Thu Jun 18 2026

Logo

મુખ્બિરે ઈસ્લામઃ ધર્મની સાચી સમજ આપનારા બે પ્રસંગો: અલ્લાહના અસ્તિત્વનો સચોટ પુરાવો: અશિષ્ટો પાસેથી શીખવા મળ્યા શિષ્ટાચારના પાઠ

2026-06-18 10:07:00
Author: Anwar Valiani
Article Image

અનવર વલિયાણી

એક નાસ્તિકે એક આસ્તિકને આ મુજબના ત્રણ સવાલો પૂછયા:

1. અલ્લાહનું અસ્તિત્વ છે તોતે જોઈ શકાતો કેમ નથી?
2. શેતાન નામે ઈબ્લિસ જ્યારે કે અગ્નિનો જ બનેલો છે તો પછી જહન્નમ, દોઝખમાં નાખવાથી તેની સજા દુ:ખદાયી કઈ રીતે બની શકે? અને

3. જ્યારે કે દરેક નેક અને બદ, સારા અને ખરાબ કાર્યો કરવાનું પરવરદિગાર, સૃષ્ટિના સર્જકની ઈચ્છાને આધિન, તેની મરજી પર અવલંબતી હોય તો પછી ઈન્સાનને શા માટે ગુનેગાર ગણવામાં આવે છે?

આસ્તિકે આ ત્રણે સવાલો સાંભળી લીધા અને પછી જબાનથી જવાબ આપવાને બદલે માટીનું એક ઢેફું જોરથી પેલા નાસ્તિકના માથામાં માર્યું અને ચૂપચાપ બેસી રહ્યો.
નાસ્તિકે અદાલતમાં ફરિયાદ કરી, પરિણામે વાદી અને પ્રતિવાદી-આસ્તિક અને નાસ્તિક બંને કોર્ટમાં ઊભા રહ્યા. ન્યાયાધીશે આસ્તિકને પૂછયું કે તમે પેલાને સવાલના જવાબ આપવાને બદલે માટીનું ઢેફું કેમ માર્યું? આ માટે તમને સજા કેમ ન કરવી?

આસ્તિકે જવાબ આપ્યો કે નામદાર હકીકતમાં મેં એને માર્યો નથી પરંતુ એ નિમિત્તે એના ત્રણે સવાલોના જવાબ આપ્યા છે. ન્યાયાધીશે આ બાબત વિસ્તારથી ખુલાસાવાર સમજાવવા માટે આસ્તિકને આજ્ઞા કરી, એ પરથી આસ્તિકે જવાબ આપ્યો કે નાસ્તિક ભાઈનો પહેલો સવાલ એ હતો કે અલ્લાહનું અસ્તિત્વ છે તો જોઈ શકાતો કેમ નથી? આ માટે હું એ ભાઈને જ પૂછીશ કે એને માટીના ઢેફાથી ઘા લાગવાના કારણે થતું દર્દ શા માટે જોઈ શકાતું નથી? અને જે કંઈ દેખાય છે તે ન તો ઘાનો માર છે કે ન તો તેનું દરદ, પરંતુ ઘા લાગવાની અસર જ છે. 

એમનો બીજો સવાલ એ હતો કે શેતાન આગનો બનેલો છે અને જહન્નમમાં પણ આગ છે તો એમાં ફેંકવાથી એને દરદ અને સજા શી રીતે થશે? તો હું એ ભાઈને પૂછું છું કે જયારે પોતે જ (નાસ્તિક) માટીનો બનેલો છે તો આ માટીના ઢેફાએ એને કેવી રીતે ઈજા પહોંચાડી? 

ત્રીજો સવાલ એ હતો કે સારા અને ખરાબ બધા જ કાર્યો પરવરદિગારની મરજી હોય તો જ માણસ કરી શકે તો પછી ઈન્સાનને તેના ગુના માટે કેમ સજા આપવી જોઈએ? શા માટે જવાબદાર ગણવો? એના જવાબમાં મારી સચોટ દલીલ એ છે કે ઢેફાનું મારવું પણ અલ્લાહ તરફથી નિમિત્ત હતું તો પછી મારા વિરુદ્ધ નાસ્તિકભાઈ અદાલતમાં કેમ દોડી આવ્યા?

ન્યાયાધીશ આ ત્રણે સવાલોના જવાબો સાંભળી ખૂબ જ નવાઈ પામ્યા અને પેલા નાસ્તિકની ફરિયાદ રદ કરી. સાચે જ ઈલાહી હસ્તીનો સચોટ પુરાવો આ દાખલો પૂરો પાડી જાય છે.

* * * 
અશિષ્ટો પાસેથી શીખવા મળ્યા શિષ્ટાચારના પાઠ

એક દિવસ શેખ સા’દીસાહેબ પોતાના મુલાકાતીઓ સાથે બેઠા હતા ત્યારે એક ભાઈએ તેમને પૂછયું - શેખ સાહેબ, સભ્યતા અને શિષ્ટાચાર આપે કોની પાસેથી શીખ્યા? શેખ સા’દીએ જવાબ આપ્યો કે અસભ્યો અને અશિષ્ટોએ મને સભ્યતા અને શિષ્ટતા શીખવાડી છે.

પેલો શખસ જેણે સવાલ પૂછયો હતો તે હસી પડયો. બોલ્યો, શેખ સા’બ! તમેય શું મજાક કરી રહ્યા છો. અસભ્ય અને અશિષ્ટ લોકો તે શું કોઈને સભ્યતા અને શિષ્ટતા શીખવતા હશે?

શેખ સા’દી ગંભીર બની ગયા. બોલ્યા - ના ભાઈ, હું મશ્કરી નથી કરતો. મેં જે કાંઈ કહ્યું તે સાચું જ કહ્યું છે.

પણ કઈ રીતે? પેલા માણસે પૂછયું.

જવાબમાં શેખ સા’દીએ કહ્યું - અસભ્ય અને અશિષ્ટ લોકો જે કાંઈ કરતા હોય છે તેનાથી હું સેંકડો જોજન દૂર રહું છું જ્યારે આથી વિપરીત તે લોકો જે કંઈ નથી કરતા તે હું તરત અપનાવી લઉં છું અને કરવાનું નથી ચૂકતો. તમે પણ લોકોની સારી આદતો - ટેવોને, સારા કાર્યોને - સારા આચરણોને ઝટ અપનાવી લેતા શીખો. જ્યારે બીજી તરફ લોકોના ખરાબ વિચારો, ખરાબ આચરણોથી હંમેશાં દૂર રહો.

સનાતન સત્ય:

વહાલા વાચક બિરાદરો! અશિષ્ટો પાસેથી જ શીખવા મળતા હોય છે શિષ્ટાચારના પાઠ જેનો અનુભવ સાત દાયકા ઉંમરના વટાવી ચૂકેલા આ કોલમનિષ્ટને આજે પણ શીખવા મળે છે.
વિણેલા મોતી:

કદી પણ માયુશ, નિરાશ થશો નહીં, અલ્લાહ પર એતાબ, ભરોસો, વિશ્ર્વાસ રાખશો તો ગમે ત્યાંથી અચાનક સારો વળાંક આવે જ છે.
* સબ્ર કરો
* માયુશી, નિરાશા શેતાન દ્વારા ફેલાવેલી માયાજાળ છે. અલ્લાહને ત્યાં દેર છે, અંધેર નથી જ...!

ધર્મજ્ઞાન

...‘અને ખરેખર અમે (પાક, પવિત્ર) કુરાનને બોધ ગ્રહણ કરવા માટે સહેલું કરી દીધું, તો હવે છે કોઈ બોધ ગ્રહણ કરનાર...?’ - હદીસ

સાપ્તાહિક સંદેશ:
* નેકી, ભલાઈ, ભલમનસાઈ, પ્રમાણિકતા, સજજનતા, સત્ય કરવા માટે કોઈને કોઈ બહાનું, અવસર શોધતા રહો.
* પૂરું યુદ્ધ ના કરો, થોડીક સુલેહની પણ ગુંજાઈશ રાખો.