Thu Sep 03 2026

Logo

એક સારા પુરુષનો ઉછેર કઈ રીતે કરવો?

2026-09-03 10:07:00
Author: Ankit Desai
એક સારા પુરુષનો ઉછેર કઈ રીતે કરવો?

મેલ મેટર્સ - અંકિત દેસાઈ

સાચું પૌરુષ મમતા અને સંવેદના

આજના ઝડપથી બદલાતા યુગમાં જ્યારે આપણે ‘સફળતા’ની વ્યાખ્યા માત્ર સારા ગ્રેડ્સ, ઉચ્ચ ડિગ્રી કે મોટી કંપનીના પૅકેજ સાથે જોડતા થઈ ગયા છીએ ત્યારે એક સારો, સંવેદનશીલ અને જવાબદાર પુરુષ ઘડવાનો વિષય અત્યંત મહત્ત્વપૂર્ણ બની રહે છે. સમાજમાં અવારનવાર ‘પૌરુષ’ અથવા તો પુરુષત્ત્વની વ્યાખ્યાને કઠોરતા, સત્તા કે ગુસ્સા સાથે સાંકળવામાં આવે છે. વાસ્તવમાં, એક સારા પુરુષનો ઉછેર એ માત્ર એક દીકરાને મોટો કરવાની પ્રક્રિયા નથી, પરંતુ આવનારા સમાજને એક સજ્જન, મજબૂત અને સંવેદનશીલ નાગરિક આપવાની માતૃ-પિતૃ ધર્મની એક પવિત્ર યાત્રા છે. આ યાત્રા ઘરમાંથી જ શરૂ થાય છે અને બાળકના મનમાં રોપાયેલા નાના-નાના વિચારો પર નિર્ભર કરે છે.

સૌથી પહેલાં તો આપણે આપણાં ઘરોમાંથી એ જૂની માનસિકતા દૂર કરવી પડશે કે ‘છોકરાઓ રડે નહીં’ કે ‘છોકરાઓ નબળા ન દેખાય.’ નાનપણથી જ જ્યારે દીકરાને એવું શીખવવામાં આવે છે કે પોતાની ભાવનાઓ છુપાવવી એ જ પુરુષાર્થ છે ત્યારે આપણે અજાણતાં જ તેને એક માનસિક ગૂંચવણ તરફ ધકેલીએ છીએ. એક સારા પુરુષના ઉછેરનું પહેલું પગથિયું એ છે કે તેને પોતાની લાગણીઓ પછી તે દુ:ખ હોય, ડર હોય કે પ્રેમ હોય મુક્તપણે વ્યક્ત કરવા દેવી. જ્યારે એક છોકરો પોતાની ભાવનાઓને સ્વીકારતાં અને સમજતાં શીખે છે, ત્યારે જ તે બીજાની ભાવનાઓને માન આપી શકે છે. ક્રોધ અને શક્તિ બતાવવાને બદલે સંયમ અને સંવેદનશીલતા બતાવવી એ જ સાચું પૌરુષ છે એવા વિચાર તેના બાળમાનસમાં રોપાવો અત્યંત જરૂરી છે. 

બીજું અને સૌથી મહત્ત્વનું પાસું છે સ્ત્રીઓ પ્રત્યેનો આદર. આ આદર માત્ર ઉપદેશ આપીને શીખવી શકાતો નથી, પરંતુ ઘરમાં પિતા, ભાઈ કે વડીલો દ્વારા થતા વર્તનમાંથી જ બાળક શીખે છે. ઘરમાં માતા, બહેન કે અન્ય સ્ત્રીઓ સાથે કેવો વ્યવહાર થાય છે, તેમના વિચારોને કેટલું મહત્ત્વ આપવામાં આવે છે, તે બાળકના અવચેતન મનમાં અંકાય છે. દીકરાને નાનપણથી જ એ સમજાવવું જોઈએ કે ‘ના’ નો અર્થ ‘ના’ જ થાય છે અને દરેક વ્યક્તિની સીમાઓનું સન્માન કરવું એ તેનું પ્રાથમિક કર્તવ્ય છે. સ્ત્રી માત્ર રક્ષણની અપેક્ષા રાખનાર અબળા નથી, પરંતુ એક સમાન સાથી છે તેવો દૃષ્ટિકોણ બાળકમાં નાનપણથી જ ખીલવવો જોઈએ.

આ ઉપરાંત ઘરકામ અને જવાબદારીઓની વહેંચણીમાં લિંગભેદ નાબૂદ કરવો એ સારા ઉછેરની ચાવી છે. રસોડાનું કામ, સફાઈ કે ઘરની સંભાળ માત્ર સ્ત્રીઓની જવાબદારી છે અને બહારનાં  કામ જ પુરુષોનાં છે, એવા પરંપરાગત ખ્યાલોમાંથી બહાર આવવું પડશે. દીકરાને કપડાં ધોવા, ચા બનાવવી, રસોઈમાં મદદ કરવી અને ઘર સ્વચ્છ રાખવાની ટેવ પાડવી જોઈએ. આ દ્વારા તેને માત્ર આત્મનિર્ભર જ નથી બનાવતી, પરંતુ તેનામાં કોઈ પણ કામ પ્રત્યે નાનમ ન અનુભવવાની સદ્ગુણી ભાવના પણ જગાડે છે. જ્યારે પુરુષ પોતાના જીવનની રોજિંદી જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર રહેવાનું છોડી દે છે ત્યારે તે સાચા અર્થમાં પરિપક્વ બને છે.

આજના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડિયા અને ફિલ્મો ઘણીવાર પુરુષત્વની ખોટી છબીઓ રજૂ કરે છે, જેમાં હિંસા, અહંકાર કે સ્ત્રીઓ સાથેના અયોગ્ય વ્યવહારને ‘કૂલ’ ગણાવવામાં આવે છે. આવા સમયે માતા-પિતા તરીકે દીકરા સાથે ખુલ્લા મને સંવાદ સાધવો ખૂબ જરૂરી બની જાય છે. તેની સામે આદર્શ પુરુષોનાં વાસ્તવિક ઉદાહરણો મૂકવાં જોઈએ. એવા પુરુષો જે પોતાની ભૂલો સ્વીકારી શકે છે, જે માફી માગી શકે છે અને જે અહંકાર છોડીને પ્રેમથી સંબંધો સાચવી શકે છે. તેને એ સમજાવવું જોઈએ કે પોતાની વાત મનાવવા માટે બળપ્રયોગ કે અવાજ મોટો કરવાની જરૂર નથી, પણ દલીલમાં સત્ય અને વાણીમાં વિવેક હોવો જોઈએ.

પૈસા અને સફ્ળતાની આંધળી દોડધામના સમયમાં તેને માનવતા, કરુણા અને પ્રામાણિકતાનું મૂલ્ય સમજાવવું પડશે. નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરવો તે શીખવવું એટલું જ જરૂરી છે જેટલું વિજયને પચાવવું. ઘણીવાર નિષ્ફળતા સહન ન કરી શકવાના કારણે યુવાનો હિંસક કે ડિપ્રેશનનો ભોગ બનતા હોય છે. તેથી તેને એ વિશ્વાસ આપવો જોઈએ કે ઘર એ એક એવું સુરક્ષિત સ્થળ છે જ્યાં તે પોતાની નિષ્ફળતાઓ સાથે પણ સ્વીકાર્ય છે.

એક સારા પુરુષનું નિર્માણ એ શબ્દોથી ઓછું અને આચરણથી વધુ થાય છે. જો માતા-પિતા પોતે પરસ્પર સન્માન, પ્રેમ, કરુણા અને સમાનતાનું વાતાવરણ પૂરું પાડે તો દીકરો આપોઆપ એ સંસ્કારો ગ્રહણ કરે છે. એક સારો પુરુષ એ નથી જે સમાજ પર પોતાનો પ્રભાવ પાડે, પરંતુ એ છે જે પોતાના સંપર્કમાં આવતી દરેક વ્યક્તિને સુરક્ષિત, સન્માનિત અને ખુશ અનુભવાવે. આવા પુરુષો જ આવતી કાલના એક સુંદર, ભયમુક્ત અને સમતોલ સમાજની મજબૂત પાયાની ઈંટ બની શકે છે.