કુસ્તીબાજ ‘મહારાષ્ટ્રની વાઘણ’ તરીકે ઓળખાતી હતી, પતિ-સાસરિયાં સામે ગુનો નોંધાયો
છત્રપતિ સંભાજીનગર: છત્રપતિ સંભાજીનગરમાં વાલુજ એમઆઇડીસી પોલીસ સ્ટેશનની હદમાં તીસગાંવ વિસ્તારમાં આત્મહત્યા કરવા ટેકરી પર પહોંચેલા દીકરાને બચાવવાના પ્રયાસમાં પિતા પણ તેની સાથે નીચે પટકાયા હતા અને તેમને પડતાં જોઇને માતાએ પણ નીચે પડતું મૂકતાં ત્રણેયનાં મોત થયાં હોવાની ઘટનાને પખવાડિયું વીત્યું નથી ત્યાં ધારાશિવ જિલ્લામાં ઐતિહાસિક નળદુર્ગ કિલ્લા પરથી મહિલા કુસ્તીબાજે પોતાનાં ત્રણ સંતાનો સાથે 100 ફૂટ ઊંડી ખીણમાં ઝંપલાવ્યું હોવાની આઘાતજનક ઘટના ગુરુવારે બની હતી.
આ બનાવમાં મહિલા અને તેના બે સંતાનનું મૃત્યુ થયું હતું, જ્યારે અઢી વર્ષની પુત્રી ગંભીર રીતે ઘવાઇ હતી અને તે હાલ સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર છે. રાષ્ટ્રીય સ્તરની કુસ્તી સ્પર્ધાઓમાં પાંચ ગોલ્ડ અને છ સિલ્વર મૅડલ મેળવનારી અશ્વિની મનોહર પોળ ‘મહારાષ્ટ્રની વાઘણ’ તરીકે ઓળખાતી હતી.
અશ્વિનીએ પતિ તથા સાસરિયાં દ્વારા અપાતા શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનો આરોપ તેના પિતા તાનાજી મોહિતેએ કર્યો હતો. પિતાએ આ પ્રકરણે નળદુર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે અશ્વિનીના પતિ મનોહર, સસરા અંકુશ પોળ, સાસુ કાલિંદા તથા વિમલાબાઇ વિરુદ્ધ દહેજ માટે ત્રાસ આપવા અને આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે લાતુર જિલ્લાના અંબુલગાના રહેવાસી એવા આરોપીઓ અશ્ર્વિનીને પિયરથી રૂપિયા, સોનાની બંગડીઓ અને નવી રિક્ષા ખરીદવા માટે નાણાં વ્યવસ્થા કરવા માટે દબાણ કરતા હતા.
ધારાશિવ જિલ્લાના ઉમરગા તાલુકામાં આવેલા વ્હંતાળ ગામમાં રહેનારી અશ્વિની ગુરુવારે બપોરે તેના સાડાપાંચ વર્ષના પુત્ર અજિંક્ય અને અઢી વર્ષની જોડિયા પુત્રી વીરા તથા ક્રાંતિ સાથે નળદુર્ગ કિલ્લા પર ગઇ હતી. તે કિલ્લાના સૌથી ઊંચા પોઇન્ટ ઉપલી ગુંબજ પર પહોંચી હતી અને ત્યાંથી તેણે સંતાનો સાથે ઊંડી ખીણમાં ઝંપલાવ્યું હતું.
અશ્વિની અને તેના પુત્ર અજિંક્યનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે વીરા અને ક્રાંતિ ગંભીર રીતે ઘાયલ થઇ હતી. બંને જણને તાત્કાલિક સારવાર માટે ધારાશિવની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, જ્યાં સારવાર દરમિયાન ક્રાંતિનું મૃત્યુ થયું હતું. વીરાની હાલત નાજુક હોઇ તે હાલ વેલ્ટિલેટર સપોર્ટ પર છે.
દરમિયાન બનાવની જાણ થતાં નળદુર્ગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પંચનામું કર્યા બાદ આ પ્રકરણે એડીઆર દાખલ કરીને તપાસ આદરી હતી. પોલીસ અધિકારીએ કહ્યું હતું કે અશ્વિનીએ ભરેલા અંતિમ પગલા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. અશ્વિની, તેના બંને સંતાનના મૃતદેહને બાદમાં કુટુંબીજનોને સોંપવામાં આવ્યા હતા.
અશ્વિની પોળે રાષ્ટ્રીય સ્તરની કુસ્તી સ્પર્ધાઓમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું. અશ્ર્વિનીના પિતા પણ કુસ્તીબાજ હતા અને તેમણે પુત્રીને તાલીમ આપી હતી. થિરુવનંતપુરમમાં રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામાં અશ્વિનીએ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
2008માં ગુરુદાસપુર તેમ જ 2009માં ચેન્નઇમાં યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં પણ તેણે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા. તે અગાઉ મુંબઈમાં મહારાષ્ટ્ર સિક્યુરિટી ફોર્સ (એમએસએફ)માં જોડાઇ હતી, પણ તેણે ચાર-પાંચ મહિના પહેલાં રાજીનામું આપી દીધું હતું. તે ત્રણ મહિનાથી સંતાનો સાથે પિયરમાં રહેતી હતી.