Tue Oct 06 2026

Logo

ગુજરાત અને મહારાષ્ટ્રમાં દીકરીના જન્મની ભવ્ય ઉજવણી: વરઘોડો, મ્યુઝિકલ નાઇટ અને રથયાત્રા સાથે કરાયું ગ્રાન્ડ વેલકમ

2026-09-04 22:39:00
Author: Mumbai Samachar Team
ગુજરાત અને મહારાષ્ટ્રમાં દીકરીના જન્મની ભવ્ય ઉજવણી: વરઘોડો, મ્યુઝિકલ નાઇટ અને રથયાત્રા સાથે કરાયું ગ્રાન્ડ વેલકમ

મહેસાણાના અને બીડના પરિવારે દીકરીના જન્મને ઉત્સવ બનાવી સમાજમાં લૈંગિક સમાનતાનો સુંદર સંદેશ આપ્યો

મહેસાણા/બીડ: ગુજરાતના મહેસાણા અને મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં દીકરીના જન્મ પર એક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી હતી. સમાજમાં હજુ પણ દીકરા અને દીકરીના જન્મ વચ્ચે તફાવત જોવામાં આવે છે, ત્યારે આ બે પરિવારોએ પરંપરાગત વિચારસરણીને બાજુ પર મૂકીને દીકરીના જન્મને ઉત્સવમાં ફેરવી દીધો હતો. જોકે, આ બંને રાજ્યમાં એકસમાન બનેલી ઘટનાએ દેશદુનિયાને લૈંગિક સમાનતાનો સુંદર મેસેજ આપ્યો છે.

પહેલી વાત કરીએ ગુજરાતના મહેસાણાની. બારોટ પરિવારમાં બીજી દીકરીના જન્મથી માતાપિતા સૌરભ અને અંકિતા બારોટ ખુશખુશાલ થયા હતા અને આ ખુશીનું બીજું ખાસ કારણ હતું કે આ પરિવારે દીકરીના જન્મને ઉત્સવના જેમ સેલિબ્રેશન કરીને દેશદુનિયાને પણ મેસેજ આપ્યો હતો. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર જયારે બીજું સંતાન થવાનું હતું ત્યારે આસપાસના લોકોને આશા હતી કે હવે દીકરાના જન્મ થશે. 

એટલે કે તે જ વિચારતા હતા કે એક દીકરી પછી બીજો દીકરો હોવો જોઈએ. પરંતુ સૌરભ અને તેના પરિવારે આ વિચારને પોતાના પર હાવી થવા દીધો નહોતો. બીજી દીકરીના જન્મ પછી પરિવારે સ્પષ્ટતા કરી હતી કે તેમના માટે દીકરો દીકરી એક સમાન છે. પરંતુ દીકરીના જન્મથી ભવ્ય સમારોહ યોજવામાં આવ્યો જેનાથી જોવા વાળા વચ્ચે ચર્ચા શરૂ થઈ હતી. 

દીકરા-દીકરીમાં તફાવત જ ના હોવો જોઈએ
અંકિતા બારોટે કહ્યું કે ઘણીવાર એક દીકરી પછી પરિવારમાં દીકરાની ઈચ્છા જોવા મળે છે, પરંતુ તેના સાસરિયાવાળાએ બીજી દીકરીના જન્મનું જે રીતે સેલિબ્રેશન કર્યું તેની સૌકોઈ નોંધ લીધી હતી. અંકિતા માટે તેની બંને દીકરીઓ ફક્ત દીકરીઓ નથી, પરંતુ જીવનભરનો સથવારો છે. બાળકીના દાદા અનિલ બારોટ મહેસાણામાં કેમિકલનો બિઝનેસ છે. 

પૌત્રીના જન્મ પર તેમણે સમગ્ર પરિવારને સાથે લઈને એક મોટી ઉજવણી કરી હતી. તેમની વિચારણા એકદમ સીધી છે, જયારે આનંદ બાળક આવવાનો છે તો પછી દીકરા-દીકરીમાં તફાવત કેમ? અનિલ બારોટે કહ્યું હતું કે સમાજમાં આજે પણ દીકરા અને દીકરીના જન્મને અલગ અલગ નજરથી જોવાની આદત છે. દીકરીનો જન્મ થતા જલેબી વહેંચવામાં આવે છે અને દીકરાના જન્મ પર પેંડા. પણ અમારા પરિવારે આ તફાવત પર જ પૂર્ણવિરામ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. 

બીડમાં 200 વર્ષ બાદ ઘરમાં દીકરીના જન્મથી પરિવારે કરી ભવ્ય ઉજવણી  

પરિવારે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે જો દીકરી આવશે તો તેનું સ્વાગત સન્માન અને ધૂમધામથી કરવામાં આવશે. જયારે દીકરીનો જન્મ થયો ત્યારે ઉજવણી કરવામાં આવી હતી. પરિવારના લોકો નાચ્યાં અને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. દીકરીના જન્મ અંગે કહ્યું હતું કે બંને દીકરીઓને ઉત્તમ શિક્ષણ આપીશું. તેમના ભવિષ્યની તૈયારીનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે. પરિવારની ઈચ્છા છે કે દીકરીઓ આગળ વધે અને પગભર બને.

દીકરીને સાપનો ભારો માનનારા આ સમાજમાં દીકરીઓ સાથે થતા અન્યાય સામે લડવા કે તેના જન્મથી ખુશી વ્યક્ત કરનારા લોકો આ સમાજમાં ખૂબ ઓછા જોવા મળે છે. હાલમાં જ મહારાષ્ટ્રના બીડ જિલ્લાના પરલીમાં રહેનારા દહીફલે પરિવારના ઘરમાં ખુશીઓની કિલકારીઓ ગુંજી ઉઠી હતી. તેનું કારણ એ હતું કે ચાર પેઢીઓ સુધી રાહ જોયા બાદ તેમના પરિવારમાં એક દીકરીનો જન્મ થયો હતો. 

પરિવારે એક રથને સજાવી જુલુસ કાઢી નવજાત બાળકી અને તેની માતાનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ આ વીડિયો  સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો અને તેને ખુબ પ્રસંશા મળી હતી, ખાસ તો એટલે કે તાજેતરમાં જ બીડ જિલ્લામાં કન્યા ભ્રૂણહત્યાના મામલા સામે આવ્યા હતા, એટલે આ ખબરે તે લોકોના ગાલ પર તમાચો માર્યાનું કામ કર્યું હતું. 

આ પરિવારના વડીલ એટલે કે નવજાત બાળકીના દાદા લીંબાજી દહીફલે એક શાળાના આચાર્ય છે, તેમણે કહ્યું કે પરિવાર એક બાળકીના જન્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. તેમણે આગળ કહ્યું કે અમારી પેઢીમાં લગભગ ચાર પેઢીથી કોઈ દીકરીનો જન્મ થયો નહોતો. મારા બે દીકરા છે અને મારા મોટા દીકરાનો એક દીકરો છે. અમને આનંદ છે કે ભગવાને હવે મારા નાના દીકરાને એક બાળકીનો આશીર્વાદ આપ્યો છે. 

રથ પર રસ્તામાં થતી રહી પુષ્પવર્ષા
24 ઓગસ્ટ જન્મેલી આ બાળકીનું નામ ગાર્ગી રાખવામાં આવ્યું છે, જે વૈદિક કાળની એક વિદુષી અને દાર્શનિક હતી. હોસ્પિટલથી રજા મળવા પર ગાર્ગી અને તેની માતાને ઢોલ-નગારા અને નૃત્ય સાથે એક સુંદર શણગારેલા રથમાં ઘરે લાવવામાં આવ્યા હતા. જયારે રથ ઘર તરફ વધી રહ્યો હતો ત્યારે પરિવારના સદસ્યો, સબંધીઓ અને ગરમીનો પુષ્પવર્ષા કરી નૃત્ય કર્યું હતું, જેથી ઘર પરત ફરવાની પળ એક ભવ્ય ઉત્સવમાં તબદીલ થઈ ગઈ હતી. 

રક્ષાબંધન અને ભાઈબીજ ખાસ હશે 
બાળકીના પિતા ઋષિકેશ, જે ફાર્માસિસ્ટ છે, કહ્યું કે અત્યંત ભાગ્યશાળી પરિવારના ઘરે જ દીકરીનો જન્મ થાય છે. આટલા વર્ષો સુધી અમે અમારા પરિવારમાં એક દીકરીની કમી અનુભવી, ખાસ કરીને ભાઈબીજ અને રક્ષાબંધન જેવા તહેવારો પર, મારો વ્યક્તિગતરીતે માનવાનું છે કે દીકરીઓ, દીકરાઓની તુલનામાં પોતાના પિતા પ્રત્યે વધારે સારસંભાળ કરનારી અને પ્રેમ કરનારી હોય છે, એમ કહ્યું હતું. 

પરલી વૈજનાથની પવિત્ર ભૂમિ 
પરિવારે કહ્યું કે નવજાત બાળકીના ઘરે લાવતી વખતે ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય હોસ્પિટલમાં જ લેવામાં આવ્યો હતો. પરલી વૈજનાથ નગર પરિષદના અધ્યક્ષ પદ્મશ્રી ધર્માધિકારીએ કહ્યું કે 12 જ્યોતિર્લિંગમાંનુ એક પરલી વૈજનાથની પવિત્ર ભૂમિ પર ચાર પેઢીઓની રાહ જોયા બાદ ગાર્ગીનો જન્મ પરિવાર માટે અત્યંત આનંદની પળ હતી. તેમણે કહ્યું કે દહીફલે પરિવાર સમગ્ર સમાજ માટે એક મિસાલ છે, કારણ કે તેમનું આ પગલું પારંપરિક લૈંગિક ભેદભાવ દૂર કરે છે.