નવી દિલ્હીઃ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) અને ઈન્ડિયા કાઉન્સિલ ઓફ એગ્રિકલ્ચરલ રિસર્ચ – ઈન્ડિયન એગ્રિકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (ICAR-IARI)એ આજે કૃષિ ક્ષેત્રે આયર્ન ઓર (અયસ્ક) ટ્રેઇલિંગ્સના ટકાઉ ઉપયોગ અંગે અદ્યતન સંશોધન હાથ ધરવા માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા છે. જે ભારતમાં સર્ક્યુલર અર્થતંત્ર અને સંસાધન સંરક્ષણ તરફનું એક નોંધપાત્ર પગલું છે.
આ સમજૂતી કરાર પર ડો. વિશ્વનાશન એન., હેડ – રિસર્ચ એન્ડ ડેવોલપમેન્ટ, AM/NS India અને ડો. સી. વિશ્વનાથન, સંયુક્ત નિર્દેશક (સંશોધન), ICAR-IARI દ્વારા ડો. ભૂપિન્દર સિંઘ, મુખ્ય વૈજ્ઞાનિક અને તપાસકર્તા ICAR-IARI સહિત બંને સંસ્થાઓના અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ સહયોગ વર્ષ 2024માં AM/NS India અને ICAR-IARI વચ્ચે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સની ટકાઉતા શોધવા માટે શરૂ કરવામાં આવેલા પ્રાથમિક અભ્યાસોને પ્રોત્સાહિત કરવા પર આધારિત છે, કારણ કે આયર્ન ઓરના બેનેફિકેશન (શુદ્ધિકરણ) દરમિયાન ઉત્પન્ન થતા આયર્ન ઓર ટ્રેઇલિંગ્માં કુદરતી બનતા ખનીજો જેવા કે સિલિકા, આયર્ન ઓક્સાઇડ્સ, એલ્યુમિના, કેલ્શિયમ અને મેગ્નેશિયમ તથા અન્ય સૂક્ષ્મ અને લાભદાયી પોષકતત્વો હોવાનું જાણવા મળ્યું છે, જેનો ઉપયોગ પાક ઉત્પાદન અને જમીનનાં સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે કરી શકાય છે.
શરૂઆતમાં પ્રયોગશાળા અને ક્ષેત્રીય અભ્યાસ નવી દિલ્હીના ICAR-IARI અને છત્તીસગઢના કિરનદુલમાં AM/NS Indiaના બેનેફિકેશન સુવિધા નજીક હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રયોગ દરમિયાન આશાસ્પદ પરિણામો મળ્યા હતા. સંશોધનમાં ડાંગર, ઘઉં અને શાકભાજી સહિતના પાકો માટે આવશ્યક અને લાભદાયક ખનીજ પોષકતત્વોના સ્ત્રોત તરીકે આયર્ન ઓર ટ્રેઇલિંગ્સનો ઉપયોગ કરવા માટેની સંભાવના દર્શાવવામાં આવી હતી.
પ્રવર્તમાન એમઓયુ નવી દિલ્હીના ICAR-IAR ખાતે અને કિરનદુલુમાં AM/NS India ખાતે હાથ ધરાનારા અનેક ઋતુઓમાં લાંબા ગાળાના વૈજ્ઞાનિક અભ્યાસો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેથી પાકના પ્રતિસાદ, પોષક ઉપલબ્ધતા, ફાઇટો-ટોક્સિસિટી, લિચિંગ લાક્ષણિકતાઓ અને એકંદર પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરી શકાય. આ સંશોધનનો ઉદ્દેશ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાને સ્થાપિત કરવાનો છે, જે કૃષિમાં આયર્ન ઓર ટ્રેઇલિંગ્સના સુરક્ષિત અને લાભદાયક ઉપયોગને સક્ષમ અને સુનિશ્ચિત કરી શકે. આ ખાણની બાય-પ્રોડક્ટ્સના લાંબા ગાળાના સંગ્રહ માટેની જરૂરિયાતને ઘટાડવામાં સહાય કરશે.