Sat Sep 05 2026

Logo

સ્મૃતિ ભારતની નંબર-વન સિક્સ-હિટિંગ બૅટરઃ શનિવારે મિતાલીનો વધુ એક રેકૉર્ડ તોડી શકે

DUBAI   2026-09-04 21:09:33
Author: Ajay Motiwala
સ્મૃતિ ભારતની નંબર-વન સિક્સ-હિટિંગ બૅટરઃ શનિવારે મિતાલીનો વધુ એક રેકૉર્ડ તોડી શકે

દુબઈઃ ભારતની વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના (Mandhana)એ ગુરુવારે અહીં ટી-20 એશિયા કપમાં હૉન્ગ કૉન્ગ સામેની મૅચમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય સદી અને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન, એમ મહિલા ક્રિકેટમાં એક સાથે બે નવા વિશ્વવિક્રમ રચ્યા એ ઉપરાંત તેણે વધુ કેટલીક સિદ્ધિઓ પણ મેળવી હતી જેમાં ખાસ કરીને એક રેકૉર્ડ સિક્સર (Sixer)ને લગતો છે. તે હવે ટી-20માં ભારતની નંબર-વન સિક્સ-હિટિંગ મહિલા ખેલાડી બની છે.

સ્મૃતિના નામે ટી-20માં હવે 95 છગ્ગા છે. તેણે ગુરુવારની મૅચમાં 14 ચોગ્ગા ઉપરાંત સાત છગ્ગા ફટકાર્યા હતા અને હરમનપ્રીત કૌરનો 89 સિક્સરનો ભારતીય વિક્રમ તોડી નાખ્યો હતો. એ સાથે, સ્મૃતિને હવે ટી-20 ઇન્ટરનૅશનલ ફૉર્મેટમાં 100 સિક્સર ફટકારનાર ચોથી બૅટર બનવા માત્ર પાંચ છગ્ગાની જરૂર છે.

સ્મૃતિના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 93 ફિફ્ટી-પ્લસ સ્કોર છે. તેણે મિતાલી રાજના આ વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી છે. સ્મૃતિ શનિવારે પાકિસ્તાન સામે વધુ એક ફિફ્ટી-પ્લસ સાથે મિતાલીનો વિશ્વ વિક્રમ તોડી શકશે.

ભારતીય મહિલા ક્રિકેટરોમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ આઠ સિક્સર મારનાર હરમનપ્રીત કૌર પછી હવે સ્મૃતિ સાત છગ્ગા સાથે બીજા સ્થાને છે. સ્મૃતિએ ગુરુવારની મૅચમાં 64 બૉલમાં 124 રન બનાવ્યા હતા. એશિયા કપમાં આ હાઇએસ્ટ વ્યક્તિગત સ્કોર છે. તેણે શ્રીલંકાની ચમારી અથાપથ્થુ (119)નો વિક્રમ તોડ્યો છે.

ટી-20માં બે સેન્ચુરી ફટકારનાર સ્મૃતિ પ્રથમ ભારતીય છે. તેણે હરમનપ્રીત કૌર (એક સદી)નો વિક્રમ તોડ્યો છે.