Sun Sep 13 2026

Logo

અનોખો મિજાજ આ વડીલનો...

2026-08-27 08:41:00
Author: Neela Sanghvi
અનોખો મિજાજ આ વડીલનો...

નીલા સંઘવી

કેટલાંક વડીલો વૃદ્ધાવસ્થામાં પણ મસ્ત મજાની જિંદગી જીવતાં હોય છે. આજ સુધી વ્યવસાય, પરિવારની જવાબદારીમાં વ્યસ્ત હતાં. હવે વ્યવસાય તેમ જ પારિવારિક જવાબદારીઓ અદા કરી દીધી છે. ખૂબ કમાયા છે. સંતાનોને ભણાવી-ગણાવીને પરણાવી દીધાં છે. ઘરમાં પૌત્ર-પૌત્રીઓની કિલકારી ગુંજે છે. હવે શું કરવાનું?    

આ બધા વચ્ચે આજે આપણે મળીએ એક એવા  વડીલને જે સાવ અનોખો રસ ધરાવે છે. તેમનો જે રસ છે. તેવો બહુ ઓછા લોકો ધરાવતા હોય છે.

આ વડીલને આપણે લક્ષ્મીકાંતભાઈ કહીશું. આમ તો લોકો વધારે કરીને તેમના હુલામણા નામ ‘ટીકુભાઈ’થી જ ઓળખે છે. એમણે કિશોરાવસ્થામાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. કપરા સંજોગો વચ્ચે મોટા થનારા આ વડીલે સમજણા થયા પછી અનેક ક્ષેત્રે સફળતા મેળવી છે. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં જન્મ થયા બાદ બર્મા અને કલકત્તા ત્યાંથી યવતમાળ અને યવતમાળથી મુંબઈમાં સ્થાયી થયા હતા. 

આ આખી સફર દરમિયાન લક્ષ્મીકાંતના કાકા તેમના પિતાજીની સાથે જ હતા. આ બે ભાઈઓના દીકરાઓ પણ સાથે જ હતા. લક્ષ્મીકાંતના પિતા અને કાકાએ બહુ સંઘર્ષ કર્યો. મુંબઈમાં આવીને તેઓ આર્થિક રીતે સધ્ધર થયા. માંડ બધું ઠેકાણે પડતું હતું ત્યાં જ લક્ષ્મીકાંતના પિતાનું અવસાન થયુ. બન્ને ભાઈના દીકરાઓ હજુ નાના હતા. લક્ષ્મીકાન્ત પણ હજુ 13-14 વર્ષના હતા. 

બીજા બધા તેમનાથી નાના. કાકાના હાથ નીચે લક્ષ્મીકાંત ઘડાયા. વેપાર ધંધાની આંટીઘૂંટી સમજ્યા. સ્કૂલ કૉલેજનું શિક્ષણ લેતાં લેતાં જ બધા ભાઈઓ વેપારમાં પણ ધ્યાન આપતા હતા. કાકા સાથે મળીને, પોતાના ભાઈઓ અને પિત્રાઈ ભાઇઓ સાથે મળીને લક્ષ્મીકાંતે વ્યાપાર ખૂબ વધાર્યો પછી તો ખૂબ કમાયા. આખા દેશમાં લગભગ દસેક ઠેકાણે તેમની ઑફિસો હતી.

ધંધામાં વ્યવસ્થિત રીતે સેટ થઈ ગયા. સમૃદ્ધિ આવી એટલે લક્ષ્મીકાંતનાં લગ્ન તેમના જેવા જ પ્રતિષ્ઠિત પરિવારની પુત્રી જયાબહેન સાથે થયાં. બે પુત્રી થઈ. સરસ જિંદગી ચાલતી હતી. જીવનમાં સુખ જ સુખ છે એમ લાગતું હતું, પણ જીવનનું સુખ આભાસી હોય છે. સુખની પાછળ લાઇન લગાડીને દુ:ખ ઊભું જ હોય છે. લક્ષ્મીકાંતભાઈની બાળકીઓ-6 વર્ષની અને 8 વર્ષની બન્નેનું એકસાથે અકસ્માતે અવસાન થયું.

આખો પરિવાર પિકનિક પર ગયો હતો. ઘણાં બાળકો સાથે હતાં. તેમાં લક્ષ્મીકાંતજીની બે બાળકી પણ હતી. બધાં બાળકો સ્વિમિંગ પૂલમાં તરવા પડ્યાં. અને કોણ જાણે પણ કેવી રીતે લક્ષ્મીકાંતજીની બન્ને બાળકીઓ ડૂબી ગઈ. લક્ષ્મીકાંત-જયાબહેનના જીવનમાં શૂન્યાવકાશ સર્જાઈ ગયો. આ દુખ સહન કરવાનું બંને માટે અસહ્ય હતું. તોયે લક્ષ્મીકાંત તો વ્યવસાયને કારણે થોડા સ્વસ્થ થયા, પણ જયાબહેન માટે તો જીવન જીવવું આકરું થઈ પડ્યું હતું. 

આખો દિવસ રડ્યા કરતાં. લક્ષ્મીકાંતજીને પણ વેપાર-ધંધાનું કામ પતે પછી ઘરમાં આવવાનું મન થાય નહીં. લક્ષ્મીકાંતજીને નાનપણથી વાંચનનો શોખ. કવિતા સાંભળવી પણ ગમે. તેમના મિત્ર વર્તુળમાં ઘણા કવિ-લેખકો હતા. આ સર્જકો સાંજના સમયે ક્યાંંક ને ક્યાંંક મહેફિલ જમાવતા. ક્યારેક ઈરાની રેસ્ટોરાંમાં તો ક્યારેક બંધ દુકાનના ઓટલા પર, લક્ષ્મીકાંત પણ એ મહેફિલમાં સામેલ થતા અને સર્જકોની રચના સાંભળતા, તેમને સારુંં લાગતું.

થોડા સમય પછી તેમની વેરાન જિંદગીમાં એક નાનકડી પરી આવી. તેનાં બે વર્ષ પછી બીજી નાનકડી પરી આવી. લક્ષ્મીકાંત-જયાબહેનને લાગ્યું તેમની ગયેલી બંને દીકરીઓ પાછી આવી ગઈ છે. બે દીકરીઓના જવાનું દુ:ખ તો હૈયે હતું જ, પણ આ નવી જન્મેલી બે દીકરીઓને કારણે આ દંપતીને જીવન જીવવાનો હેતુ મળ્યો. 

લક્ષ્મીકાંત વ્યવસાય સાથે સેવાનાં અનેક કામ કરતા થયા. વૈધકિય, શૈક્ષણિક, ધાર્મિક, સામાજિક કાર્યોમાં પોતાનું યોગદાન તન, મન, ધનથી આપતા હતા. આ બધાં કામ એવાં હતાં જે લગભગ બધા જ ધનપતિઓ કરતા હોય છે, તેમાં કાઈ નવું ન હતું, પણ લક્ષ્મીકાંત સાહિત્ય ક્ષેત્રે કાર્યરત થયા. ઘણા બધા કવિ મિત્રો હોવાને કારણે કવિ-લેખકોને પ્લૅટફૉર્મ આપવાનું તેમણે શરૂ કર્યું. 

સંગીતકારોને પ્રોત્સાહન આપવાનું પણ તેમને ગમે છે. બન્ને દીકરી પરણી ગઈ. કાળક્રમે પત્નીનું અવસાન થયું. 87 વર્ષની ઉંમરે લક્ષ્મીકાંત ઘરમાં એકલા થઈ ગયા છે, પણ તેમની પ્રવૃત્તિઓને કારણે તેમને એકલતા સાલતી નથી. વારંવાર કવિ-સંમેલનના કાર્યક્રમ ગોઠવે, સંગીતના કાર્યક્રમો ગોઠવે અને આ મહેફિલમાં એક સરખો શોખ ધરાવતા મિત્રોને આમંત્રણ આપે, પ્રેમથી જમાડે. આમ પોતાને ગમતી પ્રવૃત્તિ લક્ષ્મીકાંત કરે જ છે, મિત્રોને પણ ગમતાનો ગુલાલ કરાવે છે.

આ  બધા વચ્ચે એક સરસ મજાનો કાર્યક્રમ લક્ષ્મીકાંતભાઈ વર્ષમાં એક વાર કરે છે. મહારાષ્ટ્રના હિલ સ્ટેશન પર એક રામમંદિર છે. એના  લક્ષ્મીકાંતજી ટ્રસ્ટી રૂપે  દર વર્ષે રામનવમીના ત્રણ દિવસ હિલ સ્ટેશન પર સગાં-સ્નેહી-મિત્રોને નિમંત્રણ આપે. 

રામનવમીના દિવસે રામ જન્મોત્સવ મનાવે. આમંત્રિતોમાં જાણીતા લેખકો, ગાયકો, નાટક-સિનેમાના કલાકારોને લાવવા-લઈ જવાની-ખાવા પીવાની બધી સગવડ લક્ષ્મીકાંતભાઈ ખૂબ પ્રેમથી કરે. આ ઉંમરે પણ આવાં સુંદર કાર્યક્રમોનું આયોજન કરીને સાહિત્ય-સંગીતને પ્રોત્સાહન આપવાનો લક્ષ્મીકાંતભાઈનો મિજાજ આમ અલગ પ્રકારનો છે.