(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ શહેરના હાંસોલ વિસ્તારમાં રહેતા અને નિવૃત્ત આર્મી જવાનના 79 વર્ષીય પત્નીને સાયબર ઠગોએ ડિજિટલ એરેસ્ટ કર્યાં હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સાયબર ગઠિયાઓએ મુંબઈ એટીએસના એસીપી તરીકેની ખોટી ઓળખ આપી, આતંકવાદી સંસ્થા સાથે કનેક્શન હોવાનો ડર બતાવી વૃદ્ધા પાસેથી રૂપિયા 38 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે ભોગ બનેલા વૃદ્ધાએ અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો...
ગત 2 જુલાઈના રોજ વૃદ્ધા ઘરે એકલા હતા ત્યારે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ મુંબઈ એટીએસના એસીપી અશોક યાદવ તરીકે આપી હતી. તેણે દાવો કર્યો હતો કે પકડાયેલા એક આતંકવાદી પાસેથી રૂપિયા 58 કરોડ મળ્યા છે, જેમાં 10 ટકા રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર થઈ છે. આ મામલે વૃદ્ધાને મુંબઈ તપાસ માટે આવવા માટે કહ્યું હતું. જેમા માટે વૃદ્ધા તૈયાર નહોતી એટલે ઠગોએ પોલીસ યુનિફોર્મ અને એટીએસના લોગો સાથેનો વીડિયો કોલ કર્યો અને તેમને ઘરમાં જ ડિજિટલ એરેસ્ટ કરીને સતત કેમેરા સામે જ રહેવા માટે મજબૂર કર્યા હતા.
સરકારી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહી રૂપિયા પડાવ્યાં
ડિજિટલ એરેસ્ટ બાદ સાયબર ઠગોએ કેસ પૂર્ણ ન થાય ત્યાં સુધી બેંક ખાતામાં રહેલી તમામ રકમ સરકારી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કહીને વૃદ્ધા પાસેથી તમામ વિગતો મેળવી લીધી હતી. એટલું જ નહીં પરંતુ કેસમાં ફસાઈ જવાના ભારે ડરના માર્યા વૃદ્ધાએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા 38 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. લાંબા સમય બાદ પણ રૂપિયા પાછા ના આવતા વૃદ્ધાએ પોતાના જમાઈને જાણ કરી હતી. જ્યારે સાયબર ફ્રોડ થયાની જાણ થઈ ત્યારે પરિવારે સાયબર ક્રાઈમમાં ફરિયાદ આપી
છે.