Mon Sep 14 2026

Logo

જમ્મુ કાશ્મીરના બડગામમાં એક આતંકી ઠાર, જોઈન્ટ ઑપરેશનમાં સૈન્યને મળ્યા શંકાસ્પદ ઈનપુટ

2026-09-04 21:32:27
Author: Mumbai Samachar Team
જમ્મુ કાશ્મીરના બડગામમાં એક આતંકી ઠાર, જોઈન્ટ ઑપરેશનમાં સૈન્યને મળ્યા શંકાસ્પદ ઈનપુટ

બડગામઃ જમ્મુ કાશ્મીરના બડગાંમ જિલ્લાના યુસમર્ગ વિસ્તામાં સૈન્ય અને ત્રાસવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હોવાના વાવડ મળ્યા છે. આ ઘટનામાં સૈન્યના જવાનોએ રાઈફલ AK-47 અને યુદ્ધમાં વપરાતી કેટલીક સંવેદનશીલ સામગ્રી જપ્ત કરી છે. ચોક્કસ ઈનપુટ મળતા સૈન્ય જવાનોએ સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. આ વિસ્તારમાં એક ત્રાસવાદી એક્ટિવ થયો હોવાના ઈનપુટ મળ્યા હતા. હવે આસપાસના જંગલ વિસ્તારમાં સર્ચ ઑપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. હજુ સુધી સૈન્યના જવાનોને કોઈ ઈજા થઈ હોવાના સમાચાર નથી. જે એક મોટી રાહતની વાત છે. 

ગુપ્ત ઈનપુટ કન્ફર્મ હતુ

એક ગુપ્ત ઈનપુટના આધારે જાણવા મળ્યું હતું કે, યુસમર્ગ વિસ્તારમાં એક ત્રાસવાદી એક્ટિવ છે. ભારતીય સૈન્ય, જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPFના જવાનોએ યુસમર્ગના જંગલમાં અશદાર ગલી વિસ્તારમાં જોઈન્ટ સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું. આ ઑપરેશન દરમિયાન જવાનોને કેટલીક શંકાસ્પદ હિલચાલ જાણવા મળી હતી. કેટલીક વસ્તુઓ શંકાસ્પદ રીતે મળી આવતા સામેથી આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. ફાયરિંગની પહેલી ઘટના ગુરૂવારે સાંજના સમયે બની, આ પછી સૈન્યના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે સામસામે ફાયરિંગ શરૂ થઈ ગયું હતું. આ ફાયરિંગમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો છે. મોડી રાતી સુધી યથાવત રહેલા ઑપરેશનમાં ફાયરિંગ યથાવત હતું પણ વહેલી સવારથી સૈન્ય ટુકડીએ સર્ચ ઑપરેશન શરૂ કરી દીધું હતું. 10 પેરાકમાન્ડોએ આ વિસ્તારમાં કેટલીક શંકાસ્પદ હિલચાલ જોઈ હતી. આ પછી તેઓ એલર્ટ થઈ ગયા હતા. 

સૈન્યનું જોઈન્ટ ઑપરેશન

સૈન્યનું ઑપરેશન જોઈને આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. ઘેરાબંધી મજબૂત કરવા અને અંધારાનો ફાયદો ઊઠાવવા માટે આતંકવાદીઓએ પણ રણનીતિ ઘડી હતી. પછી જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPFની વધારાની ટુકડીએ મોરચો સંભાળી લીધો હતો. બડગામ જિલ્લાના યુસમાર્ગ વિસ્તારમાં 2400 ફૂટની ઊંચાઈ પર એક સુંદર પહાડી વિસ્તારમાં ઘાસનું મેદાન છે. આ વિસ્તાર શ્રીનગરથી 47 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં છે. જ્યાં ઝડપથી કોઈને ખ્યાલ આવતો નથી. પીરપંજાલની ગીરીમાળા, બરફથી ઢંકાયેલા શિખર અને વચ્ચે મેદાની વિસ્તાર છુપાવવા માટેની ઉત્તમ જગ્યા છે. આ વિસ્તારમાં ઊંચા દેવદારના વૃક્ષો છે અને રસ્તો ખૂબ જ ખરાબ છે. આ કારણે આતંકીઓ આ વિસ્તારમાં સરળતાથી છુપાઈ રહે છે. જે સૈન્ય માટે એક પડકાર ઊભો કરે છે. આ ઉપરાંત વહેલી સવારે ઓછી વિઝિબિલીટી અને ધુમ્મસને કારણે વધારે મુશ્કેલીઓ ઊભી થાય છે. આ દ્રષ્ટિકોણથી આ સર્ચ ઑપરેશન ખૂબ જ જોમખી અને જીવલેણ કહી શકાય એવું હતું.