Sat Jun 06 2026

Logo

પતિની કમાણી ક્યાંથી આવે છે, ખબર છે?

2026-06-04 09:58:00
Author: Kaushik Mehta
Article Image

 

કૌશિક મહેતા

ડિયર હની,  
થોડા ફ્લૅશબૅકમાં જવું છે. મને હાર્ટ એટેક આવેલો અને એની સારવારમાં બૅન્કબૅલૅન્સ સાવ ખાલી થઈ ગયું હતું  ત્યારે મારી કમાણી ક્યાંથી અને કેટલી આવે છે એ વિશે આપણે ઘણી બધી ચર્ચાઓ થયેલી.

જોકે અહીં સવાલ એ છે કે કેટલી પત્નીઓને ખબર હોય છે કે એનો પતિ કેટલું કમાય છે અને એ કમાણી ક્યાંથી આવે છે? મોટા ભાગની પત્નીઓને આ વાતની ખબર નથી હોતી. હા,આજની પેઢી આવી જાણકારી રાખે છે. છોકરીઓ સબંધ કરતાં પહેલાં એ જાણી લે છે કે છોકરો કેટલું કમાય છે.

સામાન્ય રીતે પત્નીને ખબર નથી હોતી અને પતિને એ પૂછવાની દરકાર પણ કરતી નથી. માની લો કે પૂછે તો પણ પતિ સંતોષજનક જવાબ આપતા નથી. પતિઓ એવો જવાબ આપે છે કે ‘તું આ પંચાતમાં શા માટે પડે છે? તને જોઈએ એ આપીશ...’ અહીં વાત પૂરી થઈ જાય છે અને ક્યારેક પતિ કાળી કમાણી કરતો હોય કે પછી ખોટા રસ્તેથી કમાણી આવતી હોય તો પત્નીને એની ખબર પડતી નથી. એ અંધારામાં રહે છે અને પતિનો વિરોધ પણ કરી શકતી નથી.

રાજકારણીઓ હોય કે બાહુબલીઓ કે પછી મોટા બિઝનેસમેન કે ઉદ્યોગપતિઓ.... એમની પત્નીઓને મોટાભાગે આ વિશે ખબર નથી હોતી.  

જોકે, ખબર હોવી જોઈએ, તમારો જીવનસાથી કઈ રીતે કમાય છે, ઘરમાં આવતા પૈસા શુદ્ધ છે કે નહિ એનો ખબર ના હોય તો એ પાપમાં પત્નીઓ પણ ભાગીદાર બને છે. ઘણા કિસ્સામાં તો પત્ની જાણતી પણ હોય છે છતાં વિરોધ કરતી નથી અને ચાલતું હોય એમ ચાલવા દે છે.

આ બધા વચ્ચે ઘણી પત્ની એવી હોય છે જેમને ઘર ચલાવવામાં અને બાળકોના ઉછેરમાં જ રસ હોય છે. ‘પતિ જે કમાય છે તે ઘર માટે જ છે....’ એવું વિચારે છે. એ ક્યારેય એ જાણવાનો પ્રયત્ન નથી કરતી કે પૈસા ક્યાંથી અને કઈ રીતે આવે છે. જ્યાં સુધી ઘરમાં વૈભવ, લક્ઝરી અને સમાજમાં મોભો જળવાઈ રહે છે ત્યાં સુધી તેઓ કમાણીના સ્રોત વિશે આંખ આડા કાન કરવાનું પસંદ કરે છે.

અલબત, આવી પત્નીઓ સતત એક ડરમાં જીવતી હોય છે કે જો ક્યારેય રેડ પડશે કે પોલીસ કેસ થશે, તો પરિવારની અને બાળકોની બદનામી થશે. તે પતિને ખોટા રસ્તે જતાં રોકવાનો પ્રયાસ કરે છે અને બીજી તરફ એવીય પત્નીઓ છે કે જે માને છે કે ‘ભલે ઓછું હોય, પણ શાંતિની કમાણી હોવી જોઈએ.’ ઘરમાં આવતી કમાણીથી આવતી લક્ઝરીનો વિરોધ પણ કરે છે. 

તો કેટલીક વખત પત્નીને ખબર હોય છે કે પતિ ખોટી કમાણી કરી રહ્યો છે, છતાં તે ચૂપ રહે છે. એ વિચારે છે કે ‘હું બોલીશ તો ઘરમાં ઝઘડા થશે અથવા મારું કોઈ સાંભળશે નહીં.’ પુરુષપ્રધાન માનસિકતા ધરાવતાં ઘરોમાં અથવા જ્યાં પત્ની આર્થિક રીતે સંપૂર્ણપણે પતિ પર નિર્ભર હોય, ત્યાં તે વિરોધ કરવાનું જોખમ નથી લેતી. તે પરિસ્થિતિ સાથે સગાંવહાલાં અને સમાજ સામે મોં બંધ રાખીને સમજૂતી કરી લે છે.

કેટલાક કિસ્સાઓમાં એવું પણ જોવા મળે છે જ્યાં પત્ની પોતે વધુ પડતી મહત્ત્વાકાંક્ષી હોય છે. એ એવું વિચારે છે કે ‘દુનિયામાં બધા જ  આવું કરે છે, આપણે આગળ વધવું હોય તો આ જરૂરી છે.’

જોકે, પરિસ્થિતિ ધીમે ધીમે બદલાઈ રહી છે. થોડાં વર્ષો પહેલાં મહારાષ્ટ્રમાં એન્ટી-કરપ્શન બ્યૂરો પાસે એક અનોખો કેસ આવ્યો હતો.

એક સરકારી અધિકારીની પત્ની પોતાના પતિની સતત વધતી લાંચ લેવાની આદતથી પરેશાન હતી. પત્નીએ પતિને સુધારવાની છેલ્લી તક આપી, પણ જ્યારે તે ન સુધર્યો ત્યારે પત્નીએ પોતે જ લાંચ રુશ્વત વિરોધી શાખાનો સંપર્ક કર્યો. પત્નીએ પોતે જ પોલીસને ઘરમાં છુપાવેલાં કાળાં નાણાંની જગ્યા બતાવીને પતિને રંગેહાથ પકડાવ્યો અને ત્યાર બાદ બાળકોને લઈને કાયમ માટે અલગ થઈ ગઈ.

હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ઘણી પત્નીઓએ પતિની ખોટી કમાણીમાં સાથ ના દીધો અને પતિથી છૂટી થઈ ગઈ. આ પ્રકારનો એક અત્યંત ચર્ચાસ્પદ અને ઐતિહાસિક કિસ્સો બન્યો હતો. એક  સરકારી વિભાગમાં ફરજ બજાવતા અધિકારી સતત લાંચ લેતા હતા અને કાળી કમાણી ઘરમાં લાવતા હતા. તેમની પત્ની જે પોતે ઉચ્ચ શિક્ષિત અને નૈતિક મૂલ્યોમાં માનનારાં હતાં તે પતિની આ કરપ્શનની આદતથી સખત પરેશાન હતાં.

ઘરમાં લાખો રૂપિયા રોકડા આવતા અને પતિ તે નાણાં છુપાવવા માટે પત્ની પર દબાણ કરતો હતો. પત્નીએ વારંવાર વિનંતી કરી કે ‘આપણને પાપની કમાણી નથી જોઈતી, જે પગાર આવે તેમાં ખુશ રહીએ.’ પરંતુ પતિ માન્યો નહિ અને તેના પર માનસિક તેમજ શારીરિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું. આખરે પત્નીએ માત્ર ઘર છોડવાનો નિર્ણય ન લીધો, પણ પતિને પાઠ ભણાવવાનું નક્કી કર્યું.

એણે હરિયાણાની સ્ટેટ વિજિલન્સ બ્યૂરોનો સંપર્ક કર્યો. પતિ ક્યારે, કોની પાસેથી અને કેટલા રૂપિયાની લાંચ લેવાનો છે તેની સચોટ માહિતી આપી. વિજિલન્સની ટીમે ઘેરોબંધી કરીને એ ભ્રષ્ટ પતિને લાખોની લાંચ લેતાં રંગેહાથ ઝડપી લીધો.

આ દરોડા પછી પત્નીએ  ભ્રષ્ટ પતિને કાયમ માટે છોડી દીધો. તે પોતાનાં બાળકોને લઈને પિયર ચાલી ગઈ અને કોર્ટમાં છૂટાછેડા તેમજ ભરણપોષણ માટે કાનૂની દાવો માંડ્યો. કોર્ટમાં સુનાવણી દરમિયાન પત્નીએ ન્યાયાધીશ સામે સ્પષ્ટ કહ્યું કે ‘જે વ્યક્તિ દેશ અને કાયદા સાથે ગદ્દારી કરતો હોય તેની સાથે હું એક છત નીચે ન રહી શકું. મારે મારાં બાળકોને પાપની કમાણીથી નથી ઉછેરવાં.!’ કોર્ટે પણ સ્ત્રીની આ નૈતિક હિંમતની સરાહના કરી હતી અને તેને કાનૂની રક્ષણ આપ્યું હતું.

આખી ચર્ચાનો સાર એ છે કે પત્નીને એના પતિની કમાણી વિશે ખબર હોવી જોઈએ અને એમાં કોઈ ગરબડ હોય તો એનો વિરોધ કરવો જોઈએ અને એવાં કામને અટકાવવાં જોઈએ.
તારો બન્ની