ખૂણેથી ખુશીઓ ફૂટી વહેતી હતી.
હવે સામાન સમેટાયો ને શૂન્યતા ઘેરાય છે,
નવા સરનામાની ભલે દોડધામ હોય ઘણી,
પણ જૂના ઉંબરા જેવી હૂંફ ક્યાંથી મળવાની?
તારો બન્ની